દોસ્તી અને પ્રેમ બન્ને જોઈએઃ તૃપ્તિ ડિમરી
- 'હું ઉત્તરાખંડ જેવા રળિયામણા, શાંતિપ્રિય પ્રદેશમાં જન્મી અને ઉછરી છું. ઉત્તરાખંડનાં લોકો પ્રેમાળ, ઉદાર, ભોળા હોય છે. મને ખોટાડા લોકો નથી ગમતા. સીધા-સરળ, જેવા હોય તેવા જ દેખાતા માણસો મને ગમે.'
'એ નિમલ' ફિલ્મને એક વર્ષ પૂરું થયું. સાથે સાથે આ ફિલ્મની બીજા નંબરની હિરોઈન તૃપ્તિ ડિમરીના 'નેશનલ ક્રશ' બિરુદને પણ. 'એનિમલ' પછી જોકે તૃપ્તિએ અદભુત કહી શકાય એવું કશું કામ કર્યું નથી, પણ એની પાસે મોટાં બેનર્સ અને મોટા હીરોવાળી ફિલ્મોની ઓફરો સતત આવી રહી છે. મજેદાર બાબત તો એ છે કે તૃપ્તિ પોતાના જીવન અને કારકિર્દી વિશે બહુ જ સ્પષ્ટ છે. જુદા જુદા વિષયોમાં એના વિચારો જાણીએ...
મિસ્ટર રાઇટ
તૃપ્તિ ડિમરી કહે છે, 'સૌથી પહેલાં તો મારો ભાવિ જીવનસાથી એટલે કે પતિ સુશિક્ષિત, સંસ્કારી, સમજદાર, નમ્ર, ઉમદા વિચારોવાળો હોય તો લગ્નજીવન સારું અને સુવાસિત બને. હું લગ્નજીવનને પવિત્ર સંબંધ માનું છું અને સ્વીકારું પણ છું. મારા ભાવિ જીવનસાથીમાં સમજદારીનો સદગુણ હોય તો કોઇ બાબતમાં નાહક વાદ-વિવાદ કે ગેરસમજ ન થાય. તે લગ્નજીવન સહિત બીજા સંબંધોનું પણ સન્માન જાળવશે.
પ્રેમ એટલે કે...
ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયાની વિદ્યાર્થિની તૃપ્તિ ડિમરી પ્રેમ એક ફિલોસોફરની અદાથી કહે છે, 'જુઓ, લવ કે પ્રેમ કોઇ ચર્ચાનો વિષય ન હોઇ શકે. પ્રેમ સદાય પવિત્ર, શુદ્ધ, સાત્વિક હોય. મારી સહજ સમજણ મુજબ લવ એટલે મિત્રતા. સમજદારી સાથેની પ્રેમસભર દોસ્તી. ફક્ત લવ હશે તો તે સંબંધ વેરવિખેર થઇ જવાની શક્યતા રહેશે. દોસ્તીનું બંધન બહુ મજબૂત હોય છે. તે બંને પાત્રને બાંધી રાખે છે.
કેવા માણસ ગમે?
કેવા ન ગમે?
'મોમ' ફિલ્મ (૨૦૧૭)થી અભિનય કારકિર્દી શરૂ કરનારી તૃપ્તિ ડિમરી કહે છે, 'હું એક વ્યક્તિ તરીકે સીધી-સરળ છું. હું ઉત્તરાખંડ જેવા રળિયામણા, શાંતિપ્રિય પ્રદેશમાં જન્મી અને ઉછરી છું. ઉત્તરાખંડનાં લોકો પ્રેમાળ, ઉદાર, ભોળા હોય છે. મને ખોટાડા લોકો નથી ગમતા. સીધા-સરળ, જેવા હોય તેવા જ દેખાતા માણસો મને ગમે.
ચસકાબાજી
'લૈલા મજનુ', 'બુલબુલ', 'કલા', 'વિકી વિદ્યા કા વો વાલા વીડિયો', 'બેડ ન્યુઝ', 'ભૂલભુલૈયા-થ્રી' વગેરે ફિલ્મોમાં વિવિધ પાત્રો ભજવનારી તૃપ્તિ ભારપૂર્વક માને છે કે, 'પૌષ્ટિક આહાર અને પૂરતી નિદ્રા લીલીછમ તંદુરસ્તી માટે બહુ બહુ જરૂરી છે. મને ભારતીય ભોજન ભાવે છે. ખાસ કરીને મને બાળપણથી જ મસાલેદાર ગરમ ગરમ દાળ અને સુગંધીદાર ભાત બહુ જ ભાવે. હું ક્યારેક મસાલેદાર પુલાવ બનાવીને તેનો સ્વાદ માણું છું. મીઠાઇમાં તો ગરમ જલેબી મારી ફેવરિટ છે. હું સવારે જાગ્યા બાદ મારો નિત્યક્રમ પૂરો કરીને હૂંફાળું પાણી પીઉં છું. થોડા સમય બાદ સરસ મજાની કોફી અને થોડોક સૂકો મેવો (અખરોટ, બદામ વગેરે) લઉંં છું.'
ફેશન ફંડા
રૂપકડી તૃપ્તિ ડિમરી સાફ શબ્દોમાં કહે છે, 'મને લૂઝ શર્ટ અને લૂઝ જીન્સ પહેરવાં ગમે છે. ટાઇટ કે સ્કિની જીન્સ તો ક્યારેય નહીં. મારા વોર્ડરોબમાં જુદા જુદા રંગનાં ઝાઝાંબધાં શર્ટ્સ હોય તે ગમે. વ્યક્તિનો આત્મવિશ્વાસ સૌથી વધુ મહત્ત્વનો છે. તમે જો એમ માનો કે મેં જે કપડાં પહેર્યાં છે તેમાં હું સૌથી સુંદર લાગું છું તો તમારું સમગ્ર વ્યક્તિત્વ ખીલી ઉઠશે.'