સદાબહાર દેવ આનંદની એવરગ્રીન પારિવારિક દાસ્તાન
- આનંદ ફેમિલી
દે શભરમાં પર્સનાલિટી ડેવલપમેન્ટની હાટડીઓ ચાલી રહી છે. વિશ્વભરમાં ૨૦૨૩માં પર્સનાલિટી ડેવલોપમેન્ટનું માર્કેટ ૪૧.૨ અબજ ડોલર રહ્યું હતું. એક અંદાજ મુજબ, ૨૦૩૨ સુધીમાં તે ૮૧.૬ અબજ ડોલરને પાર કરવાની સંભાવના છે. આ સ્થિતિમાં ભારતીય સિનેમાનો એક સદાબહાર સિતારો યાદ આવે છે, કે જેની બોલવા, ચાલવા, નાચવા, ગાવા, વિચારવાની સાથે બ્લેક સૂટ અને ટોપી પહેરવાની સ્ટાઈલ અનોખી હતી. તેની દરેક વાત પર એમની પર્સનાલિટીની સજ્જડ સ્ટેમ્પ હોય. તેને એક તબક્કે બ્લેક સૂટ પહેરવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. કારણ એવું કે, કહેવાય છે કે, તેને બ્લેક સૂટમાં જોઈને ચાહક મહિલાઓ બિલ્ડિંગ પરથી કૂદી પડતી હતી. લગ્ન જેવી બાબતમાં પણ તેણે કમાલ કરી હતી. એક ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું, તેની વચ્ચે આ સાહેબે એક કલાકનો બ્રેક લીધો હતો અને પરત આવ્યા ત્યારે તો ફિલ્મની અભિનેત્રી તેમની પત્ની બની ગઈ હતી. કયો સામાન્ય માણસ આવી રીતે લગ્ન કરે? પણ આમની તો વાત જ કંઈક જુદી હતી.
વિશ્વના ઈતિહાસનો સૌથી મોટો કોમેડિયન ચાર્લી ચેપ્લિન તેને સ્વિટ્ઝર્લેન્ડમાં મળ્યો ત્યારે તે પણ તેનાથી પ્રભાવિત થઈ ગયો હતો. આ સ્ટાર ખોટાને ખોટું કહેવાની હિંમત રાખતો હતો. તત્કાલીન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીએ લાદેલી ઈમરજન્સી તેને વ્યક્તિ સ્વાતંત્ર્ય પર તરાપ લાગતાં તેણે લડી લેવાનું મન બનાવી લીધું હતું. તેણે આ માટે ૧૯૭૭માં નેશનલ પાર્ટી ઓફ ઈન્ડિયાની રચના કરી હતી. ચૂંટણીમાં જોકે જીત તેનાથી દૂર રહીં.
આ સ્ટાર પાસેથી શીખવા જેવું આ છે - જેવા હોઈએ એવા જ દેખાવું. આ શીખ આપનાર સ્ટાર એટલે, ભારતીય સિનેમાના સદાબહાર દેવ આનંદ... રાજ કપૂર, દિલીપકુમાર અને દેવ આનંદની પ્રખ્યાત હિન્દી સિનેમા પર રાજ કર્યું હતું. આનંદ પરિવારના ત્રણ ભાઈઓએ મળીને ૧૯૪૯માં નવકેતન ફિલ્મસની સ્થાપના કરી હતી. આવો આ પરિવાર વિશે જાણીએ..
પહેલી પેઢી
ચેતન આનંદ
હાલના પાકિસ્તાનના લાહોરમાં જન્મેલા ચેતન આનંદ ૧૯૩૦ના દાયકામાં કોંગ્રેસ પાર્ટીના સદસ્ય હતાં. તેમણે બીબીસી માટે પણ થોડા સમય માટે કામ કર્યું હતું. તેમના જીવનમાં પ્રતિષ્ઠિત દૂન સ્કૂલની નોકરી ટનગ પોઈન્ટ સાબિત થઈ હતી. તેમણે આ દરમિયાન 'રાજા અશોક'ની એક ફિલ્મની સ્ક્રિપ્ટ લખી હતી. મિત્રોની સલાહ પર તેઓ આ ફિલ્મની સ્ટોરી વેચવા મુંબઈ આવ્યા ત્યારે તેમની મુલાકાત દિગ્દર્શક ફણી મજૂમદાર સાથે થઈ હતી. રાજા અશોકની વાર્તા કરતાં મજૂમદારને તેમની સ્ટાઈલ પસંદ પડતા ચેતનને ફિલ્મ રાજકુમારમાં લીડ રોલ આપ્યો હતો. ચેતન આનંદની ફિલ્મ 'નીચા નગર'ને વર્ષ ૧૯૪૬માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં અવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ૧૯૫૦ના દાયકામાં તેમણે નાના ભાઈ દેવ આનંદ સાથે મળીને નવકેતન પ્રોડકશન્સની સ્થાપના કરી હતી. બંને ભાઈઓએ સાથે મળીને 'અફસર', 'ટેક્સી ડ્રાઈવર' અને 'આંધિયા' જેવી ફિલ્મો બનાવી હતી. અનેક સુપરહિટ ફિલ્મો આપનાર ચેતન આનંદે જ હિન્દી ફિલ્મ જગતના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાને ટેલેન્ટ હંટ પ્રતિયોગિતામાંથી શોધી કાઢયા હતા. તેમણે ઉમા ચેટર્જી સાથે લગ્ન કર્યાં હતાં. ઉમા ચેટર્જીની માતા દેવ આનંદની પત્ની કલ્પના કાતકની પિતરાઈ બહેન હતી. ઉમા અને ચેતનને બે સંતાનો છે, કેતન અને વિવેક આનંદ.
દેવ આનંદ
દેવ સાહેબનો જન્મ ૨૬ સપ્ટેમ્બર, ૧૯૨૩ના રોજ બ્રિટિશ ઈન્ડિયાના ગુરદાસપુર જિલ્લામાં થયો હતો. વ્યવસાયે વકીલ એવા પિતા પિશોરી લાલ આનંદે તેમને ધર્મદેવ નામ આપ્યું હતું. દેવ આનંદ કુલ ૯ ભાઈ-બહેનો પૈકીના એક. તેમના ત્રણ ભાઈઓ એટલે મનમોહન આનંદ, ચેતન આનંદ અને વિજય આનંદ. એમની પાંચ બહેનો એટલે સાવિત્રી આનંદ, શીલા આનંદ, કાંતા કપૂર, લતા બોની સરીન અને ઉષા મધોક.લાહોરની ગવર્મેન્ટ કોલેજમાંથી અંગ્રેજી સાહિત્યમાં બી.એ. કર્યા બાદ દેવ આનંદ મુંબઈ આવ્યા હતા. તેમણે શરૂઆતના દિવસોમાં ચર્ચગેટ ખાતે મિલિટરી સેન્સરની ઓફિસમાં રૂપિયા ૬૫ના માસિક પગારથી નોકરી શરૂ કરી હતી. આ દરમિયાન આર્મી જવાનોના પત્રો તેમની પાસે આવતા હતા. તેમણે જાણે આ પત્રોને જ સાહિત્ય માની લીધા હતાં. દરેક પત્ર વાંચ્યા બાદ દેવ સાહેબ તેમાં ખોવાઈ જતા. બંને પક્ષોની લાગણીઓને સમજવાનો પ્રયાસ કરતા. એક એકાઉન્ટિંગ પેઢીએ તેમને રૂપિયા ૨૦ના પગાર વધારા સાથે નોકરી ઓફર કરતાં દેવ આનંદે આ નોકરી ક-મને છોડવી પડી હતી. આ દરમિયાન ગમતું કામ શોધવા માટે તેઓ અનેક ફિલ્મ નિર્માતાઓની ઓફિસના ધક્કા ખાતા હતા. યોગાનુયોગે પ્રભાત ફિલ્મ સ્ટુડિયોની આવી જ એક રુટિન મુલાકાત સમયે સ્ટુડિયો માલિક બાબુરાવ પાઈની નજર તેમના પર પડી હતી. બાબુરાવને યંગ છોકરાની સ્માઈલ અને આત્મવિશ્વાસ પસંદ પડતા તેને 'હમ એક હૈ'માં બ્રેક આપ્યો હતો.
દેવ આનંદે 'ગાઈડ', 'હમ દોનોં' અને 'જ્વેલ થીફ' જેવી અનેક આઈકોનિક ફિલ્મો આપી છે. 'ગાઈડ' એવી ફિલ્મોમાંની એક છે, જેણે દર્શકોના દિલોમાં દાયકાઓ સુધી રાજ કર્યું છે. આર. કે. નારાયણની નવલકથા પર આધારિત આ ફિલ્મને ક્લાસિક હોલિવુડની ડાર્ક, લાઈટ-એન્ડ-શેડો શૈલીમાં તૈયાર કરવામાં આવી હતી. આ ફિલ્મનું ૧૨૦ મિનિટનું અમેરિકન સંસ્કરણ પણ બનાવવામાં આવ્યું હતું. આ રીમેકની સ્ક્રિપ્ટ પર્લ બકે લખી હતી અને ટેડ ડેનિવસ્કીએ તેનું દિગ્દર્શન અને નિર્માણ કર્યું હતું. દેવ આનંદે આ ફિલ્મ માટે વહીદા રહેમાનને હિરોઈન તરીકે લેવાનો આગ્રહ રાખ્યો હતો, જેનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો. અમેરિકાનું સંસ્કરણ સુપર ફ્લોપ રહ્યું હતું. આ ફિલ્મને ૪૨ વર્ષ પછી ૨૦૦૭ના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવી હતી. ૨૦૧૨માં ટાઈમ મેગેઝિને 'ગાઈડ' ફિલ્મને શ્રેષ્ઠ બોલિવુડ ક્લાસિક્સની યાદીમાં ચોથું સ્થાન આપ્યું હતું. દેવ આનંદે ૬૫ વર્ષની કારકિર્દીમાં કૂલ ૧૧૮ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમાંથી ૧૧૬ હિન્દી હતી, બે અંગ્રેજી હતી. તેમણે ઝિન્નત અમાનથી લઈને ટીના મુનિમ, ટબુ, જેકી શ્રોફ જેવાં સ્ટાર્સને બ્રેક આપ્યો હતો. ટીવી અને બોલિવુડ ફિલ્મોમાં જોવા મળતા અભિનેતા અક્ષય આનંદને દેવ આનંદે નામ આપ્યું છે. અક્ષય આનંદનું સાચું નામ જ્હોન ગાર્ડનર છે.
દેવ આનંદે ૧૯૫૪માં ફિલ્મ 'ટેક્સી ડ્રાઈવર'ના શૂટિંગના બ્રેક દરમિયાન સહ-કલાકાર કલ્પના કાતક ઉર્ફે મોના સિંહા સાથે લગ્ન કર્યાં હતાં. તેમને બે બાળકો છે, સુનિલ આનંદ અને દેવીના આનંદ. કલ્પના કાતક લગ્ન બાદ ફિલ્મોમાંથી રિટાયર્ડ થઈ ગયાં હતાં.
દેવ-સુરૈયાનો અધૂરો પ્રેમ
દેવ આનંદ ૧૯૪૮થી ૧૯૫૧ દરમિયાન સુરૈયા સાથે રિલેશનશિપમાં હતાં. દેવે સુરૈયાને ૩૦૦૦ રૂપિયાની ડાયમંડ રિંગ પણ ભેટમાં આપી હતી, પરંતુ સુરૈયાની નાનીએ બંનેને અલગ કરવા તમામ પ્રકારના દાવપેચ રમ્યાં હતાં. દેવ આનંદ જ્યારે લેન્ડલાઈન પર સુરૈયાને ફોન કરે તો હિટલર નાની સામેથી ધમકી આપતી હતી કે, 'ફરી ફોન કર્યો છે તો પોલીસ કેસ કરી દઈશ!' આ ધમકીઓ વચ્ચે પણ દેવ આનંદે પોતાના પ્રયાસો ચાલુ રાખ્યા હતા. એક વખત સદનસીબે સુરૈયાની માતાએ ફોન ઉપાડયો હતો અને તેમની વાત સુરૈયા સાથે કરાવી હતી. વાતચીત દરમિયાન સુરૈયાએ તેમને એક મકાનના ધાબા પર મળવા આવવા કહ્યું હતું. આ સમયે દેવને શંકા થઈ કે શું આ નાનીની નવી ચાલ તો નહીં હોયને? દેવ આનંદ છેવટે હિંમત કરીને પોતાના પોલીસ મિત્રને મકાન નીચે ઊભા રાખીને સુરૈયાને મળવા પહોંચ્યા હતા. નજર મળતા જ બંનેની આંખમાંથી આંસુની ધારાઓ વહેવા લાગી હતી. બંને ઘણી મિનિટ સુધી ભેટીને રડતાં રહ્યાં હતાં. સુરૈયાએ ઘટસ્ફોટ કર્યો હતો કે, નાનીએ તેને ધમકી આપી છે કે, તું દેવને છોડી નહીં દે, નહીં તો હું આત્મહત્યા કરી લઈશ. આ દેવ-સુરેયાની છેલ્લી મુલાકાત.
પ્રેમમાં નિષ્ફળતા દેવ આનંદ માટે સૌથી મોટો ઝટકો હતો. દેવ અનેક કલાકો સુધી સુરૈયાની રાહમાં બેસી રહેતા. મોટા ભાઈએ તેમને જીવનનું આ ચેપ્ટર બંધ કરીને આગળ વધવા સમજાવ્યા હતાં. કહેવાય છે કે, કલા દર્દમાંથી જ ઉભરી આવે છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળ્યા બાદ જાણે દેવ આનંદે કહ્યું હોય કે, 'મૈં ઝિંદગી કા સાથ નિભાતા ચલા ગયા... હર ફિક્ર કો ધૂએ મે ઉડાતા ચલા ગયા...' તેમણે આ સમયગાળા દરમિયાન હૃદયસ્પર્શી ફિલ્મો બનાવી હતી. બીજી તરફ, દેવને સર્વસ્વ માનનારી સુરૈયાએ જીવનભર લગ્ન નહોતાં કર્યાં.
વિજય આનંદ
વિજય આનંદ ઉર્ફે ગોલ્ડી આનંદનો જન્મ ૨૨ જાન્યુઆરી, ૧૯૩૪ના રોજ થયો હતો. તેમણે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નિર્માતા, સ્ક્રીનરાઈટર, એડિટર અને અભિનેતા તરીકે અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. ૧૯૫૭માં સુપરહિટ 'નૌ દો ગ્યારહ' તેમની દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ હતી. તેમણે, 'ગાઈડ', 'તીસરી મંઝિલ', 'જ્વેલ થીફ', 'જોની મેરા નામ' જેવી સુપરહિટ ફિલ્મો બનાવી છે. આ સાથે જ તેમણે 'આગ્રા રોડ', 'કાલા બજાર', 'હકીકત', 'કોરા કાગઝ' જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. પ્રતિભાશાળી અને સ્વપ્નદ્રષ્ટા એવા વિજય આનંદનું ૨૦૦૪માં હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું હતું.
વિજય આનંદના જીવનની સૌથી ચોંકાવનારી વાત એ છે કે, તેમણે પોતાની સગી બહેન સાવિત્રીની દીકરી અને પોતાની ભાણી સુષ્મા સાથે લગ્ન કર્યાં હતાં. આ વાતનો ઘટસ્ફોટ દેવ આનંદની બહેન કાંતાના દીકરા રાજીવ ખન્નાએ એક કાર્યક્રમ દરમિયાન કર્યો હતો. આ લગ્નને કારણે દેખીતી રીતે જ પરિવારના તમામ સભ્યો નારાજ થઈ ગયા હતા.
સાવિત્રી કોહલી
દેવ આનંદની બહેન સાવિત્રીનાં પાંચ સંતાનો - ઉમા કોહલી, વિશાલ ઉર્ફે ભીષ્મ કોહલી, સુષ્મા કોહલી (જેની સાથે વિજય આનંદે લગ્ન કર્યાં), હર્ષ કોહલી (પુરબ કોહલીના પિતા) અને અરુણા સાહની.
બીજી પેઢી
કેતન અને વિવેક આનંદ
ચેતન આનંદ અને ઉમા આનંદના દીકરાઓ કેતન અને વિવેક આનંદની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કારકિર્દી ખાસ રહી નથી. જુલાઈ, ૨૦૦૨માં પ્રિયા રાજવંશ નામની અભિનેત્રીની હત્યા કરવા બદલ તેમને અને તેમના બે નોકરોને ઉંમરકેદની સજા ફટકારવામાં આવી હતી. કેતન આનંદે ૫૪માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં 'હકીકત-૨' વેબ સિરીઝની જાહેરાત કરી હતી.
સુનીલ આનંદ
જ્યારે, અસફળ સ્ટાર કિડ્સની વાત આવે ત્યારે તેમાં સુનીલ આનંદનું નામ પહેલું આવે છે. જ્યારે ૧૯૫૬માં દેવ આનંદ અને પત્ની કલ્પના સ્વિટ્ઝર્લેન્ડમાં જાણીતા ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા ગયા હતાં ત્યારે સુનીલનો જન્મ થયો હતો. સુનીલે અમેરિકન યુનિવસટીમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી લીધા બાદ 'આનંદ ઓર આનંદ', 'કાર થીફ', 'મે તેરે લિયે' અને 'માસ્ટર' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ સુનીલ પિતાની વિરાટ પ્રતિભા સામે ખૂબ જ ઝાંખો પડે છે. સુનીલની દરેક ફિલ્મમાં એક જ સમાનતા એ હતી કે, તમામ ફિલ્મો સુપર ફ્લોપ રહી હતીં.
શેખર કપૂર
દેવ આનંદની નાની બહેન શીલાએ કુલભુષણ કપૂર સાથે લગ્ન કર્યાં હતાં. તેમના ઘરે ૬ ડિસેમ્બર, ૧૯૪૫ના રોજ પુત્ર શેખરનો જન્મ થયો હતો. ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે તેમનો પરિવાર હેમખેમ ભારત પહોંચ્યો હતો. પાકિસ્તાનમાં કત્લેઆમ વચ્ચે ટ્રેનમાં બેઠેલી તેમની માતાએ મૃત હોવાનું નાટક કરીને શેખર અને તેમની બહેનને બચાવ્યા હતાં. શેખર કપૂર એક નિર્દેશક અને અભિનેતા છે. બાફ્ટા, નેશનલ ફિલ્મ એવોર્ડ, નેશનલ બોર્ડ ઓફ રિવ્યુ એવોર્ડ અને ત્રણ ફિલ્મફેર સહિત અનેક એવોર્ડ જીતનાર શેખર ટીવી શો 'ખાનદાન'માં પોતાની ભૂમિકા માટે જાણીતા બન્યા હતાં. દિગ્દર્શક તરીકે ૧૯૮૩માં રિલીઝ થયેલી 'માસૂમ' તેમની ડેબ્યુ ફિલ્મ હતી. આ સિવાય તેમણે 'મિસ્ટર ઈન્ડિયા', ડાકુ ફૂલન દેવીના જીવન પર બનેલી 'બેન્ડિટ ક્વીન' જેવી ફિલ્મો બનાવી હતી. વર્ષ ૧૯૯૮માં ફિલ્મ 'એલિઝાબેથ' જેવી ઓસ્કરવિનિંગ ફિલ્મ બનાવીને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી હતી. ૨૦૦૨માં 'ધ ફોર ફેધર્સ' નામની ફિલ્મ બનાવી હતી. ત્યાર બાદ ૨૦૦૭માં એલિઝાબેથ ફિલ્મનો બીજો ભાગ 'એલિઝાબેથઃ ધ ગોલ્ડન એજ' બનાવ્યો હતો.
શેખર લગભગ સાત વર્ષ સુધી શબાના આઝમી સાથે રિલેશનશિપમાં રહ્યાં હતાં. ત્યારબાદ તેમણે પૂર્વ વડાપ્રધાન ઈન્દર કુમાર ગુજરાલની ભાણી મેઘા ગુજરાલ સાથે લગ્ન કર્યાં હતાં. શેખરે મેઘા સાથે ડિવોર્સ બાદ સુચિત્રા કૃષ્ણમૃતિ સાથે લગ્ન કર્યાં. બંનેને એક દીકરી છે, કાવેરી કપૂર. સુચિત્રા અને શેખરે ૨૦૦૭માં ડિવોર્સ લીધા હતા.
શેખરની ત્રણ બહેનો છે. તેમની બહેન નીલુ નવીન નિશ્ચલની પહેલી પત્ની હતી. તેમની બીજી બહેન અરુણાએ પરીક્ષિત સહાની સાથે લગ્ન કર્યાં, જ્યારે તેમની ત્રીજી બહેન શોહેલા કપૂર પત્રકાર અને અભિનેત્રી છે. શોહેલાએ પ્રથમ લગ્ન અનિરુદ્ધ લિમાયે સાથે કર્યાં હતાં. તેણે ડિવોર્સ બાદ કેનેડા સ્થિત અનિલ ચર્નાલિઆ સાથે લગ્ન કર્યાં હતાં, જેમનું ફ્લાઈટમાં હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું.
વિશાલ આનંદ
શેખર કપૂરના માસિયાઈ ભાઈ વિશાલે ઘણી ફિલ્મોમાં ભીષ્મ કોહલી નામ લખાવ્યું છે. આ ફિલ્મો ન ચાલતાં તેણે પોતાનું સાચું નામ વિશાલ આનંદ લખાવવાનું શરૂ કર્યું હતું. મુંબઈમાં જન્મેલા વિશાલ 'ચલતે ચલતે' (૧૯૭૬), 'દિલ સે મિલે દિલ' (૧૯૭૮) અને 'ટેક્સી ડ્રાઈવર' (૧૯૭૩)માં તેમની ભૂમિકાઓ માટે જાણીતા છે. લાંબી માંદગીને કારણે ૪ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ વિશાલ આનંદનું મૃત્યુ થયું.
અભિનેતા અને ભૂતપૂર્વ વીજે પુરબ કોહલી તેનો ભત્રીજો (ભાઈ હર્ષનો પુત્ર) છે.
વૈભવ આનંદ
વિજય આનંદના દીકરા વૈભવ આનંદે ન્યુયોર્કની પ્રખ્યાત લી સ્ટ્રાબર્ગ યુનિવર્સિટીમાંથી અભિનય અને ફિલ્મ મેકિંગનો કોર્સ કર્યો હતો. તેને ૧૪ વર્ષના સ્ટ્રગલ અને ૧૦૦થી વધારે ઓડિશન બાદ એકતા કપૂરની વેબસિરિઝ 'ધ વર્ડિક્ટઃ નાણાવટી વર્સસ સ્ટેટ'માં કામ મળ્યું હતું. આ માટે તેને પ્રતિદિવસ રૂપિયા ૧૮ હજાર મળ્યા હતાં. તેણે રવિ ચોપરા અને સૂરજ બડજાત્યાને આસિસ્ટ કર્યા હતા. સલમાન ખાનના બેનર હેઠળની ફિલ્મ 'હેપ્પી ડેઝ'માં તેની પસંદગી થઈ હતી, પરંતુ આ ફિલ્મ રદ્દ કરવામાં આવી હતી. તેણે આરતી બાગડીની ફિલ્મ 'ચલતી રહે ઝિંદગી'થી પોતાનું બોલિવુડ ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેની મુખ્ય ભુમિકા નહોતી. આ ફિલ્મ પહેલાં તેણે ૨૦૧૦માં વિભુ વિજય આનંદ પિકચર્સની સ્થાપના કરી હતી, પરંતુ તેઓ કોઈ પ્રોજેક્ટ પર કામ કરી શક્યા નહતાં. હાલ તેની કારકિર્દી પણ સુનિલ આનંદ જેવી જ ચાલી રહી છે.
ત્રીજી પેઢી
પુરબ કોહલી
દેવ આનંદની બહેન જાણીતા વીજે અને અભિનેતા પુરબ કોહલીની દાદી છે. આ રીતે પુરબ કોહલી દેવ આનંદનો પૌત્ર થાય. પુરબે એક ૧૯૯૮માં ટીવી સિરિયલ 'હીપ હીપ હુરૈ'થી પોતાનું ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ, તે ચેનલ વીમાં વીજે તરીકે જોડાયો હતો. ઘણી સિરીયલોમાં કામ કરી ચૂકેલા પુરબે ૨૦૦૩માં નંદિતા દાસ સાથે 'બસ યુહીં' ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. તેણે 'માય બ્રધર નિખિલ', 'વો લમ્હેં', 'રોક ઓન' જેવી ફિલ્મો કરી છે. આ સિવાય તે ઘણી વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે. પુરબના પહેલા લગ્ન યામીની નામજોશી સાથે થયાં હતાં. તેઓ ત્રણ વર્ષનાં લગ્નજીવન બાદ છૂટા પડયા હતાં. પછી તેણે ૨૦૧૬માં બ્રિટિશ યોગા ટીચર લ્યુસી પેટન સાથે લગ્ન કર્યાં. લગ્નના એક વર્ષ પહેલા ૨૦૧૫માં તેમના ઘરે દીકરી ઈનાયાનો જન્મ થયો હતો. વર્ષ ૨૦૧૯માં તેમના ઘરે બીજા બાળક ઓશિયન નૂરનો જન્મ થયો હતો.