ફેશનક્વીન મલાઈકાએ ટીકા અને ટ્રોલિંગથી કરીઅર બનાવી
ફિલ્મોમાં માત્ર આઇટમ સોંગ્સ કરીને ટોપની એક્ટર જેટલી પ્રસિધ્ધિ મેળવવી કોઈ દ્રષ્ટિએ સહેલું નથી. એ લગભગ અશક્ય કામ છે. ૪૮ વરસની મલાઇકા અરોરાએ પોતાની ટીનેજરોને શરમાવે એવી ફ્લેક્સિબલ બૉડી અને આગવી સ્ટાઈલ સેન્સ વડે ટોપની સેલિબ્રિટીઝમાં સ્થાન મેળવ્યું છે. એની હાજરી વિના કોઈ પણ ફેશન-શૉ ફિક્કો લાગે છે અને રેડ કાર્પેટ સુની પડી જાય છે. 'છૈયા છૈયા ગર્લ' પાસે તમે આઇટમ સોંગ કરાવો કે પછી એને કોઈ રિયાલિટી શૉના જજની સીટ પર બેસાડો, એનું એનર્જેટિક પરફોર્મન્સ તમારા પર જાદુ કર્યા વિના ન રહે.
કોઈ પણ ઈવેન્ટમાં સ્ટાઈલનો સબ્જેક્ટ છેડાય ત્યારે મેડમ મલાઇકાનો એમાં ઉલ્લેખ થયા વિના ન રહે. સ્ટાઈલમાં આ ફેશન ક્વિનને કોઈ પહોંચી ન શકે. 'સ્ટાઈલ એક સહજ અને પ્રકૃતિદત્ત બાબત છે. એ એક રીતે આપણી પર્સનાલિટીનું એક્સટેન્શન છે, વ્યક્તિત્વનો વિસ્તાર છે. કમસે કમ મારી બાબતમાં હું કહી શકું કે મારી સ્ટાઈલ મારી પર્સનાલિટીનું પ્રતિબિંબ છે. મારી સ્ટાઈલ ભલે ઇઝી હોય, પણ એમાં એક ચોક્કસ પ્રકારનું બીજાથી જુદું પડતું સત્ત્વ છે. એ થોડી સેક્સી છે, પણ તોરીલી કે મગરુર નથી. મારી સ્ટાઈલ તમને કદી તમને શુષ્ક કે નીરસ નહિ લાગે. એટલા માટે કે હું દરેક બાબતમાં એકદમ ક્લિયર હોઉં છું. મારી સ્ટાઈલ જ મને એક એવી વ્યક્તિને મૂર્તિમંત કરવામાં મદદરૂપ થાય છે, જે જાણે છે કે મારે શું જોઈએ છે અને શું કરવું છે,' એમ મલાઇકા એક નેશનલ મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહે છે. એક્ટર કમ મોડલે મીડિયાના ફેશન શૉ માટે સ્પેશિયલ ફોટો શૂટ કરાવતી વખતે ઘણી બધી વાતો કરી હતી.
અરોરા પોતાની નિષ્ઠા અને લગનીથી સામા પક્ષનો વિશ્વાસ જીતી લેવા માટે ઇન્ડસ્ટ્રીમાં જાણીતી છે. એનો એક દાખલો આપતા મલઇકા કહે છે, 'મેં ફિલ્મોમાં જ્યારે પણ સોંગ સિકવન્સ કર્યા છે ત્યારે મને એમાં ફ્રી હેન્ડ મળ્યો છે. એ બાબતમાં હું નસીબદાર છું. શુટ વખતે હું થોડોક પોતાનો પર્સનલ ટચ લઈ આવું છું, પછી એ મારી હેર સ્ટાઈલ હોય કે જ્વેલરી. એમાં મેં ક્યારેક લોચાં પણ માર્યા છે, પણ તમે કોઈ નવો પ્રયોગ કરો ત્યારે એકાદ ગડથોલિયું ખાઈ જાય એવું બને.'
પોતાના ફેશન અને સ્ટાઈલિંગના વરસોના અનુભવનો નિચોડ આપતા અર્જુન કપૂરની વયસ્ક ગર્લફ્રેન્ડ અને યુવાન પુત્રની માતા કહે છે, 'અંગ્રેજીમાં એક શબ્દ છે એજ અપ્રોપિયેટ દરેકે પોતાની ઉંમરનો ક્યારેક તો સ્વીકાર કરવો જ પડે છે, પરંતુ એની સાથોસાથ આપણને શું શોભે છે અને શું નથી શોભતુ એ જાણવું જરૂરી છે. તમે જે પહેરો એમાં તમારી બૉડી કમ્ફર્ટેબલ રહેવી જોઈએ. મારા શરીરનો ક્યો ભાગ મને બરાબર નથી લાગતો એની મને ખબર છે એટલે હું એવા વસ્ત્રો પહેરું છું જે એને છુપાવી દે.'
નવાઈની વાત એ છે કે પોતાના ફિલ્ડ વિશે અગાધ નોલેજ ધરાવતી સુંદરી પોતાની પસંદગીઓ બાબતમાં સોશિયલ મીડિયા પર ટ્રોલ થતી આવી છે. ટ્રોલિંગના ઘોંઘાટથી જરાય વિચલિત થયા વિના મલાઈકા મીડિયાને કહે છે, 'તમે મારી લાઈફની જર્ની જોશો તો તમને એવું લાગશે કે ટીકાઓ અને ટ્રોલિંગથી જ મેં મારી કરિયર બનાવી છે. હું એક વ્યક્તિ તરીકે કેવી છું. હું શું પહેરું છું અને મારી ચોઇસ કેવી છે - એવી બધી વાતોમાં મારા પર ટીકાઓ વરસતી રહે છે. હવે તો બહુ રિઢી થઈ ગઈ છું, મારા પર એની અસર નથી થતી. સોશિયલ મીડિયા પર મારા વિશે નેસ્ટી કમેન્ટ્સ આવતી રહે છે, પણ મને જ્યારે જરૂર લાગશે ત્યારે જ એનો જવાબ આપીશ. બાકી, મારે દરેકને પ્રત્યેક બાબતમાં ખુલાસા આપવાની જરૂર નથી,' એમ કહી અભિનેત્રી પોતાના પોલાદી મનોબળની ઝલક દેખાડે છે.