Get The App

ફાતિમા સના શેખ સ્માર્ટ સોલો ટ્રાવેલર .

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News
ફાતિમા સના શેખ સ્માર્ટ સોલો ટ્રાવેલર                                . 1 - image


- 'મને હિમાચલ સ્થિત ધરમશાલા અને  અન્ય સ્થળોએ શાંતિનો અનુભવ થાય છે. જ્યારે મને એમ લાગે કે મારે શહેરની બહાર ચાલ્યા જવું જોઈએ ત્યારે હું પર્વતો ખૂંદી આવું છું.' 

અભિનેત્રી ફાતિમા સના શેખને દેશ-વિદેશમાં એડવન્ચર ટુરિઝમ કરવામાં ભારે મોજ પડે છે. તે જ્યાં જાય ત્યાં નવા નવા સ્થળો અને ત્યાંના વ્યંજનોનો આનંદ લે છે. અલબત્ત, ફાતિમાને વિવિધ સ્થળોએ ફરવા જવાના અવસર ઘણા મોડા મળ્યા. અભિનેત્રી સ્વયં કહે છે કે, 'હું નાની હતી ત્યારે માત્ર જમ્મુ અને કાશ્મીર જતી. વેકેશનનો એ સમય હું મનભરીને માણતી. મને અલગ અલગ સ્થળોએ ઘૂમવાના અવસર બહુ મોડેથી મળ્યા, પણ હવે જ્યારે જ્યારે મને તક મળે ત્યારે હું પ્રકૃતિની ગોદમાં ફરવા નીકળી પડું છું. મને એમ લાગે છે કે સહેલગાહે જવા માટે ઝાઝા શ્રીમંત હોવું આવશ્યક નથી.'

ફાતિમાને વિદેશમાં પર્યટને જવું ગમે છે તેમ તેને ભારતીય પર્યટન સ્થળો ખૂંદી વળવાનું પણ એટલું જ પ્રિય છે. અદાકાર કહે છે, 'ભારતમાં એટલું બધુ ભૌગોલિક વૈવિધ્ય છે કે તમે તે જોતાં જોતાં ધરાઈ જાઓ. આપણે ત્યાં પર્વતો અને સમુદ્ર તટોથી લઈને વિન્ટર ડેસ્ટિનેશન્સ અને રણ પ્રદેશો જેવું વૈવિધ્ય સહેલાણીઓને પોતાના તરફ આકર્ષતું રહે છે. આપણા દેશના અલગ અલગ સ્થળોની સાંસ્કૃતિક વિવિધતા જોવા-માણવા જેવી છે. મને હજી ઇશાન અને દક્ષિણ ભારતની પ્રકૃતિ ખુંદવી છે.'

અદાકારા વધુમાં કહે છે કે જ્યારે જ્યારે હું થાકી ગઈ હોઉં, થોડી હતાશ-નિરાશ-અકળાયેલી હોઉં ત્યારે મારી બેગ પેક કરીને સહેલગાહે નીકળી પડું છું. મને હિમાચલ સ્થિત ધરમશાલા અને ત્યાંના અન્ય સ્થળોએ શાંતિનો અનુભવ થાય છે. જ્યારે મને એમ લાગે કે મારે શહેરની બહાર ચાલ્યા જવું જોઈએ ત્યારે હું પર્વતો ખુંદી આવું છું. ક્યારેક હું સાવ એકલી જ નીકળી પડું તો ક્યારેક મારા પાળતું શ્વાનને સાથે લઇ જાઉં છું. જ્યારે તમે પહાડો પર હો ત્યારે તમારું મન એકદમ શાંત-સ્વસ્થ થઈ જાય છે. પર્વતો પરથી ઉગતા અને આથમતા સૂર્યનો નઝારો માણતી વખતે એવું લાગે જાણે કોઈ નભને મનભાવન રંગોથી રંગી રહ્યું છે.

છેલ્લા ઘણાં વર્ષમાં સંખ્યાબંધ વખત ટ્રાવેલ કરી ચૂકેલી ફાતિમા હવે સ્માર્ટ સહેલાણી થઈ ગઈ છે. તે કહે છે, 'હું મોટાભાગે ફ્લાઇટમાં મારા મનગમતા સ્થળે જવાનું પસંદ કરું છું. મારા કેટલાક મિત્રો પણ હરવાફરવાના શોખીન છે. જે વખતે મારી પાસે પર્યટન માણવા પૂરતી નાણાકીય સગવડ નહોતી તે વખતમાં તેઓ મને પોતાના ખર્ચે ફરવા લઈ જતા. હું કામ કરવા લાગી ત્યારથી હું તેમને મારા ખર્ચે સહેલગાહે લઈ જાઉં છું.' 

અદાકારા ઉમેરે છે કે સામાન્ય રીતે હું જે-તે સ્થળે ભાડેથી રહેવાનું પસંદ કરું છું. કેટલીક વખત મારા મિત્રોના ઘરે જઈને પણ રહું છું. હું જે પર્યટન સ્થળે જાઉ ત્યાં પુષ્કળ ચાલું છું, જેથી ત્યાંના લોકો, ત્યાંની સંસ્કૃતિને ઓળખી શકું.

બહુ ઓછા લોકો જાણતા હશે કે 'ચાચી ૪૨૦'ની બાળકલાકાર ફાતિમા હતી. અદાકારા કહે છે, 'એ મારી યાદગાર વર્ક ટ્રીપ હતી. અમે આ ફિલ્મ માટે ચેન્નઈમાં શૂટિંગ કરી રહ્યા હતા. તે વખતે હું માત્ર ચાર વર્ષની હતી. અમે એક સરસ હોટલમાં ઉતર્યા હતા. દરિયા કિનારે આવેલી એ હોટેલ, ત્યાંની ભીની ભીની માટીની સોડમ અને પૂર્ણ ખિલેલાં ફૂલોનો નઝારો આજે પણ મારા મન-મગજમાં અકબંધ છે.'

સામાન્ય રીેત એકલી જ રખડવા નીકળી પડતી ફાતિમા એકલા એકલા ફરવા જવા માગતા પર્યટકોને ટિપ્સ આપતાં કહે છે કે તમે તમારા આઇડી અને વોલેટ વારંવાર તપાસતાં રહો. કોઈ પણ રીતે જો તમારો મોબાઇલ ખોવાઈ જાય તો શું કરવું તેનું આગોતરું આયોજન કરી રાખો. તમે જ્યાં જ્યાં જવાના હો ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશન તેમ જ એમ્બ્યુલન્સના નંબર નોંધી રાખવાનું ન ભૂલો. સાથે સાથે નિકટની હોસ્પિટલ વિશેની  જાણકારી પણ રાખો. 


Google NewsGoogle News