ભૂમિ પેડણેકર માટે ફેબ્રુઆરી મહિનો શુકનવંતો
- 'ભક્ષક'નો પહેલો જ સીન એવો છે કે ઓડિયન્સ કાંપી ઉઠે. ભૂમિ પેડણેકર આ પ્રકારની ફિલ્મોમાં અને ભૂમિકાઓમાં ખીલી ઉઠે છે
ભૂમિ પેડણેકર એટલે હટકે ફિલ્મો કરવામાં પાવરધી અભિનેત્રી. અભિનેત્રીએ વધુ એક વખત નોખા પ્રકારની ભૂમિકા ભજવીને પોતાની પ્રતિભાને પરચો બતાવ્યો છે.
તાજેતરમાં નેટફ્લિકસ પર ભૂમિની ફિલ્મ 'ભક્ષક' રજૂ થઈ ગઈ છે. આ ફિલ્મમાં અદાકારાએ બિહારી પત્રકારની ભૂમિકા ભજવી છે. આ મૂવીમાં ભૂમિના રોલ વિશે વાત કરતાં પહેલાં આ ફિલ્મ ફેબ્રુઆરીમાં શા માટે સ્ટ્રીમ થઈ એ જાણવું રસપ્રદ થઈ પડશે. વાસ્તવમાં ભૂમિ પેડણેકરની મોટાભાગની ફિલ્મો ફેબ્રુઆરી મહિનામાં જ રીલિઝ થાય છે. અદાકારા કહે છે, ' મેં ફિલ્મોદ્યોગમાં કદમ માંડયા ત્યારથી ફેબ્રુઆરી માસ મારા માટે શુકનવંતો બની રહ્યો છે. મારી પહેલી ફિલ્મ 'દમ લગા કે હઈશા' ફેબ્રુઆરીમાં જ રજૂ થઈ હતી. અને આ મૂવીએ મને ખૂબ લોકપ્રિયતા અપાવી, મને બોલિવુડમાં એસ્ટાબ્લિશ કરી આપી. બસ, ત્યારથી મને આ મહિનો મારા માટે નસીબવંતો લાગે છે.'
ભૂમિ વધુમાં કહે છે, 'તમને યાદ હોય તો, મારી 'બધાઈ હો' ફિલ્મ પણ ફેબ્રુઆરી મહિનામાં જ રજૂ થઈ હતી. ફિલ્મોદ્યોગ માત્ર આ ફિલ્મ આખી ઇન્ડસ્ટ્રી માટે ગેમ ચેન્જર પુરવાર થઈ હતી. 'ભક્ષક' પણ ફેબ્રુઆરીમાં રજૂ કરવાનું નક્કી થયું ત્યારથી મારી ખુશીનો પાર નહોતો. આમેય હું આ ફિલ્મ વિશે પહેલેથી ઉત્સાહિત રહી છું'.
હવે આ ફિલ્મની કહાણી વિશે વાત કરીએ તો તે બિહારના મુઝ્ઝફર શેલ્ટર હોમ રેપ કેસ પર આધારિત છે. ૨૦૧૭માં ટાટા ઈન્સ્ટિટયૂટ ઓફ સોશ્યલ સાયન્સિસ (ટીઆઈએસએ) એ બિહારના શેલ્ટર હોમ્સ એટલે કે અનાથાશ્રમોનું ઓડિટ કર્યું હતું. ત્યારબાદ ૨૦૧૮ની સાલમાં તેનો રિપોર્ટ જમા કરાવ્યો ત્યારે આઘાતજનક વાતો બહાર આવી હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે સંબંધિત બાલિકા ગૃહમાં રહેતી સાતથી ૧૭ વર્ષની કન્યાઓ સાથે એકથી વધુ વખત જાતીય અત્યાચાર, બળાત્કાર અને ટોર્ચરની ઘટનાઓ બની હતી. તરૂણીઓની તબીબી તપાસ કરતાં જણાયું હતું કે ૪૨માંથી ૩૪ કન્યાઓનું સંખ્યાબંધ વખત શારીરિક શોષણ થયું હતું.
આ શેલ્ટર હોમનો વડો બ્રજેશ ઠાકુર હતો. ૨૦૧૮માં બ્રજેશ સહિત આ ઘટનાના અન્ય સઘળા આરોેપીઓ સામે એફઆઈઆર દાખલ કરીને તપાસ શરૂ કરી દેવામાં આવી હતી.
ભૂમિ પેડણેકરે આ ફિલ્મમાં એક પત્રકાર તરીકે આખા ઘટનાક્રમની ભાંડાફોડ કરે છે. સ્વાભાવિક રીતે જ ભૂમિને આ ફિલ્મમાંથી પુષ્કળ અપેક્ષાઓ હોવાની. ફિલ્મ અસકારક બની છે. પહેલા જ સીનમાં એવી વિગત રજૂ થાય છે કે ઓડિયન્સ કાંપી ઉઠે. ભૂમિ આ પ્રકારની ફિલ્મોમાં અને ભૂમિકાઓમાં હંમેશા ખીલી ઉઠે છે. આ ફિલ્મ પણ તેમાં અપવાદ નથી.