ફ્રેડી દારૂવાલા : 'હોલીડે'ના પડછાયામાંથી બહાર આવવા મથતો સોજ્જો પારસી એક્ટર
- અક્ષયકુમાર સાથેની 'હોલીડે' ફિલ્મ કર્યાને સાત વરસ થઈ ગયા પછી પણ લોકો મને એના વિલન તરીકે જ ઓળખે છે. કાં તો એ રોલ ખૂબ પાવરફુલ હતો અથવા તો મેં તેના પછી બીજો કોઈ સારો રોલ કર્યો નથી.
અ પૂર્વ લાખિયા દિગ્દર્શિત વેબ સીરિઝ 'ક્રેકડાઉન'ની બીજી સીઝનના પ્રસારણને પગલે એના કલાકારો લાઈમલાઈટમાં આવી ગયા છે. એમાં હુરટ (સૂરત)માં જન્મેલો આપરો પારસી બાવો ફ્રેડી દારૂવાલા પણ ખરો. ફ્રેડીની 'ક્રેકડાઉન'માં બીજી સીઝનથી જ એન્ટ્રી થઈ છે એટલે એણે શો અને એમાં પોતાના રોલ વિશે વાતચીત કરવા પસંદગીના પત્રકારો સાથે ઇન્ટરેેક્શન કર્યું હતું.
ઇન્ડસ્ટ્રીમાં સૌ જાણે છે કે ફ્રેડી પસંદગીના રોલ જ કરે છે. એક્ટર તરીકે એ ચૂઝી છે. એનું કારણ શું એવી મિડીયાની પૃચ્છાનો એક્ટર સરસ જવાબ આપે છે, 'સર, હું જ્યારે જાણીતા એક્ટર અને કોચ નીરજ કાબી સાથે વર્કશોપ કરતો હતો ત્યારે એમણે એક સુંદર વાત કરી હતી કે જરૂરિયાતને લીધે વેશ્યાવૃત્તિને વાજબી ન ગણાવી શકાય. આ વાત મારી અંદર ઊંડી ઉતરી ગઈ છે. મને એ બહુ ભારે પડી રહ્યું છે, પણ શું થાય? આપણે બધા ઘડિયાળના લોલકની જેમ પસંદગીઓ અને તકો વચ્ચે ઝુલ્યા કરીએ છીએ. મારા મતે કામ ચાર પ્રકારનાં હોય છે : એક જે તમને નાણાં રળી આપે, બીજું જે તમને રિલેવન્ટ બનાવે, ત્રીજું જે તમને તમારા કરીઅરમાં આગળ લઈ જાય અને ચોથું જે તમને તમારા કાર્યમાંથી કામ અપાવે. જો આ ચારેય પ્રકાર ભેગા થઈ જાય તો ઉત્તમ પણ મોટાભાગે એવું થતું નથી. અમે એક્ટરો આ ચારેય પ્રકારો વચ્ચે સંતુલન શોધવાનો પ્રયાસ કરતા રહીએ છીએ. આવી શોધમાં અમે બધા એક કેટેગરીમાં મૂકાઈ જઈએ છીએ. અહીં તકો અથવા અમારી પસંદગીઓનો ભોગ બની જવાની શક્યતા રહે છે.'
આ સાંભળ્યા પછી મિડાયાને એવો પ્રશ્ન થાય છે કે શું ફ્રેડી દારૂવાલા માટે તકો અને પસંદગીઓ વચ્ચે યોગ્ય બેલેન્સ જાળવવું ચેલેન્જિંગ બની જાય છે? ૩૯ વરસનો ગુજરાતી અભિનેતા આવો સવાલ થવાની ધારણા રાખીને બેઠો હોય એટલી સહજતાથી કહે છે, 'મારા માટે એ હજુ પણ બહુ ડિફીકલ્ટ અને ચેલેન્જિંગ છે. તમે જ્યારે એક્ટર તરીકે બહુ જ લોકપ્રિય બની જાય એવો કોઈ નેગેટીવ રોલ કરો ત્યારે લોકો એ જ યાદ રાખે છે. અક્ષયકુમાર સાથેની 'હોલીડે' ફિલ્મ કર્યાને સાત વરસ થઈ ગયા પછી પણ લોકો મને એના વિલન તરીકે જ ઓળખે છે. મારા મતે એનાં બે કારણો હોઈ શકે - કાં તો મેં એના પછી કોઈ સારું કામ કર્યું નથી અથવા તો એ ભૂમિકા ખરેખર બહુ પાવરફુલ હતી. હું 'હોલીડે'ના પડછાયાને હટાવી કાંઈક નવું અને વધુ મોટું કામ કરવા ધારું છું.'
સંવાદનો દોર જામી ગયા બાદ મિડીયામાંથી દારૂવાલાને એક વેધક સવાલ કરાય છે, 'ફ્રેડીભાઈ, શું તમને લાગે છે કે તમારો અતિ હેન્ડસમ લુક તમને વિવિધ પ્રકારના રોલથી વંચિત રાખે છે?' એક્ટર એનો નિખાલસ જવાબ આપે છે, 'ઘણા બધા પ્રોડયુસરો મને કહી ચુક્યા છે કે હું વેલ બિલ્ટ અને ગુડ લુકિંગ છું - પણ એથી શું થવાનું? મારા માટે હવે રિઅલિસ્ટીક પાત્રો ભજવવાનો સમય આવી ગયો છે, પરંતુ ફિલ્મમેકરો એવું માને છે કે મારા જેવો ખડતલ એક્ટર રડી ના શકે. હવે આખી ઇન્ડસ્ટ્રીને તો હું મારી કાબેલિયતની ખાતરી ન કરાવી શકું. હા, કાસ્ટિંગ ડિરેક્ટર્સને મારી ઓડિશન ટેપ્સ અને સ્ક્રીન ટેસ્ટથી જરૂર મારી ટેલેન્ટનો પરચો બતાવી શકું.'
પછી ફ્રેડી પત્રકારોના આગ્રહથી 'ક્રેકડાઉન-૨'ના પોતાના પાત્રની રૂપરેખા આપે છે 'ડિરેક્ટર અપૂર્વ લાખિયાના કારણે જ આ વેબ સિરીઝની બીજી સીઝન સાકાર થઈ છે. શોમાં હું અબુ ખલીલનું લાર્જર ધેન લાઈફ કેરેક્ટર ભજવું છું. એ પથ્થર દિલનો એક ઘાતકી ઇન્સાન છે. એ બહુ પાવરફુલ માણસ છે અને આપણે સૌ જાણીએ છીએ એમ પાવર જ માણસને બગાડે છે. શોમાં દર્શકોને અબુ ખલીલના ત્રણ જુદા જુદા સ્વરૂપ જોવા મળશે.'
સમાપનમાં ફ્રેડીને એક આખરી પ્રશ્ન, 'શું હવે તને તારી કરીઅરથી સંતોષ છે?' એક્ટર એનો હા કે નામાં જવાબ આપવાનું ટાળતા જણાવે છે, 'ત્રણ સપ્તાહના ગાળામાં 'ક્રેકડાઉન-૨' મારો રિલીઝ થનારો ત્રીજો પ્રોજેક્ટ છે. એની પહેલાં 'છત્રપતિ' અને 'ઇન્સ્પેક્ટર અવિનાશ' આવ્યા. આજે હું મારા કરીઅરમાં એવા તબક્કે પહોંચ્યો છું કે મારું પરફોર્મન્સ જ મને બીજા કામ અપાવશે.'