Get The App

કહાં તક યે મન કો અંધેરે છલેંગે ઉદાસી ભરે દિન કભી તો ઢલેંગે...

Updated: Apr 11th, 2024


Google NewsGoogle News
કહાં તક યે મન કો અંધેરે છલેંગે ઉદાસી ભરે દિન કભી તો ઢલેંગે... 1 - image


- સિને મેજીક - અજિત પોપટ

- 'બાતોં બાતોં મેં' ફિલ્મમાં રાજેશ રોશને લતા મંગેશકર, પર્લ પદમસી અને અમિત કુમારે પાસે ગવડાવેલું 'ઊઠે સબ કે કદમ તારા રમ પમ પમ...' ગીત ભલે નર્સરી રાઇમ 'સિંગિંગ પોલી વોલી ડૂડલ ઓલ ધ ડે...' પરથી બનાવ્યું હોય, પણ તે માણવા જેવું તો છે જ.

સા હિત્યમાં નવ રસ છે- શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, શાંત વગેરે. આ દરેક રસના પાછા એક કરતાં વધુ પ્રકાર છે. જેમ કે શૃંગારમાં મિલન, મીઠી મૈં મૈં તૂ તૂ અને વિરહ. એ જ રીતે હાસ્યમાં નર્મ, મર્મ, કટુ, કટાક્ષ, વ્યંગ, સહજ, કૃત્રિમ વગેરે પ્રકારો છે. આ અલબત્ત, ઉપરછલ્લી વાતો છે. આપણા પ્રતિષ્ઠિત ગીતકાર-ફિલ્મ સર્જક ગુલઝારે જગવિખ્યાત નાટક 'કોમેડી ઓફ એરર્સ' પરથી સંજીવકુમાર અને દેવેન વર્માને ડબલ રોલમાં લઇને 'અંગુર' ફિલ્મ બનાવેલી. એમાં સૂક્ષ્મ રમૂજ હતી. એની પહેલાં છેક ૧૯૫૭-૫૮માં સત્યેન બોઝ નિર્દેશિત ફિલ્મ 'ચલતી કા નામ ગાડી આવેલી'. સમીક્ષકોની દ્રષ્ટિએ એમાં સ્થૂળ કોમેડી હતી. બીજી પણ કેટલીક કોમેડી ફિલ્મો આવેલી જેમ કે 'પડોશન', 'ગોલમાલ', 'ચૂપકે ચૂપકે' વગેરે.

આ બધી કોમેડી ફિલ્મો કરતાં થોડી જુદા પ્રકારની રમૂજ ધરાવતી રોમેન્ટિક કોમેડી અથવા કહો કે સંજોગલક્ષી રમૂજ (સિચ્યુએશનલ કોમેડી) કરતી એક ફિલ્મ બાસુ ચેટરજીએ બનાવેલી. એ હતી 'બાતોં બાતોં મેં'. મુંબઇના વાંદરા ઉપનગરથી ચર્ચગેટ જતી સવારની ૯-૧૦ની લોકલ ટ્રેનમાં હજારો મુંબઇગરા કામધંધે જતાં હોય છે. ૯-૧૦ની ટ્રેન ચૂકી ન જવાય એ માટે કેવી દોડાદોડ થતી હોય છે, કેવા કેવા લોકો આ ટ્રેનમાં હોય છે, ખ્રિસ્તી સમાજની એક માતા પરણવા જેવડી યુવાન પુત્રી માટે મૂરતિયો શોધવા કેવા પ્રયાસો કરે છે... આવી બધી વાતોને વણી લેતી આ ફિલ્મમાં કોઇ મોટી સ્ટારકાસ્ટ નહોતી. ટીના મુનીમ, અમોલ પાલેકર, પર્લ પદમસી, ડેવિડ અબ્રાહમ, રણજિત ચૌધરી અને લીલા મિશ્રા જેવાં કલાકારો હતી. મધ્યમ બજેટની આ ફિલ્મનાં ગીતો યોગેશ, શાશ્વત સચદેવ અને અમિત ખન્નાએ રચ્યાં હતાં. 'સ્વામી'માં રાજેશ રોશને આપેલા સંગીતથી સંતુષ્ટ બાસુ ચેટરજીએ આ ફિલ્મ માટે પણ રાજેશ રોશનને પસંદ કર્યા હતા. સમય રાજેશની સાથે હતો અને એણે આપેલું સંગીત સફળ પણ થયું. પરંતુ રાજેશ પ્રત્યેના પૂરા માન આદર સાથે આ લખનાર નમ્રપણે માને છે કે આ ફિલ્મથી રાજેશ વિદેશી તર્જો પ્રત્યે આકર્ષાતા થયા. આ ફિલ્મમાં બે ગીતો એવાં  છે જેની તૈયાર તર્જ રાજેશે ઉપાડી લીધી છે. ખરું પૂછો તો વ્યક્તિની ક્ષમતા કરતાં કામ વધી જાય ત્યારે અહીંતહીંથી તૈયાર માલ ઉપાડી લેવાનું પ્રલોભન જાગે. મર્યાદિત સમયમાં કામ પૂરું કરવાનું હોય એટલે બીજો કોઇ વિકલ્પ ન રહે. જો કે રાજેશે બે ત્રણ ગીતો શુ્દ્ધ રાગદારી પર પણ તૈયાર કર્યાં છે. એ ગીતો પણ હિટ નીવડયાં, અન્યત્રથી ઊઠાવેલી તર્જો પરનાં ગીતો પણ હિટ નીવડયાં.

અહીં એક વાત સમજી લેવાની જરૂર છે. હિટ વિદેશી તર્જ ઉપાડી લેનારા રાજેશ રોશન પહેલા નથી. ફિલ્મ સંગીતના સુવર્ણ યુગ તરીકે ઓળખાતા સમયમાં પણ મોટા ભાગના (યસ, મોટા ભાગના, બધા નહીં) સંગીતકારોએ વિદેશી તર્જો ઉપાડી હતી. ક્યારેક તો એવું બની જતું કે એક વિદેશી તર્જ પરથી બે-ત્રણ ગીતો બન્યાં હોય અને પાછાં બધાં હિટ સાબિત થયાં હોય. માત્ર એક દાખલો આપું છું. આ ત્રણ ગીતો યાદ કરો- 'સીએટી કેટ કેટ માને બિલ્લી', 'આર એ ટી રેટ રેટ માને ચૂહા' (ફિલ્મ દિલ્હી કા ઠગ, મજરૂહ સુલતાનપુરી, સંગીત રવિ), 'લાલ લાલ ગાલ, જાન કે હૈં લાગુ' (ફિલ્મ મિસ્ટર એક્સ, ફરી એકવાર મજરૂહ સુલતાનપુરી, સંગીત એન. દત્તા) અને 'ઇના મીના ડીકા, ડાઇ ડામોનિકા' (ફિલ્મ આશા, ગીત રાજેન્દ્ર કૃષ્ણ, સંગીત સી રામચંદ્ર). આ ત્રણે ગીતો એક અમેરિકી ગીત પરથી બન્યાં હતાં. ૧૯૫૭ અને ૧૯૫૮ વચ્ચે એટલે કે નજીક નજીકના સમયગાળામાં બન્યાં હોવા છતાં ત્રણે ગીતો સુપરહિટ નીવડયાં હતાં. એમાં કિશોરકુમાર અને આશા ભોંસલેના કંઠનાં કામણ પણ કામ કરી ગયાં હતાં. રાજેશને ન્યાય કરવા આટલી સ્પષ્ટતા બસ.

'બાતોં બાતોં મેં' આમ જુઓ તો અગિયાર બાર ગીતો હતાં. એંગ્રી યંગ મેનના યુગમાં આટલાં બધાં ગીતો ઓડિયન્સ સહન કરી શકે નહીં. વાસ્તવમાં અહીં એવું બન્યું  છે કે અમુક ગીત એક કરતાં વધુ વખત ફિલ્મમાં રજૂ થાય છે. જેમ કે ટાઇટલ ગીત શાશ્વત સચદેવ રચિત આ ગીતના શબ્દો છે 'બાતોં બાતોં મેં, કહ દો દિલ મેં તેરે છૂપી જો બાત હૈ...' આ ગીત જુદાં જુદાં દ્રશ્યોમાં ત્રણેકવાર આવે છે. તર્જમાં તાજગી છે, લય પણ મજાનો છે.  

પચાસ વર્ષ પહેલાં વડીલો જેને બાળમંદિર કહેતા એને આજે અંગ્રેજી માધ્યમવાળા નર્સરી કહે છે. નર્સરીમાં કેટલાંક અંગ્રેજી જોડકણાં બાળકો પાસે ગવડાવાય છે. એવું એક નર્સરી ગીત છે- 'સિંગિંગ પોલી વોલી ડૂડલ ઓલ ધ ડે...' એના પરથી રાજેશે અહીં એક ગીત બેસાડયું, એ જબરદસ્ત  હિટ નીવડયું. લતા મંગેશકર, પર્લ પદમસી અને અમિત કુમારે ગાયેલું એ ગીત એટલે 'ઊઠે સબ કે કદમ તારા રમ પમ પમ...' ગીત ભલે નર્સરી હ્રાઇમ પરથી બનાવ્યું પણ માણવા જેવું છે.

વિદેશી તર્જની વાત કરી એ ગીત આ રહ્યું, 'ન બોલે તુમ, ન મૈંને કુછ કંહા...' અમેરિકી સિવિલ વોર દરમિયાન લોકપ્રિય થયેલા ગીત 'વ્હેન જ્હોની કમ્સ માર્ચિંગ હોમ પરથી ન બોલે તુમ...' ગીતની તર્જ છે રાજેશે બનાવી છે. આ ગીતમાં રાજેશે જે રીતે એકોર્ડિયન, વોયલિન અને સેક્સોફોનનો એટલો સરસ ઉપયોગ કર્યો છે કે તમને શંકર-જયકિસન કે આર. ડી. બર્મન યાદ આવી જાય. આ ગીત સાથે પગથી તાલ મિલાવવાની મોજ આવે એવું બન્યું છે. 

રહી રાગદારી આધારિત ગીતોની વાત. નાયક-નાયિકા વચ્ચે થતા સંવાદ જેવું એક ગીત 'સુનિયે, કહીયે, કહીયે સુનિયે, કહતે સુનતે બાતોં બાતોં મેં પ્યાર હો જાયેગા...'ના લયમાં રાજેશે ધીમે ધીમે શરૂ કરીને પછી લયને જોરદાર વળાંક આપ્યો છે. આ ગીતમાં શબ્દોને બહેલાવવા છ માત્રાના દાદરા તાલનો ઉપયોગ કર્યો છે. ગીત  ભૈરવી અને કીરવાણી એમ બે રાગના આધાર પર ચાલે છે. કિશોરકુમાર અને આશાએ શબ્દોને સરસ રીતે જીવંત કર્યા છે.

એક ગીત રોમાન્સ રંગી રાગ પહાડી અને યમની બિલાવલના સમન્વયથી રચ્યું છે. કિશોરકુમારે ગાયેલું આ ગીત આઠ માત્રાના તાલ કહેરવામાં છે. એના શબ્દો છે- 'કહાં તક યે મન કો અંધેરે છલેંગે, ઉદાસી ભરે દિન કભી તો ઢલેંગે...' આશાવાદી વિચારને આ ગીતમાં સરસ રીતે વ્યક્ત કર્યો છે.

આમ રોમાન્સ, ક્રાઇમ થ્રિલર, એંગ્રી યંગ મેન અને કોમેડી દરેક જોનરમાં રાજેશે સંગીત પીરસ્યું અને કામિયાબી પ્રાપ્ત કરી. 


Google NewsGoogle News