પ્રેગ્નન્સીમાં પણ રિચા ચઢ્ઢા ફિલ્મ પ્રોડક્શનના કામમાં બિઝી
- 'માતૃત્વ જેમ મારા જીવનનો એક નવો અનુભવ છે એમ અલી માટે પિતા બનવાનો એક્સપિરિયન્સ પણ સાવ અનોખો છે. અમે બંને એકદમ મુક્ત માહોલમાં મોટા થયાં છીએ...'
સિનેમા કેટલાંક વ્યક્તિઓના શ્વાસમાં વસે છે. રિચા ચઢ્ઢા અને અલી ફઝલ આવું જ એક કપલ છે. બંને એક્ટર હોવા ઉપરાંત અર્થપૂર્ણ ફિલ્મો બનાવતું પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે. ૨૦૨૧માં એમણે પોતાની પ્રોડક્શન કંપની સ્થાપી હતી. રિચા અને અલીએ ૨૦૨૪ માટે 'ગર્લ્સ વિલ બી ગર્લ્સ', 'પપિતા' અને 'પિન્કી પ્રોમિસ' જેવા પ્રોજેક્ટ્સની જાહેરાત કરી છે. ફિલ્મોના ટાઇટલ પરથી ખ્યાલ આવી જાય છે કે તેઓ પ્રોજેક્ટસની પસંદગી બાબતમાં ખાસ્સાં સીરિયસ છે.
રિચા મમ્મી બનવાની છે અને પ્રેગ્નન્સીના એડવાન્સ સ્ટેજમાં છે. સગર્ભાવસ્થામાં આરામ ફરમાવવાને બદલે એ પોતાના પ્રોડક્શન હાઉસનાં કામમાં બિઝી બિઝી રહે છે. એ ફિલ્મોની સ્ક્રિપ્ટ્સ વાંચી રહી છે અને ભવિષ્યના પ્રોજેક્ટ્સ વિશે વિચારી રહી છે. એ કહે છે, 'હાલ મારું ફોકસ પ્રોડક્શન પર છે. નવી ટેલેન્ટ વિશે વિચારવાનો અને નવા લેખકોનો સંપર્ક કરી એમની સ્ક્રિપ્ટ્સ વાંચવાનો, તેમના વિઝનને સમજવાનો આ જ ખરો સમય છે.'
૩૭ વરસની આ અભિનેત્રી મમ્મી બન્યા બાદ પોતાની એક્ટિંગ કરીઅર પર પૂર્ણવિરામ મૂકવા નથી માગતી. ઈન ફેક્ટ, એ અત્યારથી જ ડિલીવરી બાદ આ વરસના અંતે અથવા ૨૦૨૫ના આરંભે પોતાની આગામી ફિલ્મ માટે શુટિંગનું શેડયુલ બનાવી રહી છે. અલબત્ત, પોતાના નવજાત બાળક સાથે અમૂલ્ય ક્ષણો વીતાવવા માટે પણ એ અધીરી થઈ રહી છે. રિચા કહે છે, 'માતૃત્વ જેમ મારા જીવનનો એક નવો અનુભવ છે એમ અલી માટે પિતા બનવાનો એક્સપિરિયન્સ પણ સાવ અનોખો છે. અમે બંને એકદમ મુક્ત માહોલમાં મોટા થયાં છીએ અને અમારા પેરેન્ટસે અમારા પર કોઈ પ્રકારના અંકુશ લાધ્યા નહોતા એટલે અમે પણ એવું જ કરીશું. આઝાદી આપવાની સાથોસાથ અમે અમારા સંતાનમાં જિજ્ઞાાસાવૃત્તિ સતેજ થાય તેવા પૂરેપૂરા પ્રયત્નો કરીશું...'
રિચા છેલ્લે સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ 'હીરામંડી: ધ ડાયમન્ડ બાઝાર'માં લાજ્જોના રોલમાં જોવા મળી હતી.