નિષ્ફળતા નવી તકો લઈને આવે જ છે: ઈમ્તિયાઝ અલી
- ઇમ્તિયાઝ અલી પંજાબી ગાયક અમર સિંહ ચમકીલાની બાયોપિક પર કામ કરી રહ્યા છે. એમની પાસે બીજી બે સ્ક્રિપ્ટ તૈયાર છે. એકમાં ઈશાન ભારતનું બેકડ્રોપ છે, બીજીમાં તુર્કીનું.
'રોકસ્ટાર' અને 'જબ વી મેટ' જેવી સુપર હિટ ફિલ્મો આપનાર ઈમ્તિયાઝ અલી બોલિવુડના સૌથી ક્રિયેટીવ અને પ્રયોગશીલ ફિલ્મમેકરો પૈકીના એક છે. એમની છેલ્લી બે ફિલ્મો 'જબ હેરી મેટ સેજલ' અને 'લવ આજકલ' (૨૦૨૦) બૉક્સ ઑફિસને રિઝવી નથી શકી. છતાં એને કારણે ઈમ્તિયાઝ લગીરે નાસીપાસ નથી થયા. તેઓ દ્રઢપણે માને છે કે નિષ્ફળતા હમેશાં એના માટે નવા દ્વાર ખોલતી આવી છે. જે પ્લાન બનાવ્યા હતા એમાંથી મોટા ભાગના કારગત નથી નીવડયા. ખરું પૂછો તો હું એક કોપીરાઈટરની જોબ કરવા ઈચ્છતો હતો, પણ એ ન બન્યું. મને એક ફિલ્મ પ્રોડક્શન કંપનીમાં જોબ મળી અને થોડાં વરસોમાં હું ડિરેક્ટર બની ગયો. મેં તો કદી ફિલ્મ ડિરેક્ટર બનવાનું વિચાર્યું પણ નહોતું. આવી ઘણી નિષ્ફળતા મને નવી ઊંચાઈ પર લઈ ગઈ છે. નિષ્ફળતાએ મારા માટે ઘણા દરવાજા ખોલ્યા છે, એમ આ બોલ્ડ ફિલ્મમેકર કહે છે.
હાલ તેઓ જાણીતા પંજાબી ગાયક અમર સિંહ ચમકીલાની બાયોપિક પર કામ કરી રહ્યા છે. એ ઉપરાંત એમની પાસે બીજી બે સ્ક્રિપ્ટ તૈયાર પડી છે. એ વિશે વાત કરતાં ઈમ્તિયાઝ કહે છે, 'મેં અમુક સ્ક્રિપ્ટ લખી છે. મેં ઈશાન ભારત વિશે કંઈક લખ્યું છે. આ ઉપરાંત તુર્કી અને એના મારા પ્રવાસ વિશે લખ્યું છે. બંનેમાં રોમાન્સનો, સમાવેશ છે એમ કહી શકાય.'
આમેય ઇમ્તિયાઝ અલી રોમાન્સ વિના કોઈ ફિલ્મ બનાવે એવી કલ્પના કરવી મુશ્કેલ છે. એમની આગામી ફિલ્મ 'અમરસિંહ ચમકીલા'માં દિલજિત દોસાંજ અને પરિણીતી ચોપરા લીડ રોલમાં છે.