મમતા સામે સૌએ ઝુકવું પડે... રાષ્ટ્રે પણ!
- બોલિવુડની તેજસ્વી મહિલા ડિરક્ટરોની સૂચિમાં હવે આશિમા છિબ્બરનું નામ ઉમેરાયું છે
હિન્દી ફિલ્મ જગતમાં મહિલા નિર્માત્રીઓ અને દિગ્દર્શિકાઓની સંખ્યા બહુ ઓછી છે. રીમા કાગતી, દીપા મહેતા, મીરા નાયર, તનુજા ચંદ્રા, મેઘના ગુલઝાર, ફરાહ ખાન વગેરેએે ફિલ્મ પ્રેમીઓને માણવાલાયક ફિલ્મોની ભેટ આપી છે.
હવે મહિલા દિગ્દર્શકોની આ જ યાદીમાં અશીમા છીબ્બરનું નામ પણ ઉમેરાયું છે. અશીમા છીબ્બરે ૨૦૧૩માં પહેલી જ વખત 'મેરે ડેડ કી મારુતિ' નામની ફિલ્મ બનાવી છે. જોકે તે ફિલ્મમાં સાકીબ સલીમ, રિહ્યા ચક્રવર્તી, રામ કપૂર જેવાં પ્રમાણમાં ઓછાં જાણીતાં નામ હતાં.
હવે અશીમા છીબ્બરે ૨૦૨૩માં 'ચેટરજી વર્સીસ નોર્વે' નામની વધુ એક ફિલ્મનું સર્જન કર્યું છે. આ નવી ફિલ્મમાં રાની મુકરજી જેવું મોટું અને સફળ નામ છે. સાથોસાથ ફિલ્મની કથા પણ રાની મુખરજી એટલે કે દીબિકા ચેટરજી નામની માતાની ભૂમિકા આસપાસ ફરતી રહે છે. ફિલ્મમાં અનીર્બાન ભટ્ટાચાર્ય, નીના ગુપ્તા, જીમ સર્ભ વગેરે કલાકારોનાં પણ મહત્વનાં પાત્ર છે.
કુછ કુછ હોતા હૈ, ગુલાબ, સાથિયા, ચલતે ચલતે, હમ તુમ, વીર-ઝારા, કભી અલવિદા ના કહેના, બ્લેક, નો વન કિલ્ડ જેસીકા, તલાશ, મર્દાની, મર્દાની-૨ વગેરે સફળ ફિલ્મોમાં મજેદાર પાત્રો ભજવનારી રાની મુકરજીએ 'ચેટરજી વર્સીસ નોર્વે' ફિલ્મમાં એક સંવેદનશીલ માતાની યાદગાર ભૂમિકા ભજવી છે. આમ પણ રાની મુકરજીએ અગાઉ બ્લેક, વીર-ઝારા, તલાશ, નો વન કિલ્ડ જેસીકા, મર્દાની-૨ વગેરે ફિલ્મોમાં પડકારરૂપ ભૂમિકાઓ ભજવીને તેની અભિનય પ્રતિભાનો પરિચય આપી દીધો છે.
'ચેટરજી વર્સીસ નોર્વે' ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત સુંદર ફિલ્મ છે. સાથોસાથ, ભારતીય પરિવાર (માતા, પિતા, સંતાનો) વિશેના ભરપૂર લાગણીશીલ સંબંધો બાબતમાં સાવ જ કોરુંધાકોર, અપમાનજનક, કાયદાની ભાષાનું વલણ ધરાવતી નોર્વેની સરકારના ચહેરા પર સણસણતો લાફો પણ છે.
'ચેટરજી વર્સીસ નોર્વે' ફિલ્મની કથા કહે છે કે દીબિકા ચેટરજી(રાની મુકરજી) તેના પતિ અનિરુદ્ધ ચેટરજી (અનીર્બાન ભટ્ટાચાર્ય) અને બે બાળકો શુબ, સુચી સાથે નોર્વે જાય છે. નોર્વેનું નાગરિકત્વ મેળવવા માટે દીબિકા અને અનિરુદ્ધ કાનૂનની અટપટી પ્રક્રિયામાંથી પસાર થાય છે. આ જ પ્રક્રિયા દરમિયાન નોર્વેના સરકારી અધિકારીઓને એવી શંકા જાય છે કે ચેટરજી પરિવારનાં બંને બાળકો શુબ અને સુચી તેમનાં ઘરમાં જરાય સલામત નથી. પરિણામે નોર્વેના સરકારી અધિકારીઓ બંને બાળકોને દીબિકાની મરજી અને મંજુરી વિરુદ્ધ ઘરેથી સરકાર સંચાલિત બાળ કલ્યાણ કેન્દ્રમાં લઇ જાય છે.
બસ, આ જ તબક્કે દીબિકા ચેટરજીની લાગણીસભર છતાં એક હિંમતબાજ માતા તરીકેની ભૂમિકા શરૂ થાય છે. એટલે કે દીબિકા ચેટરજી તેનાં બંને કુમળાં અને નિર્દોષ બાળકોનો કબજો મેળવવા આકાશ- પાતાળ એક કરી દે છે. નોર્વે સરકાર સામે રીતસર જંગે ચડે છે.
'ચેટરજી વર્સીસ નોર્વે' ફિલ્મની કથા સત્ય ઘટના પર આધારિત છે. એટલે કે ૧૨ વરસ પહેલાં ભારતની સાગરિકા ચક્રવર્તી નામની માતાનાં બે બાળકો - ફક્ત બે વર્ષનો પુત્ર અને પાંચ મહિનાની પુત્રીને તેમના ઘરેથી નોર્વ સરકારના બાળ કલ્યાણ વિભાગના અધિકારીઓ સાંસ્કૃતિક મુદ્દાનું કારણ આપીને લઇ ગયા હતા. જોકે સાગરિકા ચક્રવર્તીની જબરી કાનૂની લડાઇ અને તે વખતની ભારત સરકારના પ્રચંડ રાજકીય દબાણથી નોર્વેની સરકારે બંને બાળકો તેની માતા સાગરિકા ચક્રવર્તીને પાછાં સાંપી દેવાં પડયાં હતાં.
'ચેટરજી વર્સીસ નોર્વે' ફિલ્મમાં અશીમા છીબ્બરે દિગ્દર્શિકા તરીકે એક માતાની પીડા અને કાનૂની સંઘર્ષનાં પાસાં વેધક રીતે રજૂ કર્યાં છે. ભારતીય માતા પોતાનાં સંતાનોને પાછાં મેળવવા જે માનસિક પરિતાપ ભોગવવા સાથોસાથ લોખંડી મનોબળથી નોર્વે સરકાર સામે જંગ લડે છે તેની વેધક અસર સિનેમાગૃહમાં બેઠેલાં દર્શકોનાં મન-હૃદય સુધી જરૂર પહોંચે છે.
સાથોસાથ, સાગરિકા ચક્રવર્તી અને પેલાં નિર્દોષ ભૂલકાં પ્રત્યે ભારોભાર સહાનુભૂતિ પણ થાય છે. આમ છતાં છેલ્લા તબક્કાનાં દ્રશ્યોમાં આખી ફિલ્મની સંવેદનશીલતા જાણે કે મંદ થઇ ગઇ હોય તેવું ચિત્ર ઉપસે છે.
આમ છતાં ફિલ્મમાં રાની મુકરજીએ પોતાનાં સંતાનોના વિરહમાં આકુળવ્યાકુળ બનતી, નોર્વે સરકારને બરાબર પાઠ ભણાવવા ઝઝૂમતી માતાના પાત્રની વિવિધ સંવેદના વ્યક્ત કરી છે. નારી શક્તિનો બળુકો પરિચય આપવામાં સફળ રહી છે.