Get The App

ગોવિંદા અને કૃષ્ણા : મામા-ભાણેજનો સાત વરસે પુનર્મિલાપ

Updated: Nov 7th, 2024


Google NewsGoogle News
ગોવિંદા અને કૃષ્ણા : મામા-ભાણેજનો સાત વરસે પુનર્મિલાપ 1 - image


ક્યારેક કોઈક આપત્તિ કે અકસ્માત વિખુટા પડેલા સ્વજનોને ફરી ભેગા થવામાં નિમિત્ત બનતા હોય છે. સામાન્ય માનવીની જેમ એક્ટર્સની લાઇફમાં પણ આવું બને છે. બોલીવૂડના એક જમાનાના હીરો નંબર વન ગોવિંદા અને એના સગા ભાણેજ કૃષ્ણા અભિષેક સાથે હમણાં આવો જ પ્રસંગ બન્યો. થોડા દિવસો પહેલા ગોવિંદાને એની ગન સાફ કરતી વખતે ભૂલથી ટ્રિગર દબાઈ જતા એના પગમાં ગોળી વાગી હતી અને એને તાબડતોબ હૉસ્પિટલમાં એડમિટ કરવો પડયો. આ કમનસીબ બનાવ બાદ ગોવિંદાના પરિવારજનો અને મિત્રો એની ખબર પૂછવા હૉસ્પિટલ પહોંચ્યા, પણ એમાં એનો ભાણેજ કૃષ્ણા અભિષેક નહોતો. એની પત્ની કાશ્મીરા શાહ મામાજીની ખબર કાઢવા હૉસ્પિટલ ગઈ હતી જ્યારે કૃષ્ણા ઓસ્ટ્રેલિયાની પ્રોફેશનલ ટૂર પર હતો. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાથી પાછા ફર્યા બાદ કપિલ શર્મા શૉનો એક્ટર મામાને મળવા એમના ઘરે ગયો.

આ વિશે વિગતવાર વાત કરતા કૃષ્ણા કહે છે, 'હું ઓસ્ટ્રેલિયા હતો ત્યારે ચીચી મામા (ગોવિંદા)ના એક્સિડન્ટની મને ખબર પડી. હું મારી ટૂર કેન્સલ કરી પાછો આવી જવાની તૈયારીમાં જ હતો, પરંતુ હૉસ્પિટલના સ્ટાફ અને કાશ્મીરા સાથે વાત કર્યા બાદ મને ધરપત થઈ કે મામાની તબિયત ફાઇન છે અને તેઓ મજામાં છે. ઇન્ડિયા પાછા ફર્યા બાદ હું તરત સાત વરસમાં પહેલીવાર મામાને મળવા એમને ઘરે ગયો. મામા સાથે મેં લગભગ કલાક ગાળ્યો. એમની તબિયત સારી એવી સુધરી છે. મામા સાથેના રી-યુનિયન (પુનર્મિલન) બાદ મને અડધો વનવાસ પૂરો કર્યો હોય એવી લાગણી થઈ. હું નમ્મો (ગોવિંદાની દીકરી ટીના આહુજા)ને પણ સાત વરસે મળ્યો. એટલો બધો ઈમોશનલ થઈ ગયો કે એને જોતાવેંત ભેટી પડયો.'

આગળ વધતા પહેલા ગોવિંદા અને કૃષ્ણા વચ્ચેની તકરાર અને એમના અબોલાનો થોડો ઈતિહાસ જાણી લઈએ. વરસો પહેલા કૃષ્ણા પોતાના કૉમેડી શૉમાં ગોવિંદાની મિમિક્રી કરતો અને એમના વિશે જોક્સ પણ કરતો. ભાણિયાને પોતાના ભોગે જોક્સ અને રમૂજ કરતો જોઈ ગોવિંદા બહુ નારાજ થયો હતો અને એણે મીડિયામાં પોતાની નારાજગી વ્યક્ત કરી. એને પગલે એક્ટરની પત્નીએ પણ કૃષ્ણા અને અભિષેકની ગેરવર્તણૂક અને અનાદરનું કારણ આપી એમની સાથે છેડો ફાડી નાખ્યો. બંને કુટુંબો વચ્ચે અબોલા થઈ ગયા. લાંબા અરસા સુધી તેઓ એકબીજાથી અળગા રહ્યા. આ વરસે એપ્રિલમાં કૃષ્ણાની બહેન આરતી સિંઘના લગ્ન લેવાયા. એમાં ગોવિંદાએ એના દિકરા યશવર્ધન સાથે હાજરી આપી અને બંને ફેમિલીના રી-યુનિયનનો માર્ગ મોકળો થયો. વર્તમાનમાં પાછા ફરીએ તો કૃષ્ણાને એ વાતની ખુશી છે કે મામા સાથેની એની મુલાકાતમાં ભૂતકાળની કડવાશનો કોઈ ઉલ્લેખ ન થયો. 'અમે બંને જુના સંસ્મરણો વાગોળી ખૂબ હસ્યા અને રમૂજ પણ કરી. અમારી વચ્ચે પહેલા જેવું જ બધુ નોર્મલ હતું. મારી આંખ સામે મામા-મામી સાથે એમના ઘરમાં મેં વીતાવેલા વરસો તરવરવા લાગ્યા. મૈંને મામા કો બોલા કિ હાલ તો પૂરા બદલ ગયા હૈ. અબ સબ ઇસ્યુઝ રિઝોલ્વ હો ગયે હૈં, સારે ગિલે શિકવે દૂર હો ગયે હૈં. મને ખાસ તો એ વાતનો આનંદ છે કે એકપણ વાર અમારી વચ્ચે ભૂતકાળનો ઉલ્લેખ ન થયો. મોટાભાગે પરિવારોમાં આવું જ બને છે. ગેરસમજ તો થાય, પણ કોઈ વાત અમને લાંબા અરસા સુધી એકબીજાથી દૂર ન રાખી શકે. જો કે હું મામીને નહોતો મળી શક્યો કારણ કે તેઓ બિઝી હતા, પરંતુ ઓનેસ્ટલી કહું તો એમની સામે જતા થોડો બીતો હતો. મને ખબર હતી કે મામી મને ઠપકો આપશે. પણ આપસે નાસમજી મેં કોઈ ગલતી હો જાયે તો બડોં સે ડાંટ સુનને કી ભી તૈયારી રખની ચાહિયે,' એમ કહી કૃષ્ણાએ ઉંમર સાથે પોતાનામાં આવેલી મેચ્યોરિટીનો નિર્દેશ આપ્યો.

સવાલ એ છે કે કૉમેડી એક્ટરને સગા મામા સાથેનું મનદુ:ખ દૂર કરતા સાત વરસ કેમ લાગી ગયા? ઝઘડાનો નીવેડો વહેલો ન લાવી શકાયો હોત? કૃષ્ણા પાસે એનો કોઈ સ્પષ્ટ જવાબ નથી એટલે એ ગોળગોળ વાત કરતા કહે છે, 'બસ, પતા નહીં ક્યું ઇતના ટાઈમ લગા. કાફી ચીઝેં હો રહી થી ઝિસકી વઝહર સે મિલના નહીં હો પા રહા થા, પરંતુ આજે મને એ વાતની ખુશી છે કે અમે ફાઇનલી મનદુ:ખ ભૂલાવીને આગળ વધી ગયા છીએ.'

સમાપનમાં કૉમેડિયન એવું કહેવાનું પણ ચુકતો નથી કે 'અબ તો મામા કે ઘર જાતા રહુંગા ઔર મામી સે ભી મિલુંગા. થોડા દિવસોમાં આરતીના ઘરે હું નમ્મોને પણ ફરી મળવાનો છું.'


Google NewsGoogle News