મને માત્ર ગ્લેમરની દુનિયામાં કેદ ન કરશોઃ ભૂમિ પેડણેકર
આ અભિનેત્રીએ સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં યોજાયેલા વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક અધિવેશનમાં શું શું કર્યું? ભૂતકાળમાં શાહરૂખ ખાન જેવા બહુ થોડી વ્યક્તિઓને એમાં હાજરી આપવાનું બહુમાન મળ્યું છે.
બહુ ઓછા એક્ટર્સ પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ હોય છે. ભૂમિ પેડણેકર એમાંની એક છે. તાજેતરમાં એને આંતરરાષ્ટ્રીય સ્તરે જાગૃતિ ફેલાવવાની એક મોટી તક મળી. તાજેતરમાં સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં યોજાયેલા વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકમાં વકતવ્ય આપવા માટે ભૂમિને આમંત્રણ મળ્યું હતું. ભૂતકાળમાં શાહરૂખ ખાન જેવા બહુ થોડા મહાનુભવોને એમાં હાજરી આપવાનું બહુમાન મળ્યું છે. ભૂમિએ આ પાંચ દિવસીય પરિસંવાદમાં ભૂમિ એક યંગ ગ્લોબલ લીડર તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.
ભૂમિ કહે છે, 'મને જ્યારે આમંત્રણ મળ્યું ત્યારે મારી ખુશીનો પાર નહોતો રહ્યો. છેલ્લાં ઘણાં વરસોથી હું દાવોસની સમિટ વિશે માહિતી મેળવતી આવી છું. મને એવા મંચ પર જવું ગમે છે જે જ્યાં મારા વિચારો અને મંતવ્યોને ઓપિનિયનને બધા સાંભળે, એની નોંધ લે. મારી લાઈફમાં ઉમદા કાર્યોમાં યોગદાન અને સાથ-સહકાર આપવાના જે પ્રસંગો આવવાના છે એનો આ એક આરંભ માત્ર છે.'
ભૂમિ પેડણેકરના ફેન્સ ખુશ થયા છે, પરંતુ પબ્લિકનો એક વર્ગ એવો છે કે જે મક્કમપણે માને છે કે ફિલ્મસ્ટાર્સને ગ્લેમરની દુનિયા સિવાય બીજા કશામાં ગતાગમ નથી પડતી. બાકીના વિશ્વથી તેઓ બિલ્કુલ અજાણ હોય છે. ભૂમિ કહે છે, 'જુઓ, અમે જે પ્રોફેશનમાં છીએ એને કારણે વિશ્વમાં શું ચાલી રહ્યું છે એનાથી અજાણ હોઈએ, એવું જરાય નથી. એક્ટર્સ માટે આ એક પર્સનલ ચોઈસની બાબત છે. મને એ જાણીને શાતા અને સંતોષ મળે છે કે મારા કામથી હું કોઈક પ્રકારનો બદલાવ, પરિવર્તન લાવી શકું છું. જો આપણે દુનિયાનેવધુ બહેતર બનાવવા આપણા તરફથી કોઈ યોગદાન ન આપી શકીએ તો આપણી સક્સેસનો કોઈ અર્થ નથી. કમસેકમ મારા કેસમાં તો આવું જ છે. તેથી જ હું સમાજ અને જગત સાથે કાયમ જોડાયેલી રહું છું.'
વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ભૂમિ જુદી જુદી પેનલોનો ભાગ બની હતી. દુનિયામાં સમાનતા લાવવાથી લઈને આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ ક્લાઈમેટ ચેન્જને નાથવામાં કઈ રીતે મદદરૂપ થઈ શકે ત્યાં સુધીના વિષયો પર તેમણે ચર્ચા કરી હતી.
ગુડ ગોઇંગ, ગર્લ!