ગૌરવ ખન્ના : હાલ તો 'અનુપમા'માં આવવાની સંભાવના નહિવત્ છે
લોકપ્રિયતામાં ટોચ પર રહેલી ધારાવાહિક 'અનુપમા'માં ૧૫ વર્ષનો લીપ ઘણાં મહત્વના પાત્રો ઓહિયા કરી ગયો. આ કિરદારોમાંથી એક છે અનુજ કાપડિયા, એટલે કે અભિનેતા ગૌરવ ખન્નાનો રોલ. વાસ્તવમાં ગૌરવ ખન્નાને દર્શકો 'અનુપમા' (રૂપાલી ગાંગુલી) જેટલો જ પ્રેમ આપવા લાગ્યા હતાં. કેટલીક વખત એવું પણ લાગતું કે અનુપમા, અનુજ કપાડિયા સામે ઝંખવાઈ રહી છે, પરંતુ શોમાં લીપ આવ્યાના બે મહિના પછી ગૌરવે પોતાના કમબેક વિશે પેટછૂટી વાત કરી હતી.
અભિનેતાએ કહ્યું હતું કે લોકો મને વારંવાર પૂછતાં હતાં કે હું શોમાં ક્યારે પરત ફરીશ? સીરિયલના નિર્માતા પણ મારા ગ્રાન્ડ કમબેક માટે ઉત્સુક હતા. પરંતુ વર્તમાન સ્ટોરીલાઈન વચ્ચે ક્યાંયથી પણ મારી એન્ટ્રી થઈ શકે એવું ન લાગતાં છેવટે તેમણે મને કહ્યું હતું કે હાલના તબક્કે અનુજ કાપડિયાની વાપસીની સંભાવના તદ્દન પાંખી છે. બહેતર છે કે હું મારી કારકિર્દીમાં આગળ વધી જાઉં.
અભિનેતા વધુમાં કહે છે કે ધારાવાહિકની સ્ટોરી આગળ વધે તે જરૂરી હોવાથી મને પણ લાંબા સમય સુધી રાહ જોવાનો અર્થ નહોતો લાગતો. નિર્માતાનો મત પણ એવો જ હોવાથી મેં કાંઈક વધુ મોટું કરવાનો નિર્ણય લીધો છે. આમ હાલના તબક્કે મારા માટે 'અનુપમા'નો અંક બંધ થઈ ગયો છે. અલબત્ત, હું તેને પૂર્ણવિરામ તરીકે નહીં, બલ્કે અલ્પવિરામ તરીકે લઉં છું. અને જ્યારે મને આ શોમાં પરત બોલાવવામાં આવશે ત્યારે જો હું મારા સમયપત્રકમાંથી સમથ ચોરી શકીશ તોય તેમાં પરત ફરીશ.
ગૌરવ ખન્ના ત્રણ વર્ષ પહેલાની વાત સંભારતા કહે છે કે ખરેખર તો આ શોમાં મારો ત્રણ મહિનાનો કેમીઓ હતો, પરંતુ દર્શકોના પ્રેમ થકી હું તેમાં ત્રણ વર્ષ સુધી ટકી રહ્યો. કોઈપણ કલાકારને દર્શકોની આવી ચાહના ભાગ્યે જ મળતી હોય છે. આ ત્રણ વર્ષ મારા માટે આજીવન યાદગાર બની રહેશે.
જોકે ગૌરવ ખન્ના માટે આગળ વધી જવું સહેલું નથી. એ કહે છે કે જીવનમાં એવો તબક્કો પણ આવતો હોય છે, જ્યારે તમને જીવનકિતાબનું પાનું ફેરવવાનું હોય, અને નવું ચેપ્ટર વાંચવાનું શરૂ કરવાનું હોય.