ફૌજીની બેટી રકુલ પ્રીત સિંહ હિંમત હારે એવી નથી
- 'જો કોઈ એમ કહે કે રકુલને એક્ટિંગ કરતાં આવડતું નથી તો પણ હું ખરાબ નહીં લગાડું. હું વધારે મહેનત કરીશ. એનું પરિણામ તમને મારી આગામી ફિલ્મોમાં દેખાયા વગર રહેશે નહીં.'
એ ક અભિનેત્રી તરીકે મારે ફિલ્મ-નિર્માતાના વિઝન અને વાર્તાને ૨૦૦ ટકા આપવા જોઈએ. ધારો કે ક્યાંક કશીક ગરબડ થઈ કે ફિલ્મ સફળ ન થઈ તો અભિનેત્રી તરીકે મને ખરાબ લાગે જ... પણ અમારે તો આગળ વધતા રહેવું પડે છે. હું કઈ રીતે બહેતર અભિનેત્રી બની શકું એ મારે સતત શીખતા રહેવાનું છે...'
આ શબ્દે છે, રકુલ પ્રીત સિંહના. તેની છેલ્લી ચાર રિલીઝ થયેલી ફિલ્મો પરથી લાગી રહ્યું છે કે તેની વૈવિધ્યસભર ભૂમિકા ભજવવાની ઈચ્છા સાકાર થઈ રહી છે. રકુલ પ્રીત સિંહ કહે છે કે 'હું વિવિધ ફિલ્મોમાં એક જ સરખા રોલ ભજવવા તૈયાર નથી. હું પુનરાવર્તન ટાળું છું. જેમ કે, 'રનવે ૩૪'નું મારું કેરેક્ટર 'ડોક્ટર જી'ના કેરેક્ટરથી સાવ જુદું છે. 'થેન્ક ગોડ'નું પાત્ર આ બન્ને કરતાં સાવ અલગ છે. બોક્સઓફિસ રિઝલ્ટ ગમે તે હોય, પણ લોકોએ મારી ભુમિકાઓને વખાણી છે. મારો આત્મવિશ્વાસ વધ્યો છે. હું મસાલા ફિલ્મોથી લઈને હાર્ડ-હિટિંગ ફિલ્મો સુધીનું બધું જ કરવા માગું છું.'
રકુલ ઘણા સમયથી પ્રામાણિક પોલીસ ઓફિસરની ભુમિકા ભજવવા માગતી હતી. 'થેન્ક ગોડ'માં એની આ ઇચ્છા પૂરી થઈ છે. આ ફિલ્મમાં તે એક એવી સ્ત્રી છે, જે એના પતિ કરતાં વધારે સફળ છે. ૨૦૧૮ આવેલી 'ઐયારી' અને ૨૦૧૯ની 'મરજાવાં' સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે રકુલે પુનઃ 'થેન્ક ગોડ'માં કામ કર્યું છે. આ બંને કલાકારો મૂળ દિલ્હીનાં. રકુલ કહે છે, 'હું સભાનપણે એવી ભુમિકાઓ પસંદ કરું છું જ્યાં હું મારી સંપૂર્ણ રેન્જનો ઉપયોગ કરી શકું. મારા ફાધર આર્મીમાં હતા. એને કારણે મારામાં એક પ્રકારની શિસ્તભાવના વિકસી ચૂકી છે. હું મારો અભિપ્રાય વ્યક્ત કરતા રોેકી શકાતી નથી.'
રકુલે શરુઆત સાઉથની ફિલ્મોથી કરી હતી. તેને કારણે તેનો પાયો ખાસ્સો મજબૂત થઈ ગયો છે. બોલિવુડમાં હજુ તેના નામનું ખાસ વજન પડતું નથી, પણ એ જો બે-ચાર હિટ આપી દેશે તો બાજી પલટાઈ જશે. રકુલની ફિલ્મોને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. જેમ કે, 'કટપૂતલી' ફિલ્મને મોટે ભાગે નકારાત્મક સમીક્ષા મળી છે, તો 'ડોક્ટર જી'ની પ્રગતિશીલ વિચારસરણી લોકોને ગમ્યો છે. રકુલ કહે છે, 'મારા માટે પ્રત્યેક ફિલ્મ એક ટ્રેનિંગ સ્કૂલ સમાન છે. જો કોઈ એમ કહે કે રકુલને એક્ટિંગ કરતાં આવડતું નથી તો પણ હું ખરાબ નહીં લગાડું. હું વધારે મહેનત કરીશ જેનું પરિણામ તમને આગામી ફિલ્મોમાં દેખાયા વગર રહેશે નહીં.'
નાઉ, ધેટ્સ ધ સ્પિરિટ!