એલી અવરામ : 1990નો દાયકો....વાહ, ક્યા કહને!
- 'ફિલ્મ લાઇન એક એવું ક્ષેત્ર છે જ્યાં તમે તમારો દેખાવ, ઉચ્ચારો અને ભાષા બદલી શકો છો. આ એક જ બાબતને કારણે મને આ ક્ષેત્ર પ્રત્યે ભરપૂર પ્રેમ છે. '
અભિનેત્રી એલી અવરામની પ્રથમ મરાઠી ફિલ્મ 'ઈલુ ઈલુ ૧૯૯૮' જાન્યુઆરીના અંતે રિલીઝ થઈ. એલી આ ફિલ્મથી સ્વાભાવિક રીતે જ અત્યંત ઉત્સાહિત હતી. એલીએ આ ફિલ્મ અને તેની મેકિંગ વિશે મીડિયા સાથે વિસ્તારથી વાત કરી હતી.
આ ફિલ્મમાં રમૂજ, રોમાન્સ અને નવી-તાજગીસભર વાર્તાનું કોમ્બિનેશન થયું છે. આ ફિલ્મ અંગે વાત કરતાં એલીએ જણાવ્યું, 'આ ફિલ્મની સ્ક્રિપ્ટ મેં પહેલીવાર વાંચી ત્યારે મને તે અત્યંત ગમી ગઈ. બેશક, મને ખબર હતી કે તે મારા માટે પડકારરૂપ હશે. ખાસ કરીને તો એ મરાઠીમાં હતી તેને કારણે. મને એ વાતની ખાતરી હતી હું ભાષાને સંભાળી લઈશ, પણ પટકથા તો સારી જ હોવી જોઈએ. એવું જ થયું. હું તેને એમને એમ જવા દઉં એ વાતમાં કોઈ માલ નથી. હું હંમેશા મરાઠી ફિલ્મોની પ્રશંસક રહી છું. આગલી પેઢીના લોકો હંમેશા જ પ્રભાવશાળી હોય છે અને જે રીતે તેઓ ભારતીય સંસ્કૃતિને રજૂ કરે છે તે કમાલનું હોય છે. તેમની વાતોમાં મારા વિચારોનો પડઘો પણ પડે છે. મેં મારી તમિળ ફિલ્મમાં પદાર્પણ કર્યું એ રીતે જ વિવિધ ભાષાની ફિલ્મોમાં કામ કરવાનું નક્કી કર્યું. બેશક, મારા માટે તો તે હંમેશા સ્કિપ્ટ અને ભૂમિકા સૌથી મહત્ત્વનાં હોય છે. '
એલીએ 'ઈલુ ઈલુ ૧૯૯૮'માં એક શિક્ષિકાનું પાત્ર ભજવ્યું છે. આ સંદર્ભે એલી કહે છે, 'મિસ પિન્ટોનું પાત્ર ભજવવાની મને ખૂબ જ મઝા પડી. બાળકો વર્ગમાં બેઠાં હતાં અને હું વર્ગમાં દાખલ થઈ ત્યારે બધાએ મને કહ્યું, 'ગુડ મોર્નિંગ ટીચર!' તે ખરેખર ખૂબ જ સરસ હતું. મારો અહીં ભારતમાં એક સાચુકલી શાળામાં શુટિંગ કરવાનો અનુભવ આનંદદાયક હતો. એક શિક્ષક તરીકેની મારી ભૂમિકા મને ઘણી જ ગમી છે.'
એલીને જ્યારે પૂછવામાં આવ્યું કે '૯૦ના દાયકાનું સૌથી મનગમતું ગીત ક્યું? આ પ્રશ્નના જવાબમાં તેણે જણાવ્યું, 'ઓહ, ચોક્કસપણે 'આખિર તુમ્હેં આના હૈ...' અને 'તુઝે દેખા તો યે જાના સનમ...' (ફિલ્મ 'દિલવાલે...') આ ગીતો આઈકોનિક છે. આ ગીતો આનંદ અને ઊર્જાથી છલકે છે અને તે સાંભળતાં જ ભૂતકાળની યાદો તાજી થઈ જાય છે.'
'૯૦ના દાયકાના મનગમતા સ્ટાર કોણે? આ પ્રશ્નના ઉત્તરમાં તેણે જણાવ્યું, 'શાહરૂખ ખાન! આ કહેવામાં કોઈ પણ પ્રકારનો ખચકાટ નથી. તેઓ અત્યંત મોહક છે અને તે દરેકનું દિલ જીતી લે છે. અભિનેત્રીની વાત કરીએ તો, ઐશ્વર્યા રાય તેની સુંદરતા માટે મને ખૂબ ગમે છે. માધુરી દીક્ષિતની આભા એક મહારાણી જેવી છે. વળી, એ અત્યંત પ્રતિભાશાળી છે.'
એલીને એમ પણ પૂછવામાં આવ્યું કે '૯૦ના દાયકાની ફિલ્મમાં કામ કરવાનું તને ગમ્યું હોત? એલી કહે છે, 'મને તો 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'માં કાજોલની ભૂમિકા ભજવવી ગમશે. મને લાગે છે કે હું ખરેખર તે ફિલ્મમાં તેના વ્યક્તિત્વ સાથે સંબંધ બાંધી શકું છું. તે ખૂબ જ આઇકોનિક રોલ છે.'
એલીએ તેના આગામી ગીત 'આખિર તુમ્હેં આના હૈ...' વિશે જણાવ્યું, 'ખરેખર તો તે ૨૦ મિનિટની એક શોર્ટ ફિલ્મનો એક ભાગ છે અને મેં જે પાત્ર ભજવ્યું છે તે મેં અગાઉ કરેલા પાત્રથી સાવ ભિન્ન છે. આ ભૂમિકા ભજવવી મને ખૂબ જ ગમી. આ એવી લાઇન છે કે તમે તમારો દેખાવ, ઉચ્ચારો અને ભાષા બદલી શકો છો. આ એક જ બાબતને કારણે મને આ ક્ષેત્ર પપ્રત્યે ભરપૂર પ્રેમ છે. '