ઇજાઝત: પ્રેમ, પુનર્લગ્ન અને પરવાનગી
- સિનેમા એક્સપ્રેસ- શિશિર રામાવત
- 'પિછલી બાર બિના પૂછે ચલી ગઈ થી, ઇસ બાર ઇજાઝત દે દો...'
પ્રેમના જુદા જુદા રંગોની તેમજ જોડાતા-તૂટતા સંબંધોના આરોહ-અવરોહની વાત આવે ને આપણે ગુલઝારસાહેબની ક્લાસિક ફિલ્મ 'ઇજાઝત' (૧૯૮૭)ની વાત ન કરીએ તે કેમ ચાલે? આર.ડી. બર્મને કંપોઝ કરેલાં આ ફિલ્મનાં અવોર્ડવિનિંગ ગીતો વિશે તો શું કહેવું! 'ઇજાઝત' ઓરિજિનલ નહીં, પણ રિમેક છે તે વાત તમે જાણો છો? મૂળ બંગાળી ફિલ્મનું ટાઇટલ છે, 'જાતુગૃહા', જે ૧૯૬૪માં રિલીઝ થઈ હતી. આનુંય મૂળ આ જ ટાઇટલ ધરાવતી બંગાળી નવલિકામાં દટાયેલાં છે, જે સુબોધ ઘોષે લખી છે. ગુલઝાર હીરો તરીકે સંજીવકુમારને લેવા માગતા હતા, પણ તેઓ નાદુરસ્ત તબિયતને કારણે ફિલ્મ કરી ન શક્યા. તેથી સંજીવકુમારની જગ્યાએ નસીરુદ્દીન શાહ ગોઠવાઈ ગયા.
ફિલ્મમાં વાત આમ તો એક જ રાતની છે. વચ્ચે વચ્ચે ફ્લેશબેકના ટુકડા આવતા રહે છે. કોઈ નાના અમથા રેલવે સ્ટેશનના વેઇટિંગ રૂમમાં મહેન્દર (નસીરુદ્દીન શાહ) અને સુધા (રેખા)નો આકસ્મિક ભેટો થઈ જાય છે. એક સમયે તેઓ પતિ-પત્ની હતાં. પાંચ વર્ષ પહેલાં તેમના ડિવોર્સ થઈ ગયા હતા. બન્ને વચ્ચે વાતચીત શરૂ થાય છે. રેખા પૂછે છે, 'વહીં રહતે હૈં આપ?' નસીર જવાબ આપે છે, 'વહી શહર હૈ, વહી ઘર, સબ કુછ... વોહી તો નહીં હૈ, લેકિન હૈ વહીં.' આમ તો બધું ત્યાંનું ત્યાં જ છે, પણ જે છે તે એનું એ જ નથી, બદલાઈ ચૂક્યું છે... રેખાને હવે ચશ્માં આવી ગયાં છે. નસીર કહે છે, 'અચ્છી લગતી હો. સમજદાર લગતી હો.' રેખા પૂછે છે, 'પાંચ સાલ પહલે સમજદાર નહીં લગતી થી?' નસીર કહે છે, 'નહીં, લગતી થી. અબ જ્યાદા લગતી હો.' હવે રેખા પૂછે છે, 'આપને દાઢી કબ સે બઢા લી?' નસીર હસીને પૂછે છે, 'કુછ દિનોં સે. ક્યું, સમજદાર નહીં લગતા?'
જે બદલાવ વિશે એકમેકને પૃચ્છા થઈ રહી છે તે બાહ્ય છે. મુખ્ય સવાલ આ છે: શું આ પાંચ વર્ષમાં બન્ને ભીતરથી પણ બદલાયાં છે ખરાં? શું તેઓ ખરા અર્થમાં 'મૂવ ઓન' થઈ શક્યાં છે?
નસીરને સિગારેટ પીવી છે. એ રહ્યો પહેલેથી જ ભૂલકણો. એને ક્યારેય દિવાસળીની ડબ્બી મળે જ નહીં. રેખા તરત પોતાના પર્સમાંથી માચીસ કાઢીને નસીરને આપે છે. નસીર પૂછે છે, 'અભી ભી માચિસ રખતી હો? પહલે તો મેરે લિએ રખતી થી ઔર અબ...' સુધા જવાબ આપે છે, 'બસ, આપકી ભૂલને કી આદત નહીં ગઈ, મેરી રખને આ આદત નહીં ગઈ...' નસીર કહે છે, 'આદતેં ભી અજીબ હૈં, સાંસ લેના ભી કૈસી આદત હૈ...' અને પછી એ કાવ્યપંક્તિ સંભળાવે છે:
જીયા જાના ભી ક્યા રિવાયત હૈ / જીયે જાતે હૈં, જીયે જાતે હૈં / આદતેં ભી અજીબ હોતી હૈં... સુધા પૂછે છે, 'માયા કી નઝમ હૈ?'
મેરા કુછ સામાન...
માયા... નસીરુદ્દીન શાહની પૂર્વપ્રેમિકા. નિષ્ફિકર, મનમોજી, અત્યંત સંવેદનશીલ અને પાછી કવયિત્રી. અનુરાધા પટેલે આ પાત્ર અદભુત રીતે ભજવ્યું છે. લગ્ન થયાં તે પહેલાં નસીર માયાના પ્રેેમમાં હતો. બન્ને એક જ છત નીચે રહેતાં હતાં. ખેર, તેમનો સંબંધવિચ્છેદ થઈ ગયો અને નસીર રેખાને પરણ્યો. લગ્ન કરતાં પહેલાં નસીરે પોતાના પ્રેમસંબંધ વિશે રેખાને બધું જ કહી દીધું હતું. હવે નસીર-રેખા એ જ ઘરમાં રહે છે, જ્યાં પહેલાં માયા રહેતી હતી. ઘરના ખૂણે-ખૂણે માયાની સ્મૃતિઓ વિખરાયેલી છે. અરે, નસીરના પર્સમાં હજુ પણ એનો ફોટો છે. નસીર લગભગ અપરાધીભાવ અનુભવતો કહે છે, 'બુરા મત માનો સુધા, મૈં જાનતા હૂં માયા બહુત જ્યાદા બસી હુઈ થી ઇસ ઘર મેં... અબ કહીં કોને-ખુદરે મેં બચ ગઈ હૈ, વહાં સે ભી હટ જાએગી...' રેખા કહે છે, 'મૈં કહાં કહતી હૂં હટા દો ઉસે યા નિકાલ દો ઉસે... સિર્ફ યે કિ સબ કુછ હી બંટા હુઆ લગ રહા હૈ ઇસ ઘર મેં... જિસ ચીજ કો છૂને જાતી હૂં, લગતા હૈ કિસી ઔર કી ચીજ કો છૂ રહી હૂં. પૂરા કા પૂરા અપના કુછ ભી નહીં...'
રેખાની વાતમાં આક્રમક માલિકીભાવ કે ધણિયાણુંપણું દેખાડવાની વાત નથી. અહીં મામલો સૂક્ષ્મ છે. અહીં અદ્રશ્યપણે કોઈકના સતત હોવાનો અહેસાસ છે. ક્યારેક કોઈકનું ન હોવું, એના હોવા જેટલું વજનદાર હોઈ શકે છે! નસીર હનીમૂન પર જવાનો પ્લાન ઘડે છે. રેખા કહે છે, 'એક બાત પૂછું, અચાનક બાહર જાને કા પ્રોગ્રામ કેસે બના લિયા આપને? આપ ભાગ તો નહીં રહે કિસી સે...' નસીર પૂછે છે, 'કિસસે?' રેખા કહે છે, 'આપ જાનતે હૈં.' નસીર સંયત રહીને સમજદારીપૂર્વક કહે છે, 'દેખો સુધા, યે દિન-રાત માયા કા ખ્યાલ હમારે બીચ મેં અચ્છા નહીં. મૈં માયા સે પ્યાર કરતા થા યે સચ હૈ, ઔર ઉસે ભૂલને કી કોશિશ કર રહા હૂં યે સહી હૈ. લેકિન અગર ઇસમેં તુમ મેરી મદદ નહીં કરોગી તો મુશ્કિલ હોગી ક્યોંકિ મુઝસે જ્યાદા વો તુમ્હેં યાદ રહતી હૈ.'
એવું નથી કે રેખાને અનુરાધા પ્રત્યે નફરત છે. એ ફક્ત પોતાનો અવકાશ ઊભો કરવાની કોશિશ કરી રહી છે. એક વાર નસીર માયાએ લખેલી કવિતાઓ શોધી રહ્યો હોય છે. સુધા કહે છે કે ચિંતા ન કરો, માયાએ કવિતા લખેલા કાગળિયા પોતાના જ્વેલરી બોક્સમાં સાચવીને રાખી મૂક્યા છે. પછી બહુ સુંદર વાક્ય બોલે છે, 'અપને ઝેવર હટાકર આપકે ઝેવર રખ દિએ...'
ફિલ્મનું છેલ્લું દ્રશ્ય બહુ જ સુંદર છે. સવાર પડવા આવી છે. નસીરને ભાન થાય છે કે રેખાએ આ છેલ્લાં પાંચ વર્ષમાં શું કર્યું તે વિશે ખાસ કશું કહ્યું જ નથી. રેખા ફક્ત એટલું બોલી છે કે એની માતાનું અવસાન થઈ ગયું છે. મહેન્દ્ર સહેજ આશાભર્યા અવાજે પૂછે છે: તો શું એનો અર્થ એવો થયો કે તું હજુ એકલી છે? રેખા કશુંય બોલવા જાય તે પહેલાં એકદમ જ શશી કપૂર દરવાજો ઉઘાડીને વેઇટિંગ રૂમમાં આવે છે. એ જે રીતે રેખાને સંબોધે છે, એની સાથે વાત કરે છે, એના પરથી નસીર વગર કહ્યે સમજી જાય છે કે શશી કપૂર એનો બીજો પતિ છે. રેખાએ ગયાં વર્ષે જ પુનર્લગ્ન કર્યાં હતાં.
હવે જવાનો સમય થઈ ગયો છે. શશી કૂલી સાથે બહાર નીકળે છે અને રેખા નસીરને કહે છે, 'મૈં ચલું? પિછલી બાર બિના પૂછે ચલી ગઈ થી, ઇસ બાર ઇજાઝત દે દો...' નસીર કહે છે: બહુ સારો પતિ મળ્યો છે તને. ખુશ રહેજે, ભરપૂર જીવજે અને શક્ય હોય તો એક વાર દિલથી મને માફ કરી દેજે. રેખા રડી પડે છે. એ પૂર્વપતિનો ચરણ સ્પર્શ કરવા નીચે વળે છે ને એ જ ઘડીએ શશી કપૂર આવે છે. સામેનું દ્રશ્ય જોઈને દરવાજા પાસે જ થંભી જાય છે. રેખા આંસુ લૂછતી વેઇટિંગ રૂમની બહાર નીકળી જાય છે. શશી કપૂર એને પૂછે છે: 'કૌન થા? કોઈ રિશ્તેદાર?' રેખા કશું બોલતી નથી, પણ શશી કપૂરને એકદમ ભાન થાય છે: મહેન્દર? રેખા કહે છે: હા. શશી કપૂર પાછું વળીને વેઇટિંગ રૂમમાંથી બહાર આવેલા નસીર તરફ નજર કરે છે અને સમજદારીપૂર્વક, એક પરિપક્વ પતિ જ કરી શકે એવું સ્મિત કરે છે... ને પછી એકલો ટ્રેન તરફ આગળ વધી જાય છે. રેખા ભીની ભીની આંખે નસીરને છેલ્લી વાર જોઈ લે છે. પછી પતિની પાછળ ચાલવા પગ ઉપાડે છે. અહીં કથા પર પૂર્ણવિરામ મૂકાય છે.
ફિલ્મનો અંતિમ શોટ આવે ત્યાં સુધીમાં તમારા ગળે ડૂમો ન ભરાય તો કહેજો. આખેઆખી 'ઇજાઝત' ફિલ્મ યુટયુબ પર ફ્રીમાં અવેલેબલ છે. જોજો.