ભગવાન કે ઘર દેર હૈ, અંધેર નહીં હૈ... .
- સિને મેજિક- અજિત પોપટ
બે હોનહાર યુવાન. બંનેના મનમાં એક યુવતીનો પ્રેમ પામવાની ઇચ્છા. યુવતી જોકે પોતાના મનનો માણીગર નક્કી કરી ચૂકી છે. બંને યુવાન દોસ્તો વિચારે છે કે શી રીતે આ ઝંખનાનું નિરાકરણ કરવું? થોડા દિવસ પછી ગામના મંદિરમાં એક ઉત્સવ છે. બંને વિચારે છે કે જો આ યુવતી અમુક પ્રકાર અને રંગનાં ફૂલ ભગવાનને ચડાવે તો તારે એને પામવાના માર્ગમાં આગળ વધવું નહીંતર મારો વારો. અકસ્માતે નાયકની બહેન આ વાત સાંભળી જાય છે. એ મનોમન ભાઇના દોસ્તને એકપક્ષી પ્રેમ કરે છે. એ પોતાના માનેલા પ્રેમીને ગુમાવવા તૈયાર નથી. બહેન એક રમત રમે છે જે જોખમી નીવડે છે.
ઉત્સવના દિવસે ગ્રામજનો ટેકરી પર આવેલા મંદિર તરફ જતાં હોય છે ત્યારે એક ભિક્ષુકના કંઠે ભજન રેલાય છે- 'આના હૈ તો આ, રાહ મેં કુછ ફેર નહીં હૈ... ભગવાન કે ઘર દેર હૈ અંધેર નહીં હૈ...' મંદિરમાં નાયિકા નાયક નંબર-ટુએ ઇચ્છેલાં એવાં ફૂલ ભગવાનને ચરણે ધરે છે. નાયક તો ભગવાન પર શ્રદ્ધા રાખીને આંખોં મીંચીને પ્રાર્થના કરે છે. યુવાન નંબર-ટુના મનમાં અજંપો છે એટલે એ સાવધ છે. નાયકની બહેન નાયિકાના ફૂલની ટોકરી બદલી નાખે છે. નાયક નંબર-ટુને એમ લાગે છે કે નાયકે પોતાની બહેન દ્વારા મારી સાથે છેતરપીંડી કરી. વરસોની દોસ્તી દુશ્મનાવટમાં પલટાઇ જાય છે. મંદિરની બહાર બંને દોસ્તો મારામારી પર આવી જાય છે. એકમેક પર મોટ્ટા પથ્થર ફેંકે છે. બંને પથ્થર સૂચક રીતે એકમેકની સાથે ચોંટી જતાં હોય એવું પરદા પર દેખાય છે અને ઇન્ટરવલનું બોર્ડ ચમકે છે.
ભિક્ષુકે ગાયેલા ભજનના શબ્દો અને એની સૂરાવલિ ફિલ્મની કથાને વધુ વેગવાન બનાવતાં હોય એ રીતે આ ગીત પરદા પર રજૂ થયું હતું. ટાંગા વિરુદ્ધ બસ અથવા કહો કે પરંપરા વિરુદ્ધ પ્રગતિની કથા ધરાવતી ફિલ્મ 'નયા દૌર' બી. આર. ચોપરાએ ૧૯૫૭માં બનાવી હતી. એમાં દિલીપકુમાર અને અજિત બંને દોસ્તોના રોલમાં હતા. વૈજયંતીમાલા નાયિકા હતી અને ઓ. પી. નય્યરનું સંગીત હતું. અગાઉ કેટલીક વાર કથાને ઉપકારક હોય કે ન હોય, ફિલ્મોમાં વચ્ચે ગીત-સંગીત ઉમેરી દેવાતા. ૧૯૫૦ અને ૧૯૬૦ ના દાયકાઓમાં ખાસ કરીને સાઉથના સર્જકો ટીઅરજર્કર (મહિલા દર્શકોને રોવડાવે એવી) ફોર્મ્યુલા ફિલ્મો બનાવતા. એમાં આ રીતે વચ્ચે ગીતો આવી જતાં. એવી ક્ષણોમાં કેટલાક દર્શકો થિયેટરના અંધકારની બહાર જઇને લઘુશંકા પતાવી આવતા કે બીડી-સિગારેટની તલબ સંતોષી લેતા.
એવા સમયે 'નયા દૌર'ના આ ભક્તિગીતે કથાને અને ઓડિયન્સને બંનેને જકડી રાખ્યાં હતાં. બી. આર. ચોપરા જેવો પ્રયોગ બહુ ઓછા ફિલ્મ સર્જકોએ સફળ રીતે કર્યો હતો. ફિલ્મમાં ભજન દ્વારા કથાપ્રવાહને સરસ રીતે વહેતો રાખવાનો આવો પ્રયોગ ખૂબ પ્રભાવશાળી બની રહેતો. એવા અન્ય એક બે પ્રયોગોની વાત કરીએ.
સાધુ-સંન્યાસીના વેશમાં ચોરમંડળી મંદિરમાં લૂંટ કરવા આવી છે. એમની સાથે જીવનમરણનો ખેલ ખેલતી હોય એવી એક મજબૂર યુવતી છે. એને જાણ છે કે આ બધા સાધુસંન્યાસી નથી, લૂંટારા છે. એને સંજોગોએ એવી જકડી લીધી છે કે એણે આ બદમાશોને સાથ આપ્યા વિના છૂટકો નથી. બદમાશો પોતાનું કામ સિફતથી કરી શકે માટે આ નાયિકાએ ભજન ગાતી હોય એવો ડોળ કરવો પડે છે. મુખ્ય કંઠ અને કોરસ બંને આ ગીતમાં પ્રભાવશાળી છે. ભજનના શબ્દો છે- 'છૂપ છૂપ મીરાં રોયે, કદર ન જાને કોઇ, હો રે હો, મોં સે મોરા શ્યામ રૂઠા, કાહે મોરા ભાગ ફૂટા, કાહે મૈંને પાપ ઢોયે, અંસુઅન બીજ બોએ....છૂપ છુપ...' ફિલ્મ 'જ્હોની મેરા નામ'નું આ ગીત લતા મંગેશકર અને કોરસે ગાયું હતું. સંગીત કલ્યાણજી આણંદજીનું હતું. કથાપ્રવાહ સાથે આ ભજન એવી રીતે ગૂંથાઇ ગયું હતું કે જરાય થીંગડથાગડ ન લાગે. ગીતની સાથે કથાપ્રવાહ સળંગ રીતે વહેતો રહ્યો હતો.
ઔર એક સરસ ગીત યાદ આવે છે. રોજ અડધી રાત્રે મકાનની નીચેથી એક માલગાડી રોજ નિયમિત પસાર થાય છે. એક ટપોરી પોતાના ઘરમાંથી એ ટ્રેન પર ભૂસકો મારીને ક્યાંક ચોરીચપાટી કરવા જાય છે. સમાજ જેને ચોર ઉચક્કો સમજે છે એ માથાભારે યુવાન એકવાર માનવતાના દાવે એક વિધવા યુવતીને બચાવે છે. પેલી યુવતી એને સારા માર્ગે લાવવા મથે છે. આ કઠોર દેખાતો યુવાન દિલનો ભલો છે એવું આ યુવતીને લાગે છે. એવામાં એકવાર મહોલ્લામાં આગ લાગે છે. આ યુવાન જાનના જોખમે એક બાળકને બચાવે છે, પોતે ગંભીર રીતે દાઝી જાય છે. એ રાત કટોકટીની છે એવું ડોક્ટરને લાગ્યું છે. આ યુવતી ખરા દિલથી એક ભજન ઉપાડે છે- 'દિયા ના બુઝા મેરે ઘર કા મેરી તકદીર કે માલિક, સુન લે પુકાર આયી આજ તેરે દ્વાર લેકે આંસુંઓકી ધાર મેરે સાંવરે...'
ગઇ કાલ સુધી જેને શરાબી અને ગુંડો ગણીને બધા ધિક્કારતા હતા એને બચાવવા આખો મહોલ્લો ભોંયતળિયે બેસીને દાઝી ગયેલા ગુંડાને ઊગારી આખી રાત પ્રાર્થના કરતો રહે છે. સંગીતકાર રવિએ ઓ. પી. રાલ્હનની સુપરહિટ ફિલ્મ 'ફૂલ ઔર પથ્થર' માટે સદા સુહાગિન રાગિણી ભૈરવીમાં આ ગીત સ્વરબદ્ધ કર્યું હતું. આશા ભોંસલેએ ગાયું હતું. આ ભજને કથાપ્રવાહને જબરો ધક્કો માર્યો હતો. ભાનમાં આવેલો શાકા (ધર્મેન્દ્ર ) જાણે નવો જન્મ થયો હોય એમ સારો માણસ બની જાય છે. મહોલ્લામાં સૌ એને પ્રેમ કરતા થઇ જાય છે.
આમ ફિલ્મની કથામાં આ ગીતો એવી રીતે ગૂંથાઇ જાય છે કે ગીત ન હોય તો કથામાં કંઇક ખૂટતું લાગે. છેલ્લાં થોડાંક વરસથી ફિલ્મોમાં આવાં સરસ ભક્તિગીતો આવતાં નથી એ અફસોસ કરવા જેવી વાત છે. અગાઉ એવાં સરસ અર્થસભર ભજનો આવતાં કે કોઇ પણ સંગીત રસિકને એ ભજનોનો સંગ્રહ કરીને રાખવાની ઇચ્છા જાગે.