ભૂમિ પેડણેકરની ગેરંટી! .
- 'મને તો સોશિયલ મેસેજ આપતી ફિલ્મોમાં કામ કરવું વિશેષ ગમે છે. મને જે કોઈ ઓફર્સ મળે એ સ્વીકારી લેવાને બદલે હું પસંદગીની ફિલ્મો જ કરું છું. મારા કામનો પ્રભાવ પડે એ મને ગમે જ.'
ફિલ્મની સ્ટારકાસ્ટમાં ભૂમિ પેડણેકરનું નામ હોય એટલે આપણને એક વાતની ગેરંટી રહે કે સ્ટોરીમાં દમ તો હશે જ. આપણને ખતારી હોય કે ફિલ્મમાં જરૂર કોઈ નવી વાત કહેવાઈ હશે. દર્શકોમાં આ પ્રકારની વિશ્વાસ ઊભો કરવો સહેલો નથી. ભૂમિએ જોકે એના માટે સખત મહેનત કરી છે. ઓટીટી પર રિલીઝ થયેલી એની લેટેસ્ટ ફિલ્મ 'ભક્ષક' ઓડિયન્સને ગમી છે. જોઈને કાંપી ઉઠાય એવી આ ફિલ્મમાં ભૂમિએ બિહારના એક શેલ્ટર હોમમાં માસૂમ કિશોરીઓ પર થતાં ભયાનક શારીરિક શોષણ અને ઇવન હત્યાના ઘટનાક્રમ પરથી પડદો ઉઠાવતી એક લોકલ ન્યુઝ ચેનલની પત્રકારનો રોલ કર્યો છે.
'ભક્ષક'ની સફળતા માટે મિસ પેડણેકરને કોન્ગ્રેટ્સ કહેવા પહોંચી મીડિયા પહોંચી ગયું ત્યારે એણે દિલપૂર્વક વાતો કરી હતી. ભૂમિ કહે છે, 'મારા માટે 'ભક્ષક' એક અચંબાભર્યો અનુભવ બની રહ્યો છે. ખાસ તો એટલા માટે કે આ ફિલ્મ દેશના સીમાડા વટાવી વિદેશમાં પહોંચી ગઈ છે. દુનિયાના ઘણાં બધા દેશોમાં લોકોએ આ ફિલ્મ જોઈ છે અને વખાણી છે.'
૨૦૧૫માં રિલીઝ થયેલી ભૂમિની ડેબ્યુ ફિલ્મ 'દમ લગા કે હેઇશા'ને હમણાં નવ વરસ પૂરાં થયાં. એનો ઉલ્લેખ કરતાં ૩૪ વરસની અભિનેત્રી કહે છે, 'આજે હું મારી પહેલી ફિલ્મ જેટલું જ એકસાઇમેન્ટ અનુભવી રહી છું. બંને ફિલ્મોની અસર ભલે જુદી હોય, પણ બંનેને દસેય દિશાઓમાંથી પ્રેમ મળ્યો છે. આર્ટની એ જ તો ખૂબી છે.'
ભૂમિએ 'ટોઈલેટ-એક પ્રેમકથા', 'શુભ મંગલ સાવધાન' અને 'બધાઈ દો' જેવી સાંપ્રત સમસ્યાઓની વાત કરતી ઘણી ફિલ્મો કરી છે. એ વિશે ગર્વ લેતાં મરાઠી મુલગી કહે છે, 'આવી સોશિયલ મેસેજ સાથેની ફિલ્મો કરવામાં કોઈ ખરાબી નથી. ઇન ફેક્ટ, મને તો આવા સોશિયલ ડ્રામામાં કામ કરવું વધારે ગમે છે. મને જે કોઈ ઓફર્સ મળે એ સ્વીકારી લેવાને બદલે હું પસંદગીનો આગ્રહ રાખતી હોઉં છું. મારા કામનો પ્રભાવ પડે એ મને ગમે છે. મારી ફિલ્મમાં કદાચ કોઈ સ્ટ્રોંગ સોશિયલ મેસેજ ન હોય તો પણ મારું પાત્ર તો મજબુત હોવાનું જ.'
એક્ટરની તાજેતરમાં બેક-ટુ-બેક રિલીઝ થેયલી બે ફિલ્મો 'થેન્કયુ ફોર કમિંગ' અને 'ભક્ષક' એકબીજાથી સાવ અલગ છે. ભૂમિ કહે છે, 'મજાની વાત એ છે કે 'ભક્ષક' પૂરી થયા બાદ તરત મેં 'થેન્કયુ ફોર કમિંગ'નું શુટિંગ શરૂ કરી દીધું. એમાં મને એક મોટો લાભ થયો. 'ભક્ષક' એક ડાર્ક અને હેવી ફિલ્મ છે. તેના કારણે મારા મગજ પર થયેલી અસરમાંથી બહાર આવવામાં આ કામેડી ફિલ્મ મદદરપ થઈ. જો 'થેન્કયુ ફોર કમિંગ' મને ન મળી હોત તો 'ભક્ષક'ની ભૂમિકામાંથી બહાર આવતાં મને ખૂબ લાંબો સમય લાગત.'
એ વાત અલગ છે કે 'થેન્ક્યુ ફોર કમિંગ' એક તદ્દન નિમ્નસ્તરીય જોણું પૂરવાર થઈ છે. ફિલ્મના કેન્દ્રમાં તો 'ી સશક્તિકરણ'નો મુદ્દો છે, પણ વાત રજૂ થઈ છે તદ્દન ભૂંડી રીતે. ભૂમિની કક્ષાની અભિનેત્રીને આવી અર્થહીન અને છીછરી ફિલ્મો શોભે નહીં. ખેર. એની હવે પછીની ફિલ્મ પણ કામેડી જ છે - 'મેરી પત્ની કા રિમેક.' આશા રાખીએ કે કમસે કમ આ ફિલ્મમાં કશુંક વિત્ત હોય.