ફાતિમા સના શેખ : ધીરગંભીર રોલ પછી હળવી રોમેન્ટિક ભૂમિકા માટે આતુર
- ફાતિમા સના શેખ 2025માં રોમાન્સમાં ડૂબકી લગાવવા તત્પર છે. 'ઉલઝુલૂલ ઈશ્ક' અને 'મેટ્રો... ઇન દિનોં'માં એની રસપ્રદ ભૂમિકાઓ છે.
૨૦૨૫ ફાતિમા સના શેખ માટે મહત્ત્વપૂર્ણ વર્ષ સાબિત થાય એવી સંભાવના છે. આ વર્ષે તે પોતાની બહુમુખી પ્રતિભાથી દર્શકોને ચકિત કરવા વૈવિધ્યસભર ફિલ્મોમાં પોતાની પ્રચલિત છબિથી વિપરીત ભૂમિકામાં દેખાશે.
બોલિવુડની વર્સેટાઈલ સ્ટાર ફાતિમા સના શેખ ૨૦૨૫માં રોમાન્સના ક્ષેત્રમાં ડૂબકી લગાવવા તત્પર છે અને પ્રેમકહાનીના વૈવિધ્યસભર ક્ષેત્રમાં પોતાની પ્રતિભા દર્શાવવા તૈયાર થઈ છે.
ફાતિમાની ફિલ્મોનું એક પ્રમુખ આકર્ષણ છે વિવેક સોની દ્વારા નિર્દેશિત એક વિચિત્ર કહી શકાય તેવી પ્રેમ કહાની. આ પ્રોજેક્ટમાં ફાતિમા ત્રીસીના દાયકામાં પ્રવેશેલી એક બંગાળી શિક્ષિકાની ભૂમિકા નિભાવે છે, જેને ઉત્તર ભારતના નાનકડા નાગરના તેનાથી દસ વર્ષ મોટા પુરુષ સાથે પ્રેમ થાય છે. આ પાત્ર આર. માધવને ભજવ્યું છે. આ રોમેન્ટિક કહાનીની વિશિષ્ટતા સંબંધોની આધુનિકતામાં રહેલી છે, જેમાં આ કપલની મુલાકાત એક ડેટિંગ એપ દ્વારા થાય છે.
કોલકાતામાં સળંગ ૩૬ દિવસની શિફ્ટમાં શૂટ થયેલી આ ફિલ્મ સંબંધોમાં વયના તફાવત જેવી પૂર્વધારણાને પડકારે છે. એક મજબૂત મનોબળ ધરાવતી અને સ્વતંત્ર મિજાજની મહિલાનું પાત્ર ભજવતી ફાતિમાએ આ બિનપરંપરાગત પ્રેમ કહાનીમાં ઊંડાણ લાવવા પૂરી પ્રયત્નશીલ રહી.
ફાતિમાની રોમેન્ટિક કહાનીની યાદીમાં પ્રસિદ્ધ ડિઝાઈનર-પ્રોડયુસર મનિષ મલ્હોત્રા નિર્મિત ફિલ્મ 'ઉલઝુલૂલ ઈશ્ક' પણ સામેલ છે. આ ફિલ્મમાં ફાતિમાનો સાથ દેશે વિજય વર્મા, નસીરુદ્દીન શાહ અને શરિબ હાશ્મી. નાનકડા નગરનો સાર સમાવિષ્ટ કરતી આ ફિલ્મ મધુર અને રોમેન્ટિક ડ્રામા છે. વિભુ પુરી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં ફાતિમા એક સીધી સાદી સરળ પણ મજૂબત મનની મહિલાનું પાત્ર નિભાવે છે જે પ્રેમની જટિલતા લાગણીશીલ બનીને પાર કરે છે. 'ઉલઝુલૂલ ઈશ્ક' સંબંધોની વિચિત્રતા અને ખુશી સાથે દર્શકોના ચહેરા પર સંભવત: સ્મિત લાવી શકશે. આ ફિલ્મ થિયેટરોમાં રજૂ થશે કે પછી ઓટીટી પ્લેટફોર્મ પર તેનો નિર્ણય હજી નથી લેવાયો, પણ ફિલ્મ વિશે અત્યારથી ચર્ચા શરૂ થઈ ગઈ છે.
ફાતિમા સના શેખ બોલિવુડમાં સાત વર્ષની કારકિર્દી પછી હવે રોમેન્ટિક ફિલ્મોના ક્ષેત્રમાં પ્રવેશી રહી છે. અત્યાર સુધી તે તીવ્ર અને ડ્રામાટિક ભૂમિકા નિભાવતી રહી હતી. ફાતિમા કહે છે કે રોમેન્ટિક ફિલ્મો સ્વીકારવાનો નિર્ણય પૂર્વનિયોજિત નહોતો, પણ કુદરતી પ્રક્રિયા હતી. અગાઉ પણ હળવા, સુસંગત પાત્રો નિભાવવાની ઈચ્છા વ્યક્ત કરનાર ફાતિમા આ પ્રોજેક્ટોને પોતાની વય અને જીવનના અનુભવોનું પ્રતિબિંબ પાડતા પાત્રો નિભાવવાની તક તરીકે જુએ છે.
ફાતિમાની એક ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ આવી રહી છે - અનુરાગ બાસુની 'મેટ્રો...ઈન દિનો', જેમાં ફાતિમા આધુનિક સંબંધોની વધુ એક રસપ્રદ વાર્તાનું ચિત્રણ કરશે અને સિનિયર કલાકારોના સંગાથમાં દેખાશ.
આ પ્રત્યેક ફિલ્મોની વાર્તાના મૂળ રોમાન્સમાં હોવા છતાં દર્શકો સમક્ષ વિશિષ્ટ રીતે રજૂ થાય છે. ફાતિમાની એક કલાકાર તરીકેની કેટલી વર્સેટાઇલ બની શકે છે તેનો અંદાજ આ ફિલ્મો પરથી મળવાનો છે.
હવે જ્યારે મોટા પડદા પર પ્રેમ કહાનીનો ટ્રેન્ડ ચાલુ થયો છે ત્યારે દર્શકોને ફાતિમા પ્રેમની નવી વ્યાખ્યા કરતી અને ૨૦૨૫માં ઉપરાઉપરી ચઢિયાતા પરફોર્મન્સ આપતી નજરે પડશે. હૃદયને સ્પર્શી જાય અને ધોરણોને પડકારે તેવી વાર્તાઓ સાથે ફાતિમા રોમાન્સ સાથે બોલીવૂડના પ્રેમ પ્રકરણોને ફરી જગાવવા તૈયાર છે.