એવરગ્રીન અજય દેવગન અને ટેલેન્ટેડ તબુનો ટકોરાબંધ પ્રેમ
- 'કોઈ ચોક્કસ ઉંમર સુધી જ પ્રેમમાં પડી શકાય એવું થોડું છે? પ્રેમ અને સંબંધમાં કોઈ અવરોધ હોવા ન જોઈએ. આપણી ફિલ્મો સમાજનું પ્રતિબિંબ છે.'
અ જય દેવગન અને તબુના પ્રોફેશનલ સંબંધની શરૂઆત થઈ હતી છેક ૧૯૯૪માં આવેલી ફિલ્મ 'વિજયપથ'થી. આ સુપરહિટ ફિલ્મનું પેલું 'રૂક રૂક રૂક... અરે બાબા રૂક' ગીત યાદ છેને? હવે આ બંને કલાકારોની વધુ એક ફિલ્મ આવવામાં છે, જેનું નામ છે, 'ઔરો મેં કહાં દમ થા.' અજય દેવગન અને તબુએ કૉલેજમાં અભ્યાસ પણ સાથે કર્યો છે. તેમનો આ સંબંધ ગાઢ અને જૂનો છે. અલબત્ત, આ સંબંધને ફક્ત એક જ નામ આપી શકાય તેમ છે - મૈત્રી. અજય દેવગને કાજોલ સાથે લગ્ન કરી લીધાં અને કરીઅરમાં ઊંચાઈ હાંસલ કરવા માંડી. બીજી બાજુ, હૈદરાબાદમાં રહેતી તબ્બુ હજુ સુધી પરણી નથી, પણ એક કલાકાર તરીકે એણે જ સિદ્ધિઓ મેળવી તે બેનમૂન છે. આ બંને અદાકારોએ તાજેતરમાં મીડિયા સાથે મુક્તમને વાતચીત કરી હતી.
'૨૦૨૪માં પ્રેમ છેલ્લા દાયકામાં જેવો હતો તેવો જ છે. ફક્ત અભિવ્યક્તિની રીત બદલાઈ ગઈ છે. લાગણી હજુ પણ તે જ છે, એમાં કોઈ ફેરફાર નથી આવ્યો,' અજય દેવગણ કહે છે, 'જેમ જેમ આપણી વય વધતી જાય છે તેમ તેમ આપણી લાગણી વધુ તીવ્ર બને છે. આપણે વધુ ઊંડાણથી, વધુ જુસ્સાથી લાગણીઓ અનુભવીએ છીએ. ઘણી વખત તમે ચોક્કસ વય પછી જ તમારી સાચી લાગણીને સમજો છો અને તેની કદર કરો છો. યુવાનીમાં લાગણીઓ ઘણી વાર ખોવાઈ જતી હોય છે.'
તબુ ઉમેરે છે, 'આજે આપણે જોઈએ છીએ કે આપણો સમાજ પ્રેમને વધુ સ્વીકારતો થયો છે અને તે પણ ખાસ કરીને ચોક્કસ વય પછી. આપણી ફિલ્મો સમાજનું પ્રતિબિંબ છે. તેથી જ્યારે સમાજ બદલાય છે ત્યારે અમે તે બદલાવને ફિલ્મોમાં ઝીલવાનો પ્રયાસ કરીએ છીએ કે જેથી દર્શકો તેની સાથે વધુ સારી રીતે રિલેટ કરી શકે. કોઈ ચોક્કસ ઉંમર સુધી જ પ્રેમમાં પડી શકાય એવું થોડું છે?'
તબુ આગળ વધે છે, 'જો આપણે કહીએ કે રોમાન્સ માત્ર ચોક્કસ વય-જૂથ પૂરતો સીમિત છે તો તેની સંપૂર્ણ વ્યાખ્યા બદલાઈ જાય છે. હું માનું છું કે પ્રેમ અને સંબંધમાં કોઈ અવરોધ હોવા ન જોઈએ. આ સંબંધોનું ચિત્રણ આપણા સિનેમાના પાયા સમાન છે.'
આ ફિલ્મના દિગ્દર્શક નીરજ પાંડે છે, જેમણે 'એમ.એસ. ધોની', 'સ્પેશિયલ ૨૬', 'બેબી' વગેરે જેવી કેટલીય ફિલ્મો બનાવી છે. તેઓ કહે છે, 'લવસ્ટોરી તો મારા ભાથામાં રહેલું વર્ષો જૂનું તીર છે. મારે તો છેક ૧૬ વર્ષની વયે લવસ્ટોરી આધારિત ફિલ્મ બનાવવી હતી, પણ મેળ ન પડયો. અંતે મેં લવસ્ટોરી પરથી એક ફિલ્મ બનાવી ખરી, જેમાં નાના અને નવા કલાકારો હતા.'
અજય દેવગને જણાવ્યું, 'નીરજ પાંડેએ મને પટકથા સંભળાવી ત્યારે તે તરત મને ગમી ગઈ હતી. અલબત્ત, હા પાડતી વખતે મને ખાતરી નહોતી કે આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર કેવો દેખાવ કરશે. નીરજે મને કહ્યું: એ હું સંભાળી લઈશ. ડોન્ટ વરી. નીરજ કોન્ફિડન્ટ હતા એટલે મેં ફિલ્મ સાઈન કરી લીધી.'
અજય અને તબુ ઉપરાંત આ ફિલ્મમાં 'ગંગા કાઠિયાવાડી'
ફેમ શાંતનુ મહેશ્વરી અને સાંઈ માંજરેકર છે. આ ફિલ્મમાં સંગીત ઑસ્કાર-વિજેતા એમ. એમ. કરીમે
આપ્યું છે. જોઈએ, 'ઔરોં મેં કહાં દમ થા'નો મેચ્યોર પ્રેમ બોક્સ ઓફિસ પર કેવોક દમ દેખાડી શકે છે.