દિવ્યાંકા ત્રિપાઠી: સુડોળ કાયા છતાં એક્શન હીરોઈનનું સ્વપ્ન સાકાર કર્યું

Updated: May 16th, 2024


Google NewsGoogle News
દિવ્યાંકા ત્રિપાઠી: સુડોળ કાયા છતાં એક્શન હીરોઈનનું સ્વપ્ન સાકાર કર્યું 1 - image


- 'સ્વસ્થ શરીર દ્વારા જ જીવનના પડકારોનો સામનો કરી શકાય છે, તો પછી તેના પ્રત્યે આટલો અણગમો શા માટે? સૌ કોઈને પોતાના શરીર પર ગર્વ હોવો જોઈએ.'

પોતાના હૃદયસ્પર્શી સ્મિત અને લાગણીસભર પરફોર્મન્સ માટે જાણીતી દિવ્યાંકા ત્રિપાઠીએ ટેલીવીઝન સીરીઝમાં 'અદ્રશ્યમ: ધી ઈન્વિઝિબલ હીરોઝ'થી એક અજાણ્યા ક્ષેત્રમાં મોટી છલાંગ લગાવી છે. એક નિખાલસ મુલાકાતમાં દિવ્યાંકાએ ફિલ્મ ઉદ્યોગની પ્રચલિત પૂર્વધારણાથી મુક્ત થઈને પોતાના ખરા વ્યક્તિત્વને ઓળખવાની સફર પર પ્રકાશ પાડયો છે.

દિવ્યાંકા માટે 'અદ્રશ્યમ'ના એક્શનયુક્ત વિશ્વમાં પદાર્પણ કરવું તેની અગાઉની ભૂમિકાથી મહત્વનો વળાંક હતો. અન્ડરકવર ઈન્ટેલીજન્સ ઓફિસરના તેના ચિત્રણે તેની અભિનય પ્રતિભાને પડકારવા ઉપરાંત ફિલ્મ ઉદ્યોગમાં પ્રચલિત સૌંદર્યના ધોરણો પ્રત્યેના પરંપરાગત અભિગમને પણ પડકાર્યો છે.

દિવ્યાંકા કબૂલ કરે છે  કેવી રીતે તેના સુડોળ ફિગરને એક સમયે એક્શન રોલ માટે સુસંગત ન હોવાનું માનવામાં આવતું હતું અને પ્રોડયુસરો તેને આવા રોલમાં કાસ્ટ કરતા ખચકાતા હતા. જો કે 'ખતરોં કે ખિલાડી'માં તેના પરફોર્મન્સથી તેની ચપળતા અને ભાવના સાબિત થતા તેની શારીરિક ક્ષમતા મુજબના રોલ કરવાની તેની મનોકામના પૂર્ણ થઈ શકી હતી.

દિવ્યાંકા કહે છે કે, 'એવી ધારણા છે કે ચપળ મહિલાઓ જ એક્શન રોલ માટે યોગ્ય છે. મારી પાસે તે પ્રકારનું શરીર નથી, તેથી નિર્માતાઓ માટે તે વિચારવું મુશ્કેલ હતું કે હું પણ આવી ભૂમિકા નિભાવી શકું છું. અગાઉ જ્યારે પણ હું એક્શન રોલ ભજવવાની ઈચ્છા વ્યક્ત કરતી ત્યારે મને કહેવામાં આવતું કે તું આ નહીં કરી શકે. મને યાદ છે કે એક સમયે તો મને એટલા માટે રિજેક્ટ કરવામાં આવી હતી કારણ કે એવા પ્રકારના કોસ્ચ્યુમ મને ફિટ નહોતા થયા. '

'અદ્રશ્યમ'ના રોલની તૈયારી કરવી દિવ્યાંકા માટે પડકારજનક કાર્ય હતું.  પોતાની સફળતા છતાં દિવ્યાંકા વાસ્તવિક્તાથી દૂર નથી થઈ. પોતાના શારીરિક આકારને કારણે અનેક વાર રિજેક્ટ થઈ હોવાનું યાદ કરીને દિવ્યાંકાએ જણાવ્યું કે કેવી રીતે મહામારીએ આવા પ્રચલિત અભિગમમાં ફેરફાર કરવામાં સહાય કરી. દિવ્યાંકા માને છે કે સ્વસ્થ શરીર દ્વારા જ જીવનના પડકારોનો સામનો કરી શકાય છે તો પછી તેના માટે આટલો અણગમો શા માટે? દિવ્યાંકાના મતે તમામને પોતાના શરીર પર ગર્વ હોવો જોઈએ.

સફળ હોવા છતાં દિવ્યાંકાએ નમ્રતાના ગુણ નથી ત્યજ્યા, પણ પોતાની જન્મજાત નમ્રતાને ઘણીવાર લોકો ઢોંગ સમજી લેવાની ધારણાને દિવ્યાંકા નકારે છે. તેના શાળાના દિવસોથી લઈને વ્યાવસાયિક કારકિર્દી સધી તેણે પોતાના મૂળ સ્વભાવ બાબતે લોકોની શંકાનો સામનો કરવો પડયો છે. કેટલાકે તો દિવ્યાંકાને પોતાનો નમ્ર સ્વભાવ છોડી દેવાની સલાહ આપી હતી. સમાજની અપેક્ષા મુજબ વર્તન કરવાનો ઈન્કાર કરીને દિવ્યાંકાએ પ્રમાણિક્તા અપનાવી અને સાલસ સ્વભાવનો નબળાઈ નહિ પણ એક ગુણ તરીકે સ્વીકાર કર્યો છે.  


Google NewsGoogle News