દિવ્યા દત્તા : ગયા વર્ષની સફળતાના જશ્ન સાથે આ વર્ષને યાદગાર બનાવવાની તૈયારી
- 'હું પાછળ ફરીને જોઉં છું તો મારું મન અભિભૂત થઈ જાય છે. અલબત્ત, હું હજી ઘણું કરવા માગું છું'
'શર્માજી કી બેટી' અને 'બંદિશ બેન્ડિટ્સ'માં આગવું પરફોર્મન્સ કરીને અભિનેત્રી દિવ્યા દત્તાએ વધુ એક વખત પુરવાર કરી બતાવ્યું છે કે તે તેના પ્રત્યેક પ્રોજેક્ટ સાથે દર્શકો તેમ જ ફિલ્મ સર્જકોને આશ્ચર્યમાં નાખી શકે છે.
આ અદાકારાને કોઈપણ ભૂમિકા આપો, તે તેમાં ક્યાંય કચાશ નહીં રાખે. 'બંદિશ બેન્ડિટ્સ'માં તેણે ભજવેલી 'નંદિની'ની ભૂમિકા પર દર્શકો ઓવારી ગયા છે.
અભિનેત્રી કહે છે કે મને તેની પહેલી સીઝન બહુ ગમી હતી. તેથી જ્યારે દિગ્દર્શક આનંદ તિવારીએ મને તેની બીજી સીઝનની ઑફર કરી ત્યારે હું સારી રીતે જાણતી હતી કે આમાં મને કાંઈક ખાસ કરવા મળશે.
જ્યારે દર્શકોએ બીજી સીઝનને જેટલા પ્રેમથી વધાવી તે જોઈને મારી ખુશીનો પાર નહોતો. ઇન્ડસ્ટ્રીએ પણ તેને બેમોઢે વખાણી. મને વધામણાં આપતાં સેંકડો ફોન અને મેસેજ આવ્યાં. એક કલાકારને તેનાથી વધુ શું જોઈએ?
જોકે હવે દિવ્યા આ વર્ષ પર નજર રાખી રહી છે. તેના હાથમાં આ વર્ષમાં કરવા માટે ઘણું કામ છે. 'છાવા' ઉપરાંત શુક્લા બાંદોપાધ્યાયની બાયોપિક, બેન રેખીના દિગ્દર્શનમાં મનોજ બાજપેઈ સાથેની ફિલ્મ ઉપરાંત મુખ્ય ભૂમિકા ધરાવતા બે વેબ શો. આટલું ઓછું હોય તેમ તે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ પદાર્પણ કરી રહી છે.
અદાકારા કહે છે કે ફિલ્મોદ્યોગમાં આવ્યે મને ત્રણ દશક થઈ ગયાં. સમયની સાથે સાથે દર્શકોનો પ્રેમ પણ ઉત્તરોત્તર વધતો રહ્યો છે. હું પાછળ ફરીને જોઉં છું તો મારું મન અભિભૂત થઈ જાય છે. અલબત્ત, હું હજી ઘણું કરવા માગું છું. અને તેને માટે સખત પરિશ્રમ કરવાની મારી પૂરેપૂરી તૈયારી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ટોચના ફિલ્મ સર્જકો દિવ્યાને વારંવાર પોતાના પ્રોજેક્ટમાં લેવા ઇચ્છે છે. આ જ સારું કામ આવવાનું હજી બાકી છે.