દિવ્યા દત્તા ટાઇટલ રોલ મેળવવાનો હરખ સમાતો નથી
- ધર્મેન્દ્ર અને દિવ્યા દત્તા લુધિયાણાના એક જ ગામનાં છે. જો દિવ્યાએ ધર્મેન્દ્રની વાત માની હોત તો હિન્દી ફિલ્મોદ્યોગ એક અચ્છી અભિનેત્રી ગુમાવી દીધી હોત.
છેક ૧૯૯૪માં હિન્દી ફિલ્મોદ્યોગમાં 'ઇશ્ક મેં જીના, ઇશ્ક મેં મરના'થી ડેબ્યુ કરનાર અભિનેત્રી દિવ્યા દત્તા આજે ટોચની અદાકારાઓમાં ગણના પામી રહી છે. હવે તે એવા મુકામ પર પહોંચી છે જ્યાં તેના માટે ખાસ રોલ લખાય છે.
દિવ્યા કહે છે કે હવે મારા માટે આગવા રોલ લખાય છે અને મને કહેવામાં આવે છે કે જો હું તેમાં કામ નહીં કરું તો તેઓ એ પ્રોજેક્ટ પડતો મૂકી દેશે. હવે મને સારા સારા પ્રોજેક્ટમાં ટાઇટલ રોલ મળી રહ્યા છે. મેં ધીમે ધીમે આગળ વધીને આ મુકામ હાંસલ કર્યો છે. છેલ્લે 'શર્માજી કી બેટી'માં જોવા મળેલી દિવ્યા હમણાં સંજય વર્મા સાથે એક વેબ શોનું શૂટિંગ કરી રહી છે. મનોજ વાજપેઈ સાથે એક ફિલ્મનું શૂટિંગ તાજેતરમાં જ પૂરું કર્યું છે.
દિવ્યાએ 'મી એન્ડ મા' તેમ જ 'ધ સ્ટાર ઇન ધ સ્કાય' એમ બે પુસ્તકો પણ લખ્યાં છે. હવે તે બાળકો માટે એક પુસ્તક લખવાનું આયોજન કરી રહી છે. તાજેતરમાં જ લખનઉ ખાતે શૂટિંગ કરી રહેલી દિવ્યાએ કામમાંથી એક દિવસનો બ્રેક લઈને પોતાના પરિવાર સાથે પોતાનો ૪૭મો જન્મદિન ઉજવ્યો હતો. અભિનેત્રી કહે છે કે કુટુંબ સાથે આવો સમય વિતાવવાથી જે નાની નાની ખુશીઓ મળે છે તેની તોલે બીજું કાંઈ ન આવે.
આગામી સમયમાં દિવ્યા વિકી કૌશલ સાથેની ફિલ્મ 'છાવા' તેમજ વેબ શો 'બંદિશ બેન્ડિટ્સ'માં જોવા મળશે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે હિન્દી ફિલ્મોદ્યોગના જ એક ટોચના અભિનેતાએ દિવ્યાને સિનેઉદ્યોગમાં કામ ન કરવાની અને મુંબઈ છોડી પોતાના મૂળ વતનમાં પરત ફરવાની સલાહ આપી હતી. આ કલાકાર એટલે બીજું કોઈ નહીં, પરંતુ બોલીવૂડના હી-મેન ગણાતા ધર્મેન્દ્ર હતા. વાત જાણે એમ છે કે ધર્મેન્દ્ર અને દિવ્યા લુધિયાણાના એક જ ગામના છે. ધર્મેન્દ્ર દિવ્યાની મમ્મીને બહેન માને છે. દિવ્યા જ્યારે ફિલ્મોમાં કામ કરવા મુંબઈ આવી ત્યારે હિન્દી ફિલ્મોદ્યોગમાં બહારથી આવતા કલાકારો માટે કામ મેળવવું અત્યંત મુશ્કેલ હતું. વળી દિવ્યા પોતાની બહેનની દીકરી હોવાથી ધર્મેન્દ્રને તેની ચિંતા પણ સતાવતી હતી તેથી તેણે એને ઘરે પરત ફરી જવાની સલાહ આપી હતી, પરંતુ દિવ્યા ફિલ્મોમાં કામ કરવા બાબતે અડગ હતી. આજે ધર્મેન્દ્રને એ વાતની ખુશી છે કે દિવ્યા તેની વાત ન માની. તાજેતરમાં એક સમારોહ દરમિયાન ધર્મેન્દ્રએ સ્વયં આ વાત કહી હતી. આ પીઢ અભિનેતાની કબૂલાત બાદ એમ કહેવું વધારે પડતું નહીં ગણાય કે જો દિવ્યા ધર્મેન્દ્રની વાત માનત તો હિન્દી ફિલ્મોદ્યોગ એક અચ્છી અભિનેત્રી ગુમાવી બેસત.