દિવ્યા દત્તા : અપરિણિત હોવાનો રંજ નથી
- 'હું મિત્રો સાથે હરવાફરવાની મોજ માણી લઉં છું. હા, મારા જીવનમાં પણ કોઈક ચમત્કાર થશે એવી આશા મેં છોડી નથી. સિંગલ હોવાને કારણે હું મારી જાતને અધૂરી માનતી નથી...'
હિન્દી ફિલ્મોદ્યોગમાં ફિલ્મી પરિવારોમાંથી આવતાં કલાકારોને ભલે પ્રાથમિકતા મળતી હશે, તેમનો પ્રારંભિક સંઘર્ષ ભલે ઓછો હશે, પરંતુ અહીં અભિનય કળાની કદર થાય છે, ચાહે આ હુન્નર બહારથી આવેલા કલાકારમાં કેમ ન હોય. અભિનેત્રી દિવ્યા દત્તા તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ અદાકારા માત્ર ૧૭ વર્ષની કાચી વયમાં લુધિયાણાથી મુંબઈ આવી હતી. આ પચરંગી શહેરની ધરતી પર પગ મૂક્યો ત્યારે દિવ્યાને ફિલ્મ શી રીતે મેળવવી, કોને મળવું, શી રીતે કામ માગવું જેવી એકેય વાતની ગતાગમ નહોતી. બસ, તેની આંખોમાં અંજાયેલું હતું અભિનેત્રી બનવાનું સપનું. આજે તેને બૉલીવૂડમાં આવ્યે ત્રણ ત્રણ દશકના વહાણા વાઈ ગયા છે. દિવ્યાનું નામ ટોચની અભિનેત્રીઓમાં સામેલ છે. થોડા સમય પહેલા જ તેની ફિલ્મ 'શર્માજી કી બેટી' રજૂ થઈ. પરંતુ તેની આ ૩૦ વર્ષની ફિલ્મી યાત્રા આસાન નથી રહી. ખાસ કરીને પ્રારંભિક તબક્કો.
દિવ્યા દત્તા આ બાબતે કહે છે કે હું ૧૭ વર્ષની ઉંમરે મુંબઈ આવી ત્યારે મને ખબર નહોતી કે મારે કોને મળવાનું છે, શું કરવાનું છે, સાચા-સારા લોકો કોણ છે, કઈ ફિલ્મ હાથ ધરવી જોઈએ અને કઈ નહીં વગેરે વગેરે.., પણ હું હિમ્મત ન હારી. પ્રારંભિક તબક્કે મને પુષ્કળ વખત રિજેક્ટ કરવામાં આવી હતી. મોટાભાગના ફિલ્મ સર્જકો કહેતાં કે આ ૧૭ વર્ષની છોકરી હીરો સાથે બાળકી જેવી લાગશે. જોકે ધીમે ધીમે મને મલ્ટીસ્ટારર મૂવીઝમાં કામ મળવા લાગ્યું. ત્યાર બાદ મને 'ટ્રેન ટુ પાકિસ્તાન' મળી. આ ફિલ્મમાં મને કન્યાની ભૂમિકા જ ભજવવાની હતી. પરંતુ મારું કામ બધાને બહુ ગમી ગયું હતું. ત્યાર બાદ મને આર્ટ ફિલ્મ 'શહિદ એ મોહબ્બત' મળી. આ મૂવીએ મારા માટે આર્ટ ફિલ્મોના દરવાજા ખોલી નાખ્યાં. હું ખુશનસીબ છું કે મને આર્ટ અને કમર્શિયલ, એમ બંને પ્રકારની ફિલ્મોના દિગ્ગજો ગણાતા શ્યામ બેનેગલ, ઋતુપર્ણો ઘોષ, રાકેશ મેહરા, યશ ચોપડા જેવા સર્જકો સાથે કામ કરવાના અવસર મળ્યાં.
જોકે દિવ્યા આજે પણ પોતાને આરંભના તબક્કામાં મળેલા ખોટા આશ્વાસનો તેમ જ નકાર વિસરી નથી. અભિનેત્રી કહે છે કે આ ઇન્ડસ્ટ્રીમાં કોઈ તમને એમ નથી કહેતું કે તમને કામ આપવામાં નહીં આવે. તેથી નવોદિતો સકારાત્મક પ્રતિસાદની રાહ જોઈને લટકતા બેસી રહે. અને જ્યારે તેમને જાણ થાય કે જે ભૂમિકા મળવાની તેમને ખાતરી હતી તે અન્ય કોઈને આપી દેવામાં આવી છે ત્યારે તેમની નિરાશાનો પાર નથી રહેતો. મારી સાથે પણ આવું જ થયું હતું. હું ઘરે જઈને ખૂબ રડી હતી. પરંતુ મારી મમ્મીએ મને સધિયારો આપતાં કહ્યું હતું કે આજે જે લોકોએ તને કામ નથી આપ્યું તેઓ આવતીકાલે સામે ચાલીને તારી પાસે આવશે. અને ખરેખર એમ જ બન્યું.
દિવ્યા આયખાના અર્ધશતકને આરે પહોંચી હોવા છતાં અપરિણિત છે. અલબત્ત, તેને એમ લાગે છે કે એક સરસ મઝાનો જીવનસાથી હોવો જોઈએ. પરંતુ તે ન હોવાનો રંજ પણ અદાકારાને નથી. દિવ્યા કહે છે કે સિંગલ હોવાનો પણ એક ચાર્મ છે. આમ છતાં ક્યારેક મને જીવનસાથીની ખોટ સાલે છે. ખાસ કરીને હરવાફરવા જઈએ ત્યારે એમ થાય કે મારા હાથમાં હાથ પરોવીને ચાલે એવું કોઈક હોય તો મોજ પડી જાય. પરંતુ તે નથી તો હું મિત્રો સાથે પણ સહેલગાહ માણી લઉં છું. હા, મારા જીવનમાં પણ કોઈક ચમત્કાર થશે એવી આશા મેં છોડી નથી. આમ છતાં હું મને અધૂરી નથી માનતી.
હમણાં હમણાં દિવ્યા ગણતરીની ફિલ્મોમાં જ દેખાઈ રહી છે. આનું કારણ આપતાં અભિનેત્રી કહે છે કે અમને ક્યારેક સાગમટે ફિલ્મો મળી રહે અને ક્યારેક લાંબા સમય સુધી મનગમતી મૂવી ન મળે. આવી સ્થિતિમાં ક્યારેક ગણતરીની ફિલ્મો જ રજૂ થાય એવું બને. તે વધુમાં કહે છે કે ગયા વર્ષે મેં ઘણી ફિલ્મોનું શૂટિંગ કર્યું છે તેથી હવે આ ફિલ્મો એક પછી એક રજૂ થતી જશે. તેમાંથી સૌથી પહેલા 'બંદિશ બેન્ડિટ્સ'ની નવી સિઝન રજૂ થશે. ત્યાર પછી દર્શન ત્રિવેદીની 'એક રુકા હુઆ ફૈસલા', 'છાવા' અને એક સાઉથની ફિલ્મ.
અભિનેત્રી અચ્છી લેખિકા પણ છે. તે કહે છે કે હમણાં હું બાળવાર્તાઓ લખી રહી છું. મને મારા ઘણાં દિગ્દર્શક મિત્રો ફિલ્મ માટે પટકથા લખવાનું કહે છે, પરંતુ હું પુસ્તકો લખવામાં વધુ ખુશી અનુભવું છું.