ડિપ્રેશનમાં પણ અધ્યયને હાર ન માની અને એને હીરામંડી મળી
- 'મારાં મમ્મી-ડેડી ન હોત તો હું કંઈ કરી ન શકત. બંને મારી પડખે સતત ઊભા રહ્યાં. મોમ-ડેડ બંનેથી હું બહુ નજીક છું, પણ ડેડ સાથે એક અલગ પ્રકારનો જ સંબંધ છે.'
સ્ટા ર-કિડ એક્ટિંગ, ડાન્સિંગ અને જુડો-કરાટેના ક્લાસ કરીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરે એટલે એને પહેલે જ ધડાકે સફળતા મળી જાય એવું જરૂરી નથી. બધુ તાસક પર મળી ગયું હોવાથી મોટાભાગના સ્ટાર-કિડ્સને પોતાના કામમાં ખુંપી જઈ મહેનત કરવાનું સુજતું નથી. એમાં જ તેઓ માર ખાઈ જાય છે. કુમાર ગૌરવ, ફરદીન ખાન અને પૂરું રાજકુમાર આજે ક્યાં છે? શેખર સુમનના પુત્ર અધ્યયન સાથે પણ એવું જ થયું. લગભગ દોઢ દાયકા પહેલા અધ્યયન સુમને 'રાજ-૨', 'જશ્ન' અને 'હાર્ટલેસ' જેવી ફિલ્મો કરી, પણ દિગ્દર્શકો કે દર્શકો કોઈએ એની નોંધ ન લીધી. અધુરામાં પૂરું, કંગના રનૌત સાથેના કોન્ટ્રોવર્સિયલ અફેર અને ડ્રગ્સના આરોપોને લીધે એને એક ડિસિપ્લિન (શિસ્ત) વિનાના યંગમેનમાં ખપાવી દેવાયો. અધ્યયનની લાઈફ અને કરિયરમાં અગણિત ઉતાર-ચઢાવ આવવા શરૂ થયા. સદનસીબે, એને પ્રકાશ ઝાની 'આશ્રમ' જેવી હીટ વેબ સીરિઝ મળી અને એના ડગુમગુ કરિયરને આધાર મળી ગયો. આજકાલ અધ્યયન એના સંજય લીલા ભણસાલીની વેબ સીરિઝ 'હીરામંડી'ના રોલને લઈને ચર્ચામાં છે.
'હીરામંડી'ના પ્રમોશનના ભાગરૂપે સુમન જુનિયરે પસંદગીના મીડિયા સાથે પોતાના નાસીપાસ કરી દેનારા ભૂતકાળ અને કરિયરને પાટે ચડાવનાર વર્તમાન વિશે ખુલીને વાત કરી. પત્રકારોએ અધ્યયનને સૌપ્રથમ એવો પ્રશ્ન કર્યો કે 'તમારી લાઇફમાં આવેલા તોફાનનો એ દોર કેટલો મુશ્કેલ હતો? તમારા વિશે એ વખતે જાતજાતની વાતો થતી હતી.' એક્ટર માંડીને વાત કરે છે, 'એ બધી ૧૫ વરસ પહેલાની વાતો છે, જેમાં મેં જીવનમાં ઘણું બધુ જોયું અને વેઠયું. બહુ આકરો હતો એ સમય. મારી ઓળખ હોવા છતાં કોઈ ઓળખ નહોતી. 'રાજ-૨'થી મારો ડેબ્યુ સારો રહ્યો અને 'જશ્ન'ના ગીતો સુપર હીટ થયા, પરંતુ ત્યાર પછી મને કામ મળવાનું બંધ થઈ ગયું. એકધારા ૧૦ વરસ ઘરમાં બેઠો રહ્યો. એ દરમિયાન એવા વિચાર આવતા રહ્યા કે આ દુનિયામાં હું શા માટે છું? મારું અસ્તિત્વ જ શું છે? સુસાઈડનો વિચાર પણ આવતો અને હું લિટરલી ડિપ્રેશનમાં સરી પડયો છતાં એ બધા વચ્ચે હું રોજ સવારે અરિસામાં જોઈને મારી જાતને સમજાવતો કે બોસ, તારે હાર નથી માનવાની પછી રોજ જિમમાં જવા માંડયો. ડિરેક્શન પર હાથ અજમાવ્યો અને સોંગ્સ બનાવ્યા. મારું એક સોંગ પ્રકાર ઝાએ જોયું અને મને 'આશ્રમ' સીરિઝ મળી. મેં બે નાની ફિલ્મોય કરી અને હવે 'હીરામંડી'નો હિસ્સો છું. મિસ ઇન્ડિયા દિવિતા રાય સાથે 'લવસ્ટોરીઝ ઑફ નાઇન્ટિઝ' નામની ફિલ્મ કરી રહ્યો છું. મુશ્કેલ દોરમાં મેં એવો મક્કમ નિર્ધાર કરી લીધો કે દુનિયાનો મારા પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલવો હોય તો મારે મહેનત કરીને સક્સેસ મેળવવી પડે. આજે લોકો મારું કામ જોઈને- મારો ભૂતકાળ ભૂલી ગયા હોય એવું લાગે છે.'
હવે આ સંદર્ભમાં જ સુમનને એક પૂરક સવાલ, 'કઠણ સમયમાં કોણ તમારા માટે પિલ્લર ઑફ સ્ટ્રેંગ્થ બન્યા?' એક્ટરને જવાબ માટે વિચારવું નથી પડતું, 'અફકોર્સ, મારા મમ્મી-ડેડી. એ લોકો ન હોત તો હું કંઈ કરી ન શકત. બંને મારી પડખે સતત ઊભા રહ્યા. મોમ-ડેડ બંનેની હું બહુ નજીક છું, પણ ડેડ સાથે એક અલગ પ્રકારનો જ સંબંધ છે. મોમ તો ૨૪ કલાક મારી ફિકર કરતી રહે છે, દિકરા આજે આ પહેર, વાળ કપાવી લે, સ્ટાઇલિંગ કર વગેરે વગેરે. આ એમની મમતા છે. હું તો માનું છું કે માના આશીર્વાદથી જ મને 'હીરામંડી' જેવો મોટો શૉ મળ્યો છે.'
હવે અધ્યનને મીડિયામાંથી થોડી અણિયાળી પૃચ્છા થાય છે, 'એવું સાંભળ્યું છે કે 'હીરામંડી'ની ભૂમિકા માટે પહેલા તમને રિજેક્ટ કરી દેવાયા હતા? એ વાત સાચી છે?' અભિનેતાનો ઉત્તર એકદમ પ્રામાણિક છે, 'હા સર, ય સચ હૈ. સંજય લીલા ભણસાલી સાથે કામ કરવાનું દરેક એક્ટરનું સપનું હોય છે. મને તો એવી તક મળવાની અપેક્ષા જ નહોતી. કમનસીબે 'આશ્રમ'માં મારું પરફોર્મન્સ વખણાવા છતાં ઇન્ડસ્ટ્રીએ હજુ મને એક્સેપ્ટ નથી કર્યો એવું મને લાગ્યું. કરિયરને લઈને મનમાં ફરી નિરાશાના વાદળ ઘેરાવા લાગ્યા હતા. એ વખતે જ મારે 'હીરામંડી' માટે ઓડિશન આપવાનું થયું. સ્વાભાવિક છે કે એવી મનસ્થિતિમાં મને એ રોલ ન જ મળે. મારા આશ્ચર્ય વચ્ચે બે મહિના બાદ મને ભણસાલી પ્રોડક્શન્સમાંથી ફરી ફોન આવ્યો અને રોલ માટે મારું સિલેક્શન થઈ ગયું.' પત્રકારોનો ચોથા પ્રશ્ન એકદમ ફોર્મલ છે, 'હીરામંડી'ના રોલ માટે તમે કોઈ ખાસ તૈયારી કરી હતી ખરી? સુમન જવાબની શરૂઆત એકડે એકથી કરતા કહે છે, 'શૉમે મૈં એક બિગડે હુએ નવાબ જોરાવર અલી ખાન કે રોલ મેં હું. એ બહુ તોછડો અને ઐયાશ ટાઈપનો નવાબ છે. એકદમ ગ્રે કેરેક્ટર છે, જે પોતાની જાત સિવાય કોઈને પ્રેમ નથી કરતો. લજ્જાનું પાત્ર ભજવતી રિચા ચઢ્ઢાને જોરાવર સાથે મોહબ્બત છે. મારો રોલ પાવરફુલ છે. મેં એક વાત નોંધી કે તમે એક્ટર તરીકે ભલે બૉડી બનાવો, પોતાની ચાલઢાલ, બૉડી લેંગ્વેજ બદલો, પરંતુ એકવાર તમે સેટ પર પહોંચ્યા એટલે ભણસાલીસર બધુ બદલી નાખે. સેટ પર તેઓ એક જ સીનને ચાર અલગ અલગ રીતે શૂટ કરે છે.'
સમાપનમાં એક સરસ સવાલ-અધ્યયન, આપકે કરિયર કા યાદગાર પલ કૌન સા હૈ? અભિનેતા થોડો ઈમોશનલ થઈ જાય છે, 'હમણાં 'હીરામંડી'ના સેટ પર જ આવો એક યાદગાર પ્રસંગ બન્યો. સેટ પર ૫૦૦ લોકો હાજર હતા અને મારે મનીષા (કોઈરાલા)જી સાથે એક સાત મિનિટ લાંબો સીન કરવાનો હતો. એ લાંબો સીન મેં એક જ ટેકમાં ઓકે કરી દીધો. એ જોઈને સંજય સરને આંસુ આવી ગયા. મારું પરફોર્મન્સ જોઈ તેઓ ભાવુક થઈ ગયા હતા. એક એક્ટર માટે આનાથી મોટું સર્ટિફિકેટ બીજુ ક્યું હોઈ શકે? મારા માટે સરનું ઈમોશનલ એપ્રિસિયેશન ઓસ્કાર એવોર્ડથી કમ નથી.'