એક્ટરો માટે IQ કરતાં EQ વધારે મહત્ત્વનો છે: આયુષ્માન ખુરાના
- 'ડ્રીમ ગર્લ-ટુ' અને 'અન એક્શન હીરો' પછી આ હીરો થોડો લો-પ્રોફાઇલ બની ગયો છે એવું સૌને લાગે છે. શું આ યુદ્ધ પહેલાંની શાંતિ છે?
'સા માન્યપણું કે મિડીયોક્રિટી હવે કોઈને સ્વીકાર્ય નથી,' આયુષ્યમાન તાજેતરમાં એક ઇવન્ટમાં કહી રહ્યો હતો, 'ભારતીય કલાકારો હવે ઓસ્કર જીતે છે, ગ્રેમી જીતે છે. આપણે દુનિયાને દેખાડી દીધું છે કે અમે તમારી સમકક્ષ છીએ. એક વાર ફરી એક વાર સિદ્ધ થઈ છે કે તમારી વાર્તા, તમારી ફિલ્મ જેટલી લોકલ (સ્થાનિક) હશે, એટલા વધારે ગ્લોબલ તમે બની શકશો.'
એ વાત સાચી જ છે કે 'આરઆરઆર' ફિલ્મના 'નાટુ નાટુ' ગીતને ઓસ્કર મળવાથી ભારતની તમામ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો નૈતિક જુસ્સો બુલંદ થઈ ગયો છે. સવાલ આ છે: એકાદ રડયોખડયો ઓસ્કર મળી જવાથી શું વળવાનું છે? વિશ્વસ્તરે ભારતીય સિનેમાની હાજરી સતત વર્તાતી રહે, ભારતીય કલાકારોના યોગદાનમાં સાતત્ય દેખાય તે જરુરી છે.
'સિનમાને આપણે 'ઇન્ડસ્ટ્રી' કહીએ છીએ, કેમ કે અહીં કરોડો રુપિયા દાવ પર લાગ્યા હોય છે,' આયુષ્માન કહે છે, 'સાથે સાથે, આ કળાનું માધ્યમ પણ છે. આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ કોમ્બિનેશન છે. હું દૃઢપણે માનું છું કે ફિલ્મ કલાકારોના આઇક્યૂ (ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ) કરતાં ઈક્યૂ (ઇમોશનલ ક્વોશન્ટ) વધારો ઊંચો હોવો જોઈએ. અમે માનવીય લાગણીઓ સાથે સતત કામ પાડીએ છીએ, અમે લાગણીઓને ફિલ્મરુપી 'પ્રોડક્ટ'માં પરોવીએ છીએ અને પછી તે પ્રોડક્ટને વેચીએ છીએ. સિનેમા એટલે કળા અને ટેકનોલોજીનો સંગમ. હજુ તો આટફિશિયલ ઇન્ટેલીજન્સ (AI)નો જમાનો આવી ગયો છે. આ ખરેખર ગ્રે એરીયા છે. AIને કારણે સિનેમાનું સ્વરૂપ કેટલું બદલાશે, અને તેને કારણે સિનેમા માટે કામ કરતા લોકો પર કેવી અસરો પડશે તે જોવા-સમજવાનું હજુ બાકી છે. અલબત્ત, સિનેમામાં AIની દરમિયાનગીરી કેટલી હદ સુધીની હોઈ શકે તે તે અંગેના સ્પષ્ટ કાયદા હવે ઝડપથી ઘડાઈ જવા જોઈએ.'
આયુષ્માન હવે બે ફિલ્મોમાં દેખાવાનો છે. એક છે, હલકીફૂલકી કોમેડી 'છોટી-સી બાત'ની રીમેક. મૂળ ફિલ્મ ૧૯૭૬માં રિલીઝ થઈ હતી. બાસુ ચેટરજીની આકોમેડી ફિલ્મમાં અમોલ પાલેકર હીરો હતા. મુદ્દસ્સર અઝિઝ તેની રીમેક ડિરેક્ટ કરશે. બીજી ફિલ્મ છે, 'વેમ્પાયર ઓફ વિજયનગર' આદિત્ય સરપોતદારના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં આયુષ્માનની સાથે એનો ભાઈ અપારશક્તિ ખુરાના તેમજ સામન્થા રુથ પ્રભુ પણ દેખાશે.