બે રિલીઝ વચ્ચે પાંચ વરસના ગેપથી પણ પ્રાચીને ફરક પડયો નથી
- 'મેં ઈરાદાપૂર્વક બ્રેક નહોતો લીધો. કોઈ વરસે મારી એક પણ ફિલ્મ ન આવે તો પણ હું ખોટું પ્રેશર અનુભવતી નથી. અમારા બિઝનેસ જ એ પ્રકારનો છે એટલે ખોટું પ્રેશર શા માટે લેવું?'
ટી વી સીરિયલોમાંથી ફિલ્મો અને ફિલ્મોથી વેબ સીરિઝ સુધીની મજલ કાપી ચુકેલી પ્રાચી દેસાઈને જુદા જુદા મીડિયમ્સથી કોઈ ફરક નથી પડતો. એના માટે મીડિયમ ડિસાઇડિંગ ફેક્ટર નથી. પ્રોજેક્ટ સ્વીકારતી વખતે પ્રાચી એ વેબ શો છે કે ફિલ્મ એનો વિચાર નથી કરતી. 'મારા ભાગે આવતા કામને હું મારું બેસ્ટ આપવા ઇચ્છું છું. મારું ફોકસ મારા પરફોર્મન્સ પર હોય છે. જુદા જુદા મીડિયમ્સમાં ટેકનિકલ બાબતો ભલે બદલાતી હોય, પણ એક એક્ટર તરીકે તમારો જોબ તો એક જ રહે છે,' આ ગુજરાતી અભિનેત્રી કહે છે.
પ્રાચી વિશે લેટેસ્ટ ન્યુસ એ છે કે બોલિવુડના બીજા એકટરોની જેમ એણે પણ પોતાના કરીઅરને પુશ આપવા સાઉથ તરફ મીટ માંડી છે. સાઉથના સુપરસ્ટાર નાગા ચૈતન્ય સાથે વેબ શો 'ધૂતા' કરીને એણે તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું છે. એ વિશેનો પોતાનો અનુભવ શેર કરતા પ્રાચી કહે છે, 'એ મારો પહેલો તેલુગુ પ્રોજેક્ટ હતો એટલે હું બહુ નર્વસ હતી. શોના ડિરેક્ટર વિક્રમકુમારે મને ન સમજાતા તેલુગુ શબ્દો યાદ રાખવાની મારી પોતાની રીત અજમાવવાની છુટ આપી. એને લીધે મને ઘણી મોકળાશ મળી અને તેલુગુ સીરિઝમાં કામ કરવાનો મારો અનુભવ યાદગાર બની રહ્યો.'
એક્ટરોની કરીઅર અનિશ્ચિતતાથી ભરેલી હોય છે. ભરપૂર કોશિશ કરવા છતાંય એમની કરીઅરમાં લાંબો બ્રેક આવી જાય છે. પ્રાચી દેસાઈનો દાખલો આપણી સામે છે. ૨૦૧૬માં એની ફિલ્મ 'રોક ઓન-ટુ' આવ્યા પછી લાગલગાટ પાંચ વરસ સુધી એની એક પણ ફિલ્મ રિલીઝ નહોતી થઈ. ૨૦૨૧માં વેબ ફિલ્મ 'સાયલન્સ... કેન યુ હિયર ઇટ?' આવ્યા પછી પ્રાચીનો અવકાશ પૂરો થયો ત્યાર બાદ ફિલ્મનો બીજો ભાગ 'સાયલન્સ ટુ' પણ રિલીઝ થયો. 'રોક ઓન-૨' અને 'સાયલન્સ' વચ્ચેના લાંબા ગેપ માટે કોવિડ-૧૯ની મહામારીને મુખ્ય કારણ ગણાવતા પ્રાચી ખુલાસો કરે છે, 'મેં ઈરાદાપૂર્વક બ્રેક નહોતો લીધો. સંજોગોએ એમાં મોટો ભાગ ભજવ્યો હતો, પણ વાંધો નહીં. હું એક એવી વ્યક્તિ છું કે કોઈ વરસે મારી એક પણ ફિલ્મ ન આવે તો હું ખોટું પ્રેશર અનુભવતી નથી. અમારા બિઝનેસ જ એ પ્રકારનો છે એટલે બધુ સ્વીકારી લેવાનું, ખોટું પ્રેશર શા માટે રાખવું? 'રોક ઓન-ટુ' પછી એકાદ બે વરસ એમને એમ નીકળી ગયા. મારો એક પ્રોજેક્ટ ખોરંભે ચડયો પછી તો કોવિડ ફેલાયો અને એ સમયગાળામાં કોઈ ફિલ્મ રિલીઝ નહોતી થઈ. લકીલી, ઓટીટી મીડિયમમાં તેજી આવી અને હવે મારી પાસે ઘણા ંઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ્સ છે,' એમ કહી પ્રાચી પોતાની વાતને પ્રસન્ન વદને વિરામ આપે છે.