ખાઓ-પીઓ નહીં તો તમે પંજાબી ન ગણાવ: વાણી કપૂર
- 'હવે તો મને ધાર્મિક સ્થળોની મુલાકાત લેવામાં રસ પડે છે.'
વાણી કપૂર આ ગરમીની મોસમની શરૂઆતમાં રાજ કુમાર ગુપ્તાની આગામી ફિલ્મ 'રેડ ટુ'ના લખનૌમાં થઇ રહેલાં શૂટિંગમાં વ્યસ્ત હતી. હવે એપ્રિલના અંત સુધીમાં આ શૂટિંગ પુરૃં થતાં જ વાણી વેકેશન મનાવવા માટે દિલ્હી ભણી દોટ મુકે એટલી જ વાર છે.
વાણીનું બાળપણ દિલ્હીમાં તેના પરિવારના ફાર્મ હાઉસમાં વીત્યું હોઇ તેને દિલ્હીમાં વેકશન માણવાનું ખૂબ ગમે છે. વાણી કહે છે, 'આ ગરમીની મોસમમાં હું શ્વાન, ઘોડા, સસલા, ગાય અને વાનરોની વચ્ચે હોઇશ. મારા પરિવારના ફાર્મમાં આ બધાં પ્રાણીઓ છે. પંજાબી ખાતાપીતાં પરિવારની છોકરી હોવાથી તેઓ મને ખવડાવીને ખુશ થાય છે. મેં મારી યાદીમાં ગોલગપ્પા એટલે કે પાણીપુરીનો પણ સમાવેશ કર્યો છે. પહેલાં તો હું દિલ્હીમાં જઇશ એટલે મારી માતા મને ગમે એમ કરીને ક્રીમ ખવડાવવાના પ્રયાસો કરશે. મુંબઇમાં ઇસે કોઇ ખિલાતા નહીંં, હાયે કિતની સુખ ગઇ હૈ કહીને તે ક્રીમ ધરી એમ કહેશે કે યે તો દહીં હૈ. તમે ભરપૂર ન ખાઓ પીઓ તો તમે પંજાબી ન ગણાવ.'
પોતાના બાળપણની વાત કરતાં વાણી કહે છે, 'અમારા ફાર્મ હાઉસમાં એક નાનું અમથું પ્રાણી સંગ્રહાલય જ બનાવી રાખ્યું છે. તેમાં તમામ પ્રકારના પ્રાણીઓ પાળેલાં છે. મારાં ઘરમાં મને પ્રાણીઓ સાથે મોજ કરવાની ખૂબ મજા પડે છે . આમ, મારું બાળપણ અન્ય શહેરી બાળકોની સરખામણીમાં ખૂબ રોમાંચક રહ્યું છે. સ્વભાવે હું અંતરમુખી હોઇ મને ઘરમાં રહેવું ગમે છે.'
ગરમીની મોસમમાં બાળપણમાં કેવી મોજ પડતી તેની વાતો કરતાં વાણી કહે છે, 'મારી માએ અમારા ફાર્મમાં જ એક સ્વિમિંગ પૂલ બનાવી દીધો છે. અમે સવારે આઠ વાગીને આ પૂલમાં નહાવા પડતાં તે છેક સાંજે તેમાંથી બહાર નીકળતાં હતાં. ઘરમાંં ચોતરફ કેરીઓની પેટીઓ તથા અન્ય મોસમી ફળો પડયાં રહેતાં હતાં. આમ, અમે ઉનાળાના વેકેશનમાં ખૂબ મોજ કરતાં.'
જોકે, આ વર્ષે ઉનાળાની મોસમમાં વાણી કપૂર સતત કામ કરતી રહી છે. 'રેડ ટુ' ઉપરાંત તેની એક ઓર ફિલ્મ 'ખેલ ખેલ મેં'નું પણ કામ ચાલુ છે. વેબ સિરિઝ 'મંડલા મર્ડર્સ'નું પણ શૂટિંગ ચાલુ છે. આમ, આ વર્ષે વાણીને માંડ માંડ વેકેશન માણવાની તક મળી છે. વાણી કહે છે, 'હવે તો મને ધાર્મિક સ્થળોની મુલાકાત લેવામાં રસ પડે છે. મને ભારતમાં જ વિવિધ સ્થળે ફરવા જવાનું ગમે છે. હું એક વાર કેરળનો પ્રવાસ કરી ચૂકી છું પણ હજી મને દક્ષિણ ભારતમાં ફરવાનો શોખ છે. છેલ્લા બે વર્ષથી હું ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનું પસંદ કરૂ છું. મને આશા છે કે હું આ વર્ષે તિરૂપતિનાં દર્શન કરવા મળશે.'
મૂળ દિલ્હીની વતની વાણી કપૂરના બાળપણમાં તે પહાડી પ્રદેશમાં વેકેશન કરવા જતી તેની યાદો તાજી છે. તે કહે છે, 'જેમ મુંબઇગરાં સહેજ તક મળે કે માથેરાન અને મહાબળેશ્વર ભણી મજા કરવા દોડી જાય છે તેમ દિલ્હીમાં બધાં મનાલી, નૈનિતાલ અને મેકલોડગંજ જેવાં હિલ વિસ્તારોમાં ફરવા જતાં હોય છે. મારા બાળપણમાં મેં આ હિલ સ્ટેશનોમાં ખૂબ મોજ કરી છે.'
છેલ્લે 'શમશેરા'માં રણબીર કપૂર સાથે જોવા મળેલી વાણી કપૂરની બે ફિલ્મોના શૂટિંગ પુરાં થવાના આરે છે. ૩૫ વર્ષની વાણી કપૂરે દક્ષિણની ફિલ્મોમાં પણ કામ કર્યું છે પણ તેમાં તેને ધારી સફળતા મળી નથી. ૨૦૧૮માં આવેલી હીટ ફિલ્મ 'રેડ'ની સિકવલ 'રેડ ટુ'માં તે અજય દેવગણની હિરોઇન તરીકે જોવા મળશે.