Get The App

ગીવ મી ફ્રીડમ, ગીવ મી ફાયર, ગીવ મી રીઝન, ટેક મી હાયર...

Updated: Jan 25th, 2024


Google NewsGoogle News
ગીવ મી ફ્રીડમ, ગીવ મી ફાયર, ગીવ મી રીઝન, ટેક મી હાયર... 1 - image


- 'લગભગ સવા-દોઢ લાખ લોકોની ભીડ. આંખો આંજી નાખતી ફ્લડ લાઇટ્સ અને પ્રચંડ ઉત્તેજના-ઉશ્કેરાટ વચ્ચે અમારે આ ગીત રજૂ કરવાનું હતું. અમારી પહેલાં ભારતીય તો ઠીક, કોઇ એશિયન ગાયક કે સંગીતકારને આવી તક મળી નહોતી.... માથાના વાળ જેટલીય સરતચૂક થાય તો ઓડિયન્સ બેકાબુ થઇ જાય. '

આ જે ૨૬મી જાન્યુઆરી. પ્રજાસત્તાક દિન. સમાજમાં ઉલ્લેનીય કાર્ય કરનારા થોડાક લોકોને વિવિધ પદ્મ એવોર્ડ એનાયત કરાશે. એવોર્ડ વિજેતા મહાનુભાવોના સ્વજનો ગૌરવ અનુભવે એ સ્વાભાવિક છે. છેલ્લાં થોડાં સપ્તાહોથી આપણે ફિલ્મ સૃષ્ટિના યુવાન સંગીતકાર બંધુ સલીમ-સુલેમાનની વાતો કરી રહ્યા છીએ. આજના સપરમા દિવસે એમની ઔર એક આંતરરાષ્ટ્રીય સિદ્ધિની વાત કરવી છે. એમની આ સિદ્ધિ વિશે બહુ ઓેછું લખાયું છે. બહુ ઓછા લોકો એના વિશે જાણે છે. 

ક્રિકેટની જેમ ફૂટબોલની રમતમાં પણ વર્લ્ડ કપની સ્પર્ધા યોજાય છે. ક્રિકેટ કરતાં ફૂટબોલ રમનારા દેશોની સંખ્યા ઘણી મોટી છે. આ રમતના રસિયાની સંખ્યા પણ ક્રિકેટ રસિકો કરતાં અનેકગણી મોટી છે. ફૂટબોલના વર્લ્ડ કપની સ્પર્ધા ફિફા (ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિયેશન ફૂટબોલ) તરીકે ઓળખાય છે. 

૧૯૯૩થી આ રમતના વર્લ્ડ કપની સ્પર્ધા શરૂ થઇ. દર વરસે દુનિયાના કોઇ ગીતકાર પાસે એનું ગીત લખાવાય અને જગપ્રસિદ્ધ કોઇ સંગીતકાર પાસે એ ગીતનું સ્વરનિયોજન કરાવવામાં આવે. કોઇ માતબર વિદેશી ગાયકના કંઠે એ વર્લ્ડ કપ સ્પર્ધાના ઉદ્ધાટન સમારોહમાં અને પૂર્ણાહુતિના સમયે રજૂ કરવાની પરંપરા છે. આ ગીતને ફૂટબોલ એન્ધમ તરીકે ઓળખાવાય છે. 

૨૦૦૯ સુધી કોઇ ભારતીય સંગીતકારને ફિફા દ્વારા ફૂટબોલ એન્ધમ સ્વરબદ્ધ કરવાનું આમંત્રણ મળ્યું નહોતું. નાઉ ઓવર ટુ સલીમ-સુલેમાન. 'સાચું પૂછો તો અમે કલ્પી શકતા નહોતા કે અમને ફિફા વર્લ્ડ કપના ગીતની જવાબદારી મળી છે. તમે કલ્પના તો કરો. દુનિયાભરના ફૂટબોલ રસિકો મોંઘીદાટ ટિકિટ ખરીદીને ઓપનિંગ સેરિમનીમાં આવ્યા હોય. દરેકની ભાષા, રહેણીકરણી, આહાર વિહાર ધર્મ, રસરુચિ અને સંસ્કૃતિ જુદાં હોય. એવાં ૯૦ હજાર લોકોનું ઓડિયન્સ. પ્લસ ખેલાડીઓ, સિક્યોરિટી સ્ટાફ અને સંચાલકોની ટીમ એટલે કે લગભગ સવા દોઢ લાખ લોકોની ભીડ. આંખો આંજી નાખતી ફ્લડ લાઇટ્સ અને પ્રચંડ ઉત્તેજના-ઉશ્કેરાટ વચ્ચે અમારે આ ગીત રજૂ કરવાનું હતું. અમારી પહેલાં ભારતીય તો ઠીક, કોઇ એશિયન ગાયક કે સંગીતકારને આવી તક મળી નહોતી.... માથાના વાળ જેટલીય સરતચૂક થાય તો ઓડિયન્સ બેકાબુ થઇ જાય. ફૂટબોલ રસિકો બહુ આક્રમક હોય છે...'

વાતનો તંતુ સાંધી લેતાં સુલેમાન ઉમેરે છે, 'સૌથી પહેલાં તો ફિફા વર્લ્ડ કપના ગીત માટે સંગીત તૈયાર કરવાની તક મેળવવી એ લગભગ અશક્ય જેવું કાર્ય હતું. એકએકથી ચડે એવા હજારો સંગીતકારોમાંથી એ લોકોની નિર્ણાયક સમિતિ ગાયક અને સંગીતકાર નક્કી કરે છે. શક્ય છે, અમારું ફિલ્મ 'ચક દે ઇન્ડિયા'નું ટાઇટલ ગીત સ્પોર્ટ ગીત તરીકે ઠેર ઠેર પસંદગી પામ્યું હતું એ અમારી ફેવરમાં નિર્ણય કરવામાં નિમિત્ત બન્યું હોઇ શકે. ('ચક દે ઇન્ડિયા'નું એ ગીત, તમને યાદ હોય તો, 'કૌન બનેગા કરોડપતિ?'ની છઠ્ઠી સિઝનનું નાન્દી બન્યું હતું.) જોકે એમાં અમને આધુનિક ટેકનોલોજીએ પણ ઘણી મૂલ્યવાન મદદ કરી. સ્કાયપેની મદદથી અમે કલાકારોના સંપર્કમાં રહેતા અને સાંગીતિક આપ-લે કરતા.'

આ ગીત ચાર કવિઓનું સહિયારું સર્જન હતું- જોન ડેવલ, ફિલિપ લોરેન્સ, બુ્રનો માર્સ અને કાઇનાન વોર્સમ. એનું મુખડું હતું, 'ગીવ મી ફ્રીડમ, ગીવ મી ફાયર, ગીવ મી રીઝન, ટેક મી હાયર, સી ધ ચેમ્પિયન્સ, ટેક ધ ફિલ્ડ નાઉ...'

સલીમ વધુમાં  કહે છે, 'અમારી સાથે આફ્રિકન ગાંધી ગણાતા નેલ્સન માંડેલાના મોસ્ટ ફેવરીટ સંગીતકાર-ગાયક સાઉથ આફ્રિકાના લોઇસો વિન્સેન્ટ બાલા અને કેન્યાના ટોચના ગાયક નાઇરોબીના એરિક વેનીનેનેર જેવા ધુરંધર કલાકારો હતા. વીલઆયએમ અને શાકીરા પછી સ્ટેજ પર અમારે પર્ફોર્મ કરવાનું હતું. ભગવાનની કૃપા અને ગુરુજનોના આશીર્વાદથી ગીત ઉપડયું. ગણતરીની પળોમાં એવી જમાવટ થઇ કે આફ્રિકન યુવાનો પગથી અને તાળીથી ગીત જોડે લય આપવા લાગ્યા. કેટલાક આફ્રિકન યુવાનો પોતાની બેઠક પર ઊભા થઇને ડાન્સ કરવા લાગ્યા અને વાતાવરણ સમૂળું ગીતમય થઇ ગયું. ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોનિક મિડિયા પણ આ દ્રશ્ય જોઇને દંગ થઇ ગયું. 

'અમને એટલો બધો જબરદસ્ત પ્રતિભાવ મળ્યો કે અમારી આંખો ક્યારે વહેવા માંડી એની અમને પોતાને પણ જાણ ન રહી. તાળીનો ગડગડાટ, હર્ષનાદો અને સિસોટીઓ... આખું  સ્ટેડિયમ એ ગગનભેદી ગડગડાટથી છવાઇ ગયું. અમને સ્ટેન્ડીંગ ઓવેશન મળ્યું. મીડિયાએ ફેન્ટેસ્ટિક  રિવ્યુઝ આપ્યા. આયોજકો પણ અમારા સંગીતથી પ્રભાવિત થયા. સહકલાકારો અને ગાયકો સાથે અમારી આત્મીયતા સ્થપાઇ ગઇ. આજે પણ અમે એકમેકના સંપર્કમાં છીએ. થેન્ક ગોડ....' 


Google NewsGoogle News