સામંથા રૂથ પ્રભુની શાનદાર સફર .
- સામંથાને ભણાવવા માટે તેના પરિવારજનો પાસે પૈસા નહોતા. આથી તેણે પોતાનો ખર્ચ ઉપાડી લેવા મોડલિંગ શરૂ કર્યું. તેણે તો એવો સમય પણ નિહાળ્યો છે કે જ્યારે તેની પાસે ખાવાના પૈસા પણ નહોતા.
સામંથા રુથ પ્રભુએ તાજેતરમાં જ પોતાનો ૩૬મો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો. આ ખાસ પ્રસંગે તેના મિત્રો, સંબંધીઓ, સિતારા અને ફેન્સની શુભકામના વચ્ચે તેને વધુ ખાસ બનાવતા સામંથાએ પોતાની નવી ફિલ્મની ઘોષણા કરતાં તેનું પોસ્ટર પણ શેર કર્યું. તેની આગામી ફિલ્મનું નામ 'બંગારામ' છે. ફિલ્મના પોસ્ટરમાં તેનો અત્યંત ખૂંખાર લૂક જોવા મળે છે અને તે બંદૂક પકડેલી નજરે પડે છે. જ્યારે તેના ચહેરા પર લોહીના છાંટા પડેલા છે. સામંથાએ સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટ સાથે લખ્યું, 'સારા દેખાવવા માટે દરેક ચીજો ચમકદાર હોવી જોઈએ એ જરૂરી નથી. 'બંગારામ' ખૂબ જલ્દીથી શરૂ થશે.
સૌથી મહત્ત્વની વાત તો એ છે કે આ ફિલ્મ સાથે સામંથા પ્રોડયુસર પણ બનવા જઈ રહી છે. આ ફિલ્મને તે પોતાના હોમ પ્રોડક્શન ટ્રાલાલા મુવિંગ પિકચર્સના બેનર તળે બનાવવાની છે.
સામંથાના અન્ય પ્રોજેક્ટ્સ
'બંગારામ' ઉપરાંત વેબ સિરીઝ 'સિટાડેલ : હની બની'માં પણ તે નજરે પડશે. રાજ અને ડી. કે. દ્વારા નિર્દેશિત આ શોમાં તેની સાથે વરુણ ધવન છે.
ફેન્સને મનોરંજનમાં જ રસ
સામંથાને પસંદ કરનારાની સૂચિ ઘણી લાંબી છે. 'ધ ફેમિલી મેન' પછી તેણે દક્ષિણ ઉપરાંત ્હિન્દી દર્શકો વચ્ચે પણ પોતાની પકડ મજબૂત બનાવી છે. તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ ૩.૪ કરોડથી વધુ ફેન્સ-ફોલોઅર્સ છે. સામંથા એક સારી અભિનેત્રીની સાથોસાથ એક સ્ટાઈલઆઈકન પણ છે. પૌતાના ફેન્સને કારણે એ મોટે ભાગે ચર્ચામાં રહે છે. એક્ટિંગ અને ફેશન ઉપરાંત સામંથા શારીરિક અને માનસિક સ્વાસથ્ય પર પણ સારું એવું ધ્યાન આપે છે. એ ખાસ કરીને આવા વિષયો પર સતત વાત કરતી નજરે પડે છે. હવે તેણે આ વિષયો પર પણ જાગરુકતા ફેલાવવાની સાથે આવનારી સમસ્યા પર પણ વાત કરી છે.
જળ-વાયુ પરિવર્તનની પણ વાત કરી
સામંથા સતત સામાજિક જાગરુકતા પર વાત કરતી રહે છે. થોડા સમય પહેલાં જ તેણે જળ-વાયું પરિવર્તન અંગે પોતાના ફેન્સને જવાબદારી નિભાવવા માટે પ્રેરિત કર્યા છે. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મુકેલી એક પોસ્ટમાં સામંથાએ જળ-વાયુ પરિવર્તન પર ફેન્સને નિર્ણાયક કદમ ઉઠાવવા માટે જાગૃત કર્યા છે.
એક સમયે ખાવાના પણ સાસા હતા હવે 100 કરોડની માલિક
સામંથાએ લાઈફમાં ઘણાં ચડાવ-ઉતાર નિહાળ્યા છે. તેને ફિલ્મ સાથે તો દૂર દૂર સુધી કોઈ સંબંધ નહોતો, પણ ઘરની ખરાબ આર્થિક સ્થિતિ તેને મોડલિંગ ભણી ખેંચી લાવી. અહીંથી સામંથાએ ફિલ્મી દુનિયામાં ડગ માંડવાનો માર્ગ ખુલી ગયો અને એ પછી તો તેણે પાછા વળીને જોયું નથી. હિન્દી દર્શકો વચ્ચે તેને વેબ સીરિઝ 'ધ ફેમિલી મેન'થી ઓળખ મળી.
આ પછી 'પુષ્પા' ફિલ્મનું ગીત 'ઓ અંટાવા...'થી તેને જબરદસ્ત લોકપ્રિયતા અને ચાહના હાંસલ કરી. દક્ષિણમાં સૌથી વધુ નાણાં કમાતી અભિનેત્રીઓમાંની એક સામંથા લગભગ ૧૦૦ કરોડની આસામી છે. તેણે પોતાના દમ પર ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવનારી સામંથા ૨૮ એપ્રિલ, ૧૯૮૭ના રોજ કેરળમાં જન્મી છે અને તેનું અસલી નામ યશોદા છે. તેના પિતા જોસેફ પ્રભુ તેલુગુ છે તો માતા નિનેટ પ્રભુ મલયાલી છે. સામંથાનો ઉછેર ચેન્નઈમાં થયો. સામંથા તેના પરિવારમાં સૌથી નાની છે. તેને બે મોટા ભાઈ છે, જેના નામ જોનાથ અને ડેવિડ છે.
અત્યંત મુશ્કેલ સમય
બારમા ધોરણ પછી સામંથાને ભણાવવા માટે તેના પરિવારજનો પાસે પૈસા નહોતા. આથી તેણે પોતાનો ખર્ચ ઉપાડી લેવા મોડેલિંગ શરૂ કર્યું. તેણે તો એવો સમય પણ નિહાળ્યો કે જ્યારે તેની પાસે ભોજનના નાણાં પણ નહોતા ત્યારે એક દિવસ મોડેલિંગ દરમિયાન તેની પર ફિલ્મસર્જક રવિ વર્મનની નજર પડી.
મોડલિંગથી ફિલ્મોમાં આવી
રવિ વર્મને સામંથાને તેલુગુ ફિલ્મ 'યે માયા એ સાવે'માં પદાર્પણ કરવાની તક આપી. ફિલ્મ માટે સામંથાએ ઓડિશન આપ્યું અને ઓગસ્ટ, ૨૦૦૯માં તેને ફિલ્મ માટે સાઈન પણ કરવામાં આવી. આ ફિલ્મ હિટ થતાં સામંથાની ફિલ્મોમાં કરીઅર શરૂ થઈ ગઈ અને તેને ફિલ્મોની ઑફરો મળવા માંડી.
લગ્ન ચાર વર્ષ ટક્યાં
સામંથા અને નાગા ચૈતન્ય ફિલ્મ 'યે માયા યે સાવે'ના સેટ પર એકબીજાના પ્રેમમાં પડી ગયા. લગ્ન પહેલા બંને જણાએ સાત વર્ષ સુધી એકબીજાને ડેટ કરી. આ પછી છ ઓક્ટોબર, ૨૦૧૭ના રોજ બંનેએ લગ્ન કરી લીધા. તેમણે હિન્દુ અને ઈસાઈ એમ બંને રીતરિવાજોથી લગ્ન કર્યા. ૨૦૨૧માં બંનેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી અલગ થયાની જાહેરાત કરી.
સામંથા તેની લકઝરી લાઈફ માટે જાણીતી છે. ગયા વર્ષે તેણે નવું ઘર લીધું અને ચર્ચામાં આવી. તે એક ફિલ્મના ત્રણથી પાંચ કરોડ ચાર્જ કરે છે.