દિવ્યા ખોસલાનો પુણ્યપ્રકોપ કરણ જોહર મારૂં અપમાન શી રીતે કરી શકે?
બોલિવુડમાં તાજેતરમાં એક એવો વિવાદ થયો કે જેને કારણે સૌનું ધ્યાન ખેંચાયંુ. વિવાદમાં એક પક્ષે હતી નિર્માતા ભૂષણકુમારની એક્ટ્રેસ-પ્રોડયુસર પત્ની દિવ્યા ખોસલા અને વિરોધી છાવણીમાં છે કરણ જોહર તથા આલિયા ભટ્ટ. બન્યું એવું કે દિવ્યાએ થોડા દિવસો પહેલાં રજૂ થયેલી ફિલ્મ 'જિગરા' બાબતે કરણ જોહર અને આલિયા ભટ્ટની જાહેરમાં ટીકા કરી. આ બન્ને 'જિગરા'નાં સહનિર્માતા છે અને અફ કોર્સ, આલિયા ફિલ્મની મુખ્ય હિરોઈન છે. 'જિગરા'ની રજૂઆત બાદ તરત જ દિવ્યાએ આરોપ મૂક્યો કે એક તો, આ ફિલ્મની કહાણીની ઉઠાંતરી કરવામાં આવી છે અને બીજું, બૉક્સ ઑફિસની કમાણીના જે આંકડા જાહેર થઈ રહ્યા છે તે તદ્ન બનાવટી છે. આખાં થિયેટરો ખાલીખમ પડયાં હોય તો પણ બુકમાયશો વેબસાઇટ પર ફિલ્મ હાઉસફુલ દેખાડે છે!
દિવ્યા ખોસલાએ કહ્યું હતું કે, ''જિગરા'ની કહાણી થોડા સમય પહેલાં જ રજૂ થઈ ચૂકેલી મારી ફિલ્મ 'સાવી'ની પટકથા સાથે બિલકુલ મળતી આવે છે. આલિયાના સ્ટાર પાવર અને કરણ જોહરના પ્રભાવને કારણે 'સાવી'ના મારા કામને ખોટી રીતે દબાવી દેવામાં આવ્યું છે.'
અધૂરામાં પૂરું, 'સાવી'નું સહનિર્માણ આલિયાના કાકા મુકેશ ભટ્ટે કર્યું હતું તેથી બળતામાં ઘી હોમાયું. દિવ્યાએ સોશિયલ મીડિયા, ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર પોતાની ચિંતા જાહેરમાં વ્યક્ત કરવા માંડી હતી. ખાલી ઓડિટોરિયમનો ફોટો મૂકીને એણે ટિપ્પણી કરી હતી કે, ''જિગરા' જે થિયેટરોમાં રજૂ થઈ હતી ત્યાં ખુરશીઓ ખાલી પડી છે તેમ છતાં બોક્સ ઓફિસના મસમોટા આંકડા દેખાડીને ફિલ્મની સફળતાની બાંગો પોકારવામાં આવે છે. આ રીત સાવ ખોટી છે. આમ કરવાથી ફિલ્મોદ્યોગની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ઊભો થાય છે. અમે ક્રિયેટિવ લોકો છીએ. આ કંઈ શેર માર્કેટ નથી. કોઈપણ ફિલ્મનું મૂલ્ય તેના વિષયવસ્તુ તેમજ કળાત્મકતા મુજબ અંકાવું જોઈએ. ફિલ્મની સફળતા માટે આંકડાઓમાં હેરાફેરી કરવી કેટલું યોગ્ય ગણાય?'
ન જ ગણાય. આંચકાજનક બાબત તો એ હતી કે દિવ્યા ખોસલાના આ આરોપો-દાવાઓને દબાવી દેવા માટે કરણ જોહરે એને અપમાનજનક ભાષામાં જવાબ આપ્યો હતો. તેણે એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં દિવ્યાને 'મૂર્ખ' કહી હતી. તેના જવાબમાં દિવ્યાએ તીવ્ર નારાજગી વ્યક્ત કરી. એણે કહ્યું, 'શંે આ રીતે ખોટા વ્યવહાર સામે અવાજ ઉપાડનાર મહિલાને મૂર્ખ કહેવી યોગ્ય ગણાય? કરણની આવી પ્રતિક્રિયા ઈન્ડસ્ટ્રીમાં બેઠેલા પ્રભાવશાળી લોકો શી રીતે અન્યોને ચૂપ કરવાનું કામ કરે છે તે દેખાડે છે. જો અહીં મારી સાથે આવું થઈ રહ્યું છે તો વિચાર કરો કે અહીં કામ કરવા આવનારા નવોદિતો સાથે શું થતું હશે?'
અભિનેત્રી આટલું કહીને ચૂપ નહોતી થઈ. તેણે ઉમેર્યું, 'આ ઈન્ડસ્ટ્રીમાં કોઈ રાજા નથી. કરણ જોહર જેવા દિગ્ગજોને કોઈને ઉતારી પાડવાનો અધિકાર નથી.' તેણે આલિયા પર પણ નિશાન સાધતા કહ્યું હતું કે તે આલિયા ચુપચાપ આ બધો તાલ જોઈ રહી છે, પણ એની સાથે બીજી અપેક્ષા પણ શી રાખી શકાય? જોકે દિવ્યા આલિયાની પ્રશંસા કરવાનું પણ નહોતી ચૂકી. તેણે કહ્યું હતું કે આલિયા એક અચ્છી અદાકારા છે. તેને પોતાની ફિલ્મ સફળ થઈ છે એવું દર્શાવવા માટે બૉક્સ ઑફિસના આંકડાઓ વધારીને કહેવાની જરૂર નથી. આ બધી ખોટી પ્રેક્ટિસ સામે અવાજ ઉપાડવામાં હિમ્મતની જરૂર પડે છે, તેનો લાભ લેવામાં નહીં.
દિવ્યાએ કરણ જોહર વિરુદ્ધ આ જે નિવેદનો આપ્યાં છે તે સાંભળીને કંગના રણૌત જરૂર મંદ મંદ મુસ્કુરાતી હશે!