ઇમરાન હાશ્મિ સાઉથ એટલે સાઉથ!
- 'સાઉથના કલાકાર-કસબીઓનું ડિસિપ્લીન ગજબનું છે. ત્યાંના સર્જકો ફિલ્મો બનાવવામાં જે ખર્ચ કરે છે તેનો એકેએક રૂપિયો સ્ક્રીન પર પરિણામ આપે છે, જ્યારે આપણે ત્યાં પૈસો બેફામ વેડફાય છે.'
એ ક જમાનાનો 'સિરીયલ કિસર' ભવિષ્યમાં સાઉથની ફિલ્મો કરતો હશે એવી કલ્પના કોઈએ કરી હતી ખરી? ઇમરાન હાશ્મિએ પોતાના પર લાગી ગયેલું ચુંબનસમ્રાટનું લેબલ સફળતાપૂર્વક દૂર કરી નાખ્યું છે એ તો નક્કી. પોતાની ઇમેજનું મેકઓવર કરવા માટે એણે શરૂઆત
બે હીરો ધરાવતી ફિલ્મોથી કર્યું હતું. એ કહે છે, 'હું સલમાન ખાન કે અક્ષયકુમાર સાથે પડદા પર આવી શકું એવો વિચાર પણ કોઈ કરી શકતુું નહોતું. જ્યાં આવા ધરખમ સ્ટાર હોય ત્યાં આમ તો બીજા કોઈની જરૂર જ ન પડે. મેં સૌથી પહેલાં બે હીરોવાળી 'વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ' ફિલ્મ કરી, જેમાં હીરો અજય દેવગણ હતો. આ ફિલ્મ કરી ત્યારે મને સમજાયું કે એન્ટિ-હીરો કોને કહેવાય. આવું જ કંઈક સલમાનવાળી 'ટાઈગર-૩'માં પણ થયું. તેનો એન્ટિહીરો પોતાને તો હીરો જ માનતો હતો.'
અક્ષય સાથે કરેલી ફિલ્મ 'સેલ્ફી' જોકે ફ્લોપ થઈ ગઈ હતી. વર્ષો પહેલાં ઇમરાનને 'શાંઘાઈ'માં તદ્ન જુદા રૂપમાં જોઈને ઓડિયન્સને ભારે નવાઈ લાગી હતી. એણે હવે દક્ષિણ તરફ નજર દોડાવી છે. એ બે તેલુગુ ફિલ્મો કરી રહ્યો છે - 'ધે કોલ મી ઓજી' અને 'જી-ટુ'. ઇમરાન કહે છે, 'મને 'ધે કોલ મી ઓજી'ની સ્ક્રિપ્ટ અને મારો રોલ એટલો ગમી ગયાં કે ઝાઝો વિચાર કર્યા વિના જ હા પાડી દીધી. વળી, મને સુજીત જેવા સિનિયર ડિરેક્ટર અને પવન કલ્યાણ જેવા સુપરસ્ટાર સાથે કામ કરવાની તક મળી રહી હતી.'
દક્ષિણ ભારતીય ફિલ્મોદ્યોગમાં કામ કરવાનો પોતાનો અનુભવ વર્ણવતાં ઇમરાન કહે છે, 'ત્યાંના કલાકાર-કસબીઓનું ડિસિપ્લીન ગજબનું છે. સાઉથના સર્જકો ફિલ્મો બનાવવામાં જે ખર્ચ કરે છે તેનો એકેએક રૂપિયો સ્ક્રીન પર પરિણામ આપે છે... જ્યારે આપણે ત્યાં પૈસો નાહકનો બેફામ વેડફાય છે. દક્ષિણ ભારતની ફિલ્મોની વિઝ્યુઅલ સ્પેશઇયલ ઇફેક્ટ્સ કમાલની હોય છે. વળી, તેમની કહાણીઓમાં વિશેષતા જોવા મળે છે. સાઉથ પાસેથી બોલિવુડે ઘણું શીખવા ઘણું છે.'
વાત તો સાચી.