કિઆરા અડવાણીને અગિયારમું બેઠું .
- કિઆરા કંઈ નેપોટિઝમ એટલે કે ભાઇભતીજા-બેટાબેટીવાદની પ્રોડક્ટ નથી. એ આઉટસાઇડર છે, જેણે પોતાની પ્રતિભા અને મહેનતના જોરે બોલિવુડમાં નક્કર સ્થાન બનાવ્યું છે. કિઆરાએ પોતાની એનર્જી અને મુગ્ધતા અકબંધ જાળવી રાખ્યાં છે.
લો, કિયારા અડવાણીએ જોતજોતામાં બોલિવુડમાં એક દાયકો પૂરો કરી નાખ્યો. સમયને જતાં ક્યાં વાર લાગે છે! આ વિશેષ અવસરની ઉજવણી કરવા માટે કિયારાએ પોતાના ચાહકો માટે એક ખાસ મીટ-એન્ડ-ગ્રીટ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ ફિલ્મી સફર દરમિયાન પોતાને સાથ આપનાર તમામ કલાકાર-કસબીઓ અને ખાસ તો ચાહકોને એણે દિલથી 'થેન્ક્યુ... થેન્ક્યુ' કર્યું હતું.
જૂન ૨૦૨૪માં કિઆરાએ ફિલ્મી દુનિયામાં એન્ટ્રી મારી હતી, 'ફુગલી' નામની ફિલ્મથી. 'એમ.એસ. ધોની'માં એ એક ટચૂકડા રોલમાં દેખાઈ હતી, પણ એણે ધ્યાન ખેંચેલું 'લસ્ટ સ્ટોરીઝ-૧'માં કરણ જોહરે ડિરેક્ટ કરેલી શોર્ટ ફિલ્મથી. ખાસ્સો બોલ્ડ રોલ હતો એ. કેટલીય અભિનેત્રીઓએ નરેશન સાંભળતાં જ ગભરાઈને ધડ્ દઈને ના પાડી દીધી હતી, પણ કિઆરાએ હિંમત કરી. આ હિંમત એને ખૂબ ફળી. કરણ જોહર અને એના ધર્મા પ્રોડક્શન્સ સાથે એનો ગાઢ સંબંધ બંધાયો. કિઆરાએ પછી કરણ જોહરના બેનરમાં એકાધિક ફુલલેન્થ ફિલ્મો કરી.
કિઆરા કંઈ નેપોટિઝમ એટલે કે ભાઇભતીજા-બેટાબેટીવાદની પ્રોડક્ટ નથી. એ આઉટસાઇડર છે, જેણે પોતાની પ્રતિભા અને મહેનતના જોરે બોલિવુડમાં નક્કર સ્થાન બનાવ્યું છે. 'કબીર સિંહ', 'ગૂડ ન્યુઝ', 'શેરશાહ' અને 'સત્ય પ્રેમ કી કથા' જેવી ફિલ્મોમાં એણે સરસ અભિનય કર્યો છે. કિયારાની કારકિર્દીનો ગ્રાફ પ્રભાવશાળી રહ્યો છે. અભિનયની કુશળતા ઉપરાંત કિઆરા પોતાની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે.
બોલિવુડમાં પોતાના એક દાયકાની ઉજવણીની વિશેષ પળો કિઆરાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શેર કરી હતી. એક રીલમાં પોતાના ચાહકોને સંબોધતી વખતે કિયારા રીતસર ગળગળી થઈ ગયેલી સ્પષ્ટ દેખાય છે. આવા ખાસ અવસર માટે ઓર્ડર કરવામાં આવેલી કેક પણ સ્પેશિયલ હોવાની. કિઆરાએ ભજવેલાં વિવિધ પાત્રોની તસવીરો વડે વિશાળ કેકને શણગારવામાં આવી હતી. કેક કાપતી વખતે કિઆરા જે-તે રોલ ભજવતી વખતે સેટ પર શું શું થયું હતું તેની હલકીફૂલકી વાતો શેર કરી હતી. કિયારાએ પોતાના બાળપણનો વીડિયો પણ શેર કર્યા, જેમાં નાનકડી કિયારા ઉત્સાહ અને ધગશથી પર્ફોર્મ કરતી દેખાતી હતી. આ એનર્જી અને મુગ્ધતા કિઆરાએ આજ સુધી અકબંધ રાખ્યા છે.
કિયારા કહે છે, '૧૩ જૂન ૨૦૧૪નો એ દિવસ હજી જાણે ગઈકાલે જ હતો એવું લાગી રહ્યું છે. તે દિવસે 'ફુગલી' રિલીઝ થઈ હતી. હું હજી પણ એ જ યુવતી છું, જે પોતાના પરિવારના સભ્યો સામે પર્ફોર્મ કરવા માટે કાયમ થનગન થનગન થયા કરતી. હવે ફરક માત્ર એેટલો છે કે અગાઉ મારા ઓડિયન્સના નામે ફક્ત ઘરના સભ્યો જ રહેતા, પણ આજે મારા પરિવારમાં ચાહકો પણ સામેલ થઈ ગયા હોવાથી તે અનેકગણો મોટો થઈ ગયો છે.'
ચાહકો સાથે મીટ-એન્ડ-ગ્રીટ ઇવેન્ટ ગોઠવવી એક સુંદર ચેષ્ટા છે. થોડા મહિનાઓ પહેલાં શ્રદ્ધા કપૂરે તો દેશભરમાંથી પોતાના ચુનંદા ચાહકોને ખાસ મુંબઈ તેડાવીને પોતાનો બર્થડે મનાવ્યો હતો.
કિઆરાની આનંદની આ ક્ષણમાં પતિદેવ સિદ્ધાર્થ મલ્હોત્રા કેવી રીતે પાછળ રહી જાય? એના ચહેરા પર પોતાની ટેલેન્ટેડ પત્ની પ્રત્યેનો ગર્વ સ્પષ્ટ વર્તાતો હતો. આજકાલ સોશિયલ મીડિયા વગર તો કશાયની અભિવ્યક્તિ થઈ શકતી નથી. સિદ્ધાર્થે કિયારા સાથેની પોતાની એક તસવીર પોસ્ટ કરીને તેના કેપ્શનમાં લખ્યું: સખત પરિશ્રમ, પ્રેમ અને ધગશ માટે શુભેચ્છા. હંમેશા ભરપૂર પ્રકાશ સાથે ઝળહળતી રહેજે...
કિઆરાની આગામી ફિલ્મો એક્સાઇટિંગ છે. એક તો છે, તેલુગીભાષી 'ગેમચેન્જર'. રામ ચરણ એનો હીરો છે અને કેટલીય બમ્પર હિટ ફિલ્મો બનાવનારા શંકર આ ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યા છે. આ બિગ બજેટ ફિલ્મ મોટે ભાગે ઓક્ટોબર મહિનામાં રિલીઝ થશે. ઘરઆંગણાની વાત કરીએ તો કિઆરા 'ડોન-૩' જેવી અતિ પ્રતિક્ષિત ફિલ્મમાં રણવીર સિંહ સાથે દેખાશે. આ સિવાય 'વોર ટુ'માં પણ એનો સરસ રોલ છે. આ ફિલ્મના બન્ને હીરો જોરદાર છે - હૃતિક રોશન અને જુનિયર એનટીઆર. ટૂંકમાં, કિઆરા અડવાણી ઓસ્કરવિનિંગ 'આરઆરઆર'ના બન્ને હીરો સાથે અલગ અલગ ફિલ્મો કરી રહી છે.
ગ્રેટ ગોઇંગ, ગર્લ!