મારી દરેક નવી ફિલ્મ અભિનયની નજરે પડકારજનક જ હોય છે : રવિના ટંડન

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
મારી દરેક નવી ફિલ્મ અભિનયની નજરે પડકારજનક જ હોય છે : રવિના ટંડન 1 - image


- 'લોકોને હસાવવાથી મળતો આનંદ અવર્ણનીય છે. મારાં સંતાનોને મારી 'દુલ્હેરાજા' ફિલ્મ ખૂબ ગમે છે. તેમને 'અંદાઝ અપના અપના' પણ પસંદ છે. દીકરી રાશા હવે 'શૂલ' જેવી મારી સિરીયસ ફિલ્મો પણ જુએ છે.' 

૧૯૯૨માં ફિલ્મ પથ્થર કે ફૂલમાં સલમાનખાનની હિરોઇન તરીકે હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી મારનારી રવિના ટંડન ત્રણ દાયકા બાદ પણ ફિલ્મ ઉદ્યોગમાં તેની અભિનય પ્રતિભાને જોરે દર્શકોનું મનોરંજન કરી રહી છે.  

રવિના કહે છે કે શરૂઆતના દસ વર્ષમાં મેં ઘણાં ગ્લેમરસ રોલ્સ કર્યા છે. એ સમયગાળામાં મારી પર ફિલ્માવાયેલાં સુપરહીટ ગીતો આજે પણ લોકોની યાદદાસ્તમાં અકબંધ છે. આજે મારી કારકિર્દીના આ પડાવ પરથી પાછળ નજર કરૂ છું તો જણાય છે કે મેં ગુલામ એ મુસ્તફા, શૂલ અને દમન જેવી અર્થપૂર્ણ ફિલ્મો પણ કરી છે. આ ટ્રેન્ડને જાળવી રાખી મેં આરણ્યક સિરીઝ કરી હતી. આમ, છેલ્લા પંદર વર્ષમાં મારું કામ ઓછું રહ્યું હશે પણ મેં ગુણવત્તાસભર કામ કર્યું છે. જેનો મને સંતોષ છે. 

હવે રવિના ટંડન વેલકમ ટુ જંગલ ફિલ્મમાં પણ આવી રહી છે. રવિના કહે છે કે હું વેલકમ ટુ જંગલ કરીને ખૂબ ખુશ છું, કેમ કે મને કોમેડી કરવાનું ખૂબ ગમે છે. મારા માટે આ એક આઉટ એન્ડ આઉટ કોમેડી ફિલ્મ બની રહેશે. રસપ્રદ બાબત એ છે કે હિન્દી કોમેડી ફિલ્મોમાં જેને હવે કલ્ટ ફિલ્મ ગણવામાં આવે છે તે અંદાઝ અપના અપનામાં પણ રવિનાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. રવિના કહે છે, લોકોને હસાવવાથી મળતો આનંદ અવર્ણનીય છે. મને ભવિષ્યમાં પણ કોમેડી ફિલ્મો કરવાનું ગમશે. હાસ્ય એ સાર્વત્રિક ભાષા છે. યોગ્ય પટકથા અને તક મળે તો હું મારા ચાહકોનું મનોરંજન કરવા કોમેડી ફિલ્મો કરવા આતુર છું. મારા સંતાનોને મારી ફિલ્મ  દુલ્હેરાજા ખૂબ ગમે છે. નાના બાળકોને કોમેડી ખૂબ ગમતી હોય છે. તેમને અંદાઝ અપના અપના પણ ગમી છે. હવે મારી પુત્રી રાશા મારી વધારે ગંભીર ફિલ્મો પણ જોવા માંડી છે. તેણે તાજેતરમાં જ શૂલ અને સત્તા પણ જોઇ છે. 

પોતે એક જવાબદાર માતા છે તે દર્શાવતાં રવિના કહે છે કે એક તબક્કે તો મને પણ સમજાતું નહોતું કે પાપારાઝીઓ શા માટે એમને આટલું બધું મહત્વ આપે છે. મારા સંતાનોને મેં તેમને મિડિયાથી દૂર જ રાખ્યા હતા, પણ હવે તો પાપારાઝીઓ દરેકે જગ્યાએ હાજર હોય છે. આ એક એવી બાબત છે જેમાં તમે કશું કરી શકો તેમ નથી.  જો તમે તેમને વિનંતી કરો કે પ્લીઝ ક્લિક ન કરશો તો ઘણીવાર તેઓ તમારી વાત માને પણ છે. તેમને અમારી પ્રત્યે આદર હોય છે તેમ અમને પણ તેમની પ્રત્યે આદર હોય છે. તેઓ પણ માણસો જ છેને! 

બિલકુલ.  


Google NewsGoogle News