ઈમરાન હાશ્મિનું મતવાલું મેકઓવર .
- 'એક એક્ટરે બોક્સ ઓફિસના આંકડાથી ખુદને અળગો રાખવો જોઈએ. બોક્સ ઓફિસની નિષ્ફળતા એ વાતનો પુરાવો નથી કે ફિલ્મ ખરાબ છે. એક્ટર માટે તો ફિલ્મમાં કામ કર્યાનો અનુભવ જ મહત્ત્વનો છે.'
ઈ મરાન હાશ્મિ એક સમયે સિરીયલ કિસર તરીકે નામચીન હતો એવું કોને યાદ નહીં હોય? હવે જોકે ઈમરાનની નવી આવૃત્તિ પડદે દેખાઈ રહી છે. જેમ કે, દિવાકર બેનર્જીની 'શાંઘાઈ'માં તેનો રોલ તેની ચુંબનચતુર ઇમેજથી જોજનો દૂર હતો. 'સેલ્ફી'માં એણે સુપરસ્ટાર અક્ષયકુમારના ફેનનો રોલ કર્યો હતો, જેમાં ગ્રે શેડ્ઝ હતા. છેલ્લે 'ટાઈગર-૩'માં એણે સલમાન ખાન સામે વિલનની ભૂમિકા ભજવી.
આ ફિલ્મમાં સલમાન સાથે કામ કરતી વખતે ઇમરાનને સલમાન સાથેની ઓફ-સ્ક્રીન મિત્રતા કામ આવી. એ કહે છે, 'સલમાન એક સરળ અને નમ્ર વ્યક્તિ છે. એનામાં કોઈ દંભ નથી. તે જેવો છે તેવું જ વર્તન કરે છે. કેટલાક કલાકારો એવા છે જેની સાથે તમે વર્ષો સુધી કામ કરો તો પણ તેને ઓળખી ન શકો, જ્યારે સલમાન સાથે પાંચ મિનિટ કામ કરો તો પણ તેની ઓળખ થઈ જાય.'
સલમાન સાથે કામ કરવાના અનુભવ વિશે ઈમરાન કહે છે, 'સલમાનની ફિલ્મો જોઈને તો હું મોટો થયો છું. અચાનક તેમની સાથે કામ કરવાની તક મળતા હું ડઘાઈ ગયો હતો. અફ કોર્સ, સલમાનની ફિલ્મમાં બીજા એક્ટરોના રોલ નાના જ હોવાના. પણ કહે છેને કે કોઈ રોલ નાના અથવા મોટા નથી હોતા, માત્ર કલાકારો નાના અથવા મોટા હોય છે. હીરો સિવાયનું કેરેક્ટર ફિલ્મની વાર્તા માટે ખૂબ મહત્વનું હોઈ શકે છે. જે-તે રોલથી ફિલ્મની સમગ્ર અસર પર શો ફરક પડે છે તે જ અગત્યનું છે.'
'ટાઇગર-૩'નું ડિરેક્શન 'ફેન' ફેમ મનીષ શર્માએ કર્યું છે. ઈમરાન કહે છે, 'મનીષે મને વિલનનો રોલ ઓફર કર્યો ત્યારે સૌ પ્રથમ તો મેં મનોમન ઈન્કારી જ કરી દીધો હતો, પણ જ્યારે તેણે મને વાર્તા સંભળાવી અને આતિશના પાત્રનો આખો ગ્રાફ સમજાવ્યો ત્યારે હું અંજાઈ ગયો. પાત્રની બેકસ્ટોરી એવી છે કે જેને કારણે આતિશ નખશિખ વિલન લાગતો નથી. ટાઈગરે ભૂતકાળમાં તેની સાથે જે કર્યું છે તેનાથી તે રોષે ભરાયો છે.'
'ટાઇગર-૩' યશરાજ બેનરની ફિલ્મ છે. નિર્માતા આદિત્ય ચોપડા સાથે કામ કરવાના અનુભવ વિશે ઈમરાન કહે છે, 'આદિ પાસે સમગ્ર ફિલ્મનું એક વિઝન હોય છે. તેમણે મને સમજાવ્યું હતું કે તેઓ આતિશને કેવી રીતે જોઈ રહ્યા છે. મને તેનાથી ઘણી મદદ મળી. કેટરીના કૈફ વિશે વાત કરું તો, એ એક નિષ્ઠાવાન અભિનેત્રી છે અને એ ડિરેક્ટરના અભિગમને પૂરેપૂરી વફાદાર રહે છે.'
પોતાના નવા અવતાર વિશે દર્શકોએ જે પ્રતિસાદ આપ્યો તેનાથી ઈમરાન ઉત્સાહિત છે. મોટાભાગના દર્શકોને છેક સુધી ખબર નહોતી કે આ ફિલ્મનો વિલન ઈમરાન હાશ્મિ છે. ફિલ્મ હિટ થઈ તેનો હરખ ઈમરાનને હોવાનો જ. એ સમાપન કરતાં કહે છે, 'ક્યારેક એવું પણ બને છે કે ફિલ્મ સારી હોવા છતાં તે હિટ નથી થઈ શકતી. એક એક્ટરે બોક્સ ઓફિસના આંકડાથી ખુદને અળગો રાખવો જોઈએ. બોક્સ ઓફિસની નિષ્ફળતા એ વાતનો પુરાવો નથી કે ફિલ્મ ખરાબ છે. એક્ટર માટે તો ફિલ્મમાં કામ કર્યાનો અનુભવ જ મહત્ત્વનો છે.'