Get The App

ફરદીન ખાન: અવસર ચૂકી ગયાનો પસ્તાવો હજી છે

Updated: Apr 24th, 2025

GS TEAM


Google News
Google News
ફરદીન ખાન: અવસર ચૂકી ગયાનો પસ્તાવો હજી છે 1 - image


- 'છેલ્લાં બાર વર્ષમાં મારામાં ભારે પરિવર્તન આવ્યું છે. જોકે સમયની સાથે હું વધુ સમજદાર બન્યો છું કે વધુ મૂરખ તે હું જાણતો નથી!' 

ફરદીન ખાનની ફિલ્મી સફર શાંત ક્રાંતિ, ભાવનાત્મક પ્રમાણિકતા અને દ્રઢતાથી ભરેલી છે. ૧૯૯૮માં 'પ્રેમ અગન'માં ડેબ્યુ કરવાથી લઈને બાર વર્ષના ગાળા પછી ફરી ફિલ્મી પડદે વાપસી સુધી આ કલાકાર ગહન પરિવર્તનમાંથી પસાર થયો છે. તેના ઉચ્ચાર અને સ્કૂલ બોય જેવું આકર્ષણ સમયની થપાટ સામે અકબંધ રહ્યું છે, પણ જીવન પ્રત્યે તેના અભિગમ, કારકિર્દી અને સંબંધોમાં પરિપકવતા આવી છે. આ એવી હસ્તી છે જેણે આંતરખોજ કરી, પોતાની ક્ષતિઓને ઓળખી અને શારીરિક અને માનસિક સુસજ્જતા સાથે ફરી પાછો ફિલ્મી પડદે આવ્યો છે.

ફરદીન કબૂલ કરે છે કે બાર વર્ષમાં તેનામાં ભારે પરિવર્તન આવ્યું છે. તે રમૂજમાં કહે છે કે વહેતા સમય સાથે તે વધુ સમજદાર અથવા વધુ મૂરખ બન્યો છે. એક સમયે પાર્ટી બોય તરીકે ઓળખાતો ફરદીન હવે પોતાને બે બાળકોનો નમ્ર પિતા અને ફિલ્મ ઉદ્યોગમાં પોતાનું સ્થાન પાછુ મેળવવા માગતા કલાકાર તરીકે ઓળખાવે છે. પ્રસિદ્ધ ફિલ્મી પરિવારમાંથી આવતો હોવા છતાં તે નમ્રપણે પોતાને નવી ઊર્જા અને નવા હેતુ સાથેના નવોદિત તરીકે ઓળખાવે છે. ફરદીનના જીવનમાં મૈત્રી અને વફાદારી સતત કાયમ રહ્યા છે. તે હજી પણ લંડનમાં પોતાના રોકાણ દરમ્યાન રિતેશ દેશમુખ, રમેશ તૌરાની, સાજિદ નડિયાદવાલા અને સાજિદ ખાન સાથે સંપર્ક બની રહ્યાનું યાદ કરે છે. ફરદીનના વર્તમાન પ્રોજેક્ટમાં પણ અક્ષય કુમાર અને અભિષેક બચ્ચન જેવા જૂના મિત્રો અને સહ-કલાકારો સામેલ છે જેમની સાથે ખાસ તો 'ઓમ જય જગદીશ'થી તેનો વિશેષ બોન્ડ રહ્યો છે. તેમની સાથે ફરી કામ કરવાનો અનુભવ ફરદીન માટે સંતોષકારક રહ્યો છે.

પ્રતિભાશાળી ખાન પરિવારમાં જન્મ લેનાર ફરદીનની જીવનશૈલી ઘણાને ઈર્ષ્યા ઉપજાવે એવી હતી. છતાં તેના માતાપિતા તેને અને તેની બહેનને સાધારણ ઉછેર આપવાના આગ્રહી હતા. તેમના ઘરમાં કોઈ ફિલ્મી મેગેઝીનની અનુમતિ નહોતી, સૂવાનો સમય નિશ્ચિત હતો અને પિતાની ઉછાંછળી છબી હોવા છતાં તેમનું ખાનગી જીવન શિષ્તબદ્ધ અને રક્ષણાત્મક હતું.

તેના પિતા મહાન ફિરોઝ ખાનનો પોતાનો ઉછેર પડકારજનક રહ્યો હતો જેણે માત્ર તેર વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી હતી અને મુંબઈમાં સફળ થવા સખત પરિશ્રમ કરવો પડયો હતો. ફરદીન પિતાની દ્રઢતા, બલિદાન અને જૂના મૂલ્યો માટે ઊંડો આદર ધરાવે છે. ફરદીન યાદ કરે છે કે પ્રસિદ્ધ ફિલ્મી પરિવારમાં જન્મ થવા છતાં તેને ઘરકામ આપવામાં આવતું અને ક્યારેય વિશેષ સવલત નહોતી અપાઈ.

વિશ્વને જ્યારે ફિરોઝ ખાનમાં ગ્લેમર અને કરિશ્મા નજરે પડતા હતા ત્યારે ફરદીન તેમનાથી અંજાઈ ગયો હતો અને ભયભીત પણ રહેતો. તેમનો સંબંધ આદર અને ઔપચારિક રહ્યો, ફિરોઝ પુત્ર પ્રત્યે રક્ષણાત્મક હતા પણ તેમની લાગણીનું સીમિત પ્રદર્શન કરતા. ફરદીન માતા અને નાનીથી વધુ નજીક રહેતો, જે બંનેએ તેને ભાવનાત્મક ભૂમિ પૂરી પાડી. અગાઉ એર ઈન્ડિયામાં ફ્લાઈટ અટેન્ડન્ટ રહેલી ફરદીનની માતા પતિ ફિરોઝ ખાનના સ્વભાવથી વિપરીત સ્વતંત્ર અને કાળજી રાખનાર સ્વભાવની હતી.

પિતા ફિરોઝ ખાન પુત્રના અભ્યાસ બાબતે કોઈ બાંધછોડ નહોતા કરવા માગતા. ફરદીન પ્રારંભમાં લોસ એન્જલસ અને ન્યુ યોર્કમાં પાર્ટીઓમાં વ્યસ્ત રહ્યો હોવા છતાં તેણે આખરે પિતાના આગ્રહથી મેસેશુસેટ્સ યુનિવર્સિટીમાં બિઝનેસની ડીગ્રી મેળવી. પોતે ઔપચારિક અભ્યાસ મેળવી ન શક્યો હોવાથી ફિરોઝ માટે તેનું મૂલ્ય ઘણુ હતું. ફરદીન માટે આ તબક્કો આત્મખોજનો મહત્વનો હિસ્સો બની રહ્યો.

એક બાળક તરીકે ફરદીનને ફિલ્મી દુનિયાની ઝાંખી મળી હતી. તેને હજી યાદ છે દિલ્હીમાં કુરબાનીના પ્રીમિયર દરમ્યાન ભારે ભીડ જમા થઈ હતી. એ સમયે ફરદીનને પિતાના સ્ટારડમનો અહેસાસ થયો. આ પળ ફરદીન માટે નિર્ણાયક હતી જેમાં તેને ફિલ્મ ઉદ્યોગમાં તેના પિતાના સન્માન અને કદરની જાણકારી મળી.

જો કે ફરદીને તાત્કાલિક અભિનય ક્ષેત્રમાં ઝંપલાવવાનો નિર્ણય નહોતો લીધો. ૮૦ અને ૯૦ના દાયકામાં બોલીવૂડમાં અભિનય શ્રેત્ર પ્રતિષ્ઠિત નહોતું માનવામાં આવતું અને એ સમયે પશ્ચિમી ફિલ્મોથી લોકો વધુ પ્રભાવિત હતા. જો કે લોકોની અપેક્ષા અને ખાસ તો બોબી દેઉલની સફળતાએ ફરદીનને ફિલ્મી કારકિર્દી તરફ પ્રેરિત કર્યો.

લગ્ન પણ ફરદીન માટે સહજ વિકલ્પ નહોતો. તેનો ઉછેર એવા વાતાવરણમાં થયો હતો જ્યાં લગ્નને રોમેન્ટિક સંબંધના સ્થાને બાળકો જન્મ આપવાની વ્યવસ્થા તરીકે જોવામાં આવતા. જો કે નતાશા સાથે લગ્ન પછી તેને સથવારા અને પ્રસિદ્ધિથી વધુ ઊંડી લાગણીની ઈચ્છા થઈ. ફરદીનના મતે પ્રસિદ્ધિ ઘણીવાર સંબંધોને ગૂંચવણમાં નાખે છે અને તેનાથી ખરી લાગણીને છબિ સાથે સંકળાયેલી ઘેલછાથી અલગ કરવી મુશ્કેલ બને છે.

કારિકર્દીમાં મળેલી નિષ્ફળતા બાબતે પણ ફરદીન નિખાલસ અને સભાન છે. તે કબૂલ કરે છે કે તેણે પોતાને મળેલી તકોને યોગ્ય ન્યાય નહોતો આપ્યો. ફિલ્મોમાં અવસર અને સ્રોતની પહોંચ હોવા છતાં તે કાર્ય પ્રત્યે નિરસ અને લાપરવાહ રહ્યો. ભૂતકાળને યાદ કરતા ફરદીન કળા પ્રત્યે પોતાની ઉપેક્ષા અને પોતે કરેલો અનાદર સ્વીકારે છે. આ અહેસાસ તેના માટે આંખ ઉઘાડનારો અને તેને નમ્ર બનાવનાર રહ્યો છે.

આજે ફરદીન પોતાના વિશે ઊંડી સમજ, વધુ ભાવનાત્મક સ્પષ્ટતા અને પોતાના વ્યવસાય માટે નવા આદર સાથે ફિલ્મ ઉદ્યોગમાં પાછો ફર્યો છે. પ્રસિદ્ધિ, પારિવારીક વિરાસત, અંગત ખોટ અને સ્વ-જાગૃતિથી આકાર પામેલી તેની સફર પુનર્નિર્માણની શાંત શક્તિને પ્રતિબિંબિત કરે છે.

Tags :