દર વખતે મારે અભિનયક્ષમતા પૂરવાર કરવી પડે છે : ફાતિમા સના શેખ
- 'માતાપિતા તમને માત્ર પ્રેરણા આપી શકે, પણ આખરે વાસ્તવિક સંઘર્ષ તો તમારે જ કરવો પડે છે.'
બાળ કલાકાર તરીકે કારકિર્દી શરૂ કરનાર ફાતિમા સના શેખ ૨૦૧૬માં આવેલી તેની પહેલી જ ફિલ્મ 'દંગલ'થી લોકપ્રિય થઈ ગઈ હતી. ફાતિમા પોતાના રોલની પસંદગી બાબતે ખૂબ જ સાવધાની વર્તે છે. તે એવી જ ફિલ્મો પસંદ કરે છે જે મોટા બજેટની હોવા ઉપરાંત તેના રોલ પણ દમદાર હોય.
એની લેટેસ્ટ ફિલ્મ 'ધક ધક' મહિલા સશક્તિકરણના થીમ પર આધારિત છે. ફાતિમા માને છે કે માત્ર બાઈક ચલાવવાથી અથવા ઘરનાં કામ ન કરવાથી સ્ત્રી સ્વાતંત્ર્ય નથી આવી જતું. તમે તમારાં બીજાં તમામ કામ કેવી રીતે કરો છો, અન્યો પ્રત્યે તમારો અભિગમ અને તમારાં મંતવ્યો કેવાં છે, જીવન તમે કેટલી ગંભીરતાથી જીવો છો તે મહત્ત્વનું છે. ઘણા માને છે કે સમાજની અવગણના કરવી તે મહિલા સ્વાતંત્ર્ય છે. એવું નથી. હું મારી જાતની દરકાર કરું છું તે મારા માટે મહત્ત્વનું છે. આપણા સમાજમાં મહિલાઓએ અનેક નિયંત્રણોનો સામનો કરવો પડે છે. પણ જો તમે આવા અન્યાય સામે અવાજ નહીં ઉઠાવો તો મહિલાઓની આગામી પેઢી માટે સ્વાતંત્ર્ય અત્યંત દુષ્કર બાબત બની જશે. પરિવર્તન આવતાં સદીઓ વીતી જાય છે. કોઈએ તો શરૂઆત કરવી જ પડે છે.'
'સેમ બહાદુર'માં મેઘના ગુલઝાર સાથે કામ કરવાના અનુભવને અભૂતપૂર્વ વર્ણવતા ફાતિમા જણાવે છે કે મેઘના ગુલઝાર પોતાના કલાકારોની અત્યંત કાળજી રાખનારી દિગ્દર્શક છે. તેની પાસે પોતાના કાર્યની પૂરતી જાણકારી હોય છે. આથી જ મેઘના ગુલઝાર સાથે કામ કરવું ખૂબ જ સરળ થઈ પડે છે. મેઘનાને જાણ છે કે તેને કલાકારો પાસેથી શું જોઈએ છે. પોતાની ફિલ્મો માટે એ પૂરતુ રિસર્ચ કરી રાખે છે. તેનું રિસર્ચ એટલું તો ઝીણવટભર્યું હોય છે કે તમે કોઈ નાની અમથી બાબતની અવગણના ન કરી શકો. મેઘના ખરેખર એક અદ્ભુત દિગ્દર્શક છે. તેની સાથે મને કામ કરવાનો અનુભવ મળ્યો તેના માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું.
'સેમ બહાદુર'માં ફાતિમાએ ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી હતી. ફાતિમા માને છે કે અગાઉ ક્યારે પણ ન ભજવી હોય તેવી ભૂમિકા ભજવવાનો આનંદ અનેરો છે. મેઘનાએ ઈન્દિરા ગાંધીની ભૂમિકા માટે મેકઅપ પર ઓછું અને તેમના અભિગમ પર વધુ ધ્યાન આપવા જણાવ્યું હતું.
આ ફિલ્મમાં વિકી કૌશલ સાથે કામ કરવાના અનુભવને પણ ફાતિમાએ મહત્ત્વનો ગણાવ્યો છે. ફાતિમા માને છે કે વિકી કૌશલ એક અદ્ભુત સ્ટાર છે. તેની તમામ ફિલ્મો આગલી ફિલ્મ કરતા બહેતર હોય છે. તે પોતાના રોલ પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત થઈ જાય છે. એથી જ તે સેમ માણેક શૉનું પાત્ર અદભુત રીતે નિભાવી શક્યો.
ફાતિમાની કારકિર્દી ખૂબ જ નાની વયે એક બાળકલાકાર તરીકે શરૂ થઈ. માતાપિતા તેને કલાકાર બનાવવા ઈચ્છતા હોવાથી તેની પાસે અન્ય કોઈ વિકલ્પ નહોતો. ફાતિમા માને છે કે માતાપિતા તમને માત્ર પ્રેરણા આપી શકે, પણ આખરે વાસ્તિવક સંઘર્ષ તો તમારે જ કરવો પડે છે. આવું તમામ ક્ષેત્ર માટે લાગુ પડે છે, પણ ફિલ્મોની બાબતમાં તમે સ્પોટલાઈટમાં હોવાથી તરત સૌનું ધ્યાન જાય છે.
'દંગલ'માં ઉત્તમ અભિનય કરવા છતાં ફાતિમાએ હજી પણ પોતાને એક કલાકાર તરીકે સ્થાપિત કરવી પડે છે. ફાતિમાએ આ પડકારને અપનાવી લીધો છે અને પોતાની દરેક ફિલ્મને તે એક પરીક્ષા તરીકે સ્વીકારે છે.
ફાતિમા માને છે કે કોવિડ મહામારીએ આપણને પડકારો સામે ટકી રહેતા શીખવ્યું છે. કોવિડે આપણને જીવન અનિશ્ચિત હોવાની શીખ આપી છે. આથી મહત્વનું છે કે આપણે માત્ર આપણી પ્રતિભા અને કુશળતા પર ધ્યાન આપીએ.
ફાતિમાને પોતાના કામની પ્રશંસા ન થાય તો ચિંતા થવા લાગે છે. 'દંગલ' પૂરી થયા પછી તેને ટેન્શન હતું કે તેનું કામ લોકોને પસંદ આવશે કે કેમ? પણ જ્યારે તેના અભિનયની પ્રશંસા થઈ ત્યારે તેને નિરાંત થઈ.
ફાતિમાને હવે ફરીવાર અનુરાગ બાસુ સાથે કામ કરવું છે. ઉપરાંત વિશાલ ભારદ્વાજ, રાજુ હિરાણી, સંજય લીલા ભણશાલી અને કોંકણા સેન શર્મા સાથે પણ તેને કામ કરવાની હોંશ છે.