વિવાદ, તારૂં બીજું નામ સોનુ નિગમ છે... .

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
વિવાદ, તારૂં બીજું નામ સોનુ નિગમ છે...                                    . 1 - image


- સિને મેજિક- અજિત પોપટ

- 'તમે કોઇને મ્યુઝિક રિયાલિટી શોમાં જજ બનાવો ત્યારે એની સ્વતંત્રતા ન જળવાય તો જજ તરીકે સેવા આપવાનો કશો અર્થ રહેતો નથી. હું પૈસા કમાવાના હેતુથી જજ બન્યો નથી. હું મારા પરિવારના નિર્વાહ માટે પૂરતું કમાઇ લઉં છું. સતત સ્પર્ધકોના ખોટા વખાણ કરીને હું કંટાળેલો એટલે મેં એ પ્રોગ્રામ છોડી દીધો.'

પા ર્શ્વગાયક તરીકે સફળ થયા બાદ સોનુના સ્ટેજ પ્રોગ્રામ્સ અગાઉ કરતાં વધ્યા. આમ થવું સ્વાભાવિક હતું. ઘણીવાર એ અઠવાડિયામાં ચારેક રાત સ્ટેજ પ્રોગ્રામ્સમાં બિઝી રહેતો. આવા કાર્યક્રમ હોય ત્યારે સોનુ મોડી રાત્રે ઘેર પાછો ફરે. કેટલીક વાર એના સુવાના અને ઊઠવાના સમયપત્રકમાં અંધાધૂંધી સર્જાઈ જાય. મોડી રાત્રે આવે ત્યારે થાકેલો હોય. સરખી ઊંઘ આવે, ન આવે એવું પણ બને. આ સંજોગોમાં એકવાર એ ઉશ્કેરાઇ ગયો. બન્યું એવું કે મુંબઇના અંધેરી ઉપનગરમાં એ જે વિસ્તારમાં રહેતો એની નજીક એક મસ્જિદ હતી. આ મસ્જિદમાં રોજ મળસ્કે માઇક્રોફોનમાં અઝાન પોકારવામાં આવતી.

માંડ માંડ ગાઢ ઊંઘમાં સુતેલા સોનુની ઊંઘ ઊડી જાય. બે-ચાર વખત આવું થયું ત્યારે સોનુ અકળાઇ ગયો. ૨૦૧૭ના એપ્રિલની પચીસ છવ્વીસમીએ એણે સોશિયલ મીડિયા પર હૈયાવરાળ કાઢી. એણે લખ્યું, ભગવાન સૌનું ભલું કરે. હું મુસ્લિમ નથી છતાં રોજ સવારે મારે અઝાનને લીધે ઊઠી જવું પડે છે. ભારતમાં આવી ધામકતા પરાણે થોપી દેવાનું ક્યારે અટકશે? સોનુની આ ટ્વીટના બહુ ઘેરા પ્રત્યાઘાત પડયા. એના હજારો ચાહકોમાં મુસ્લિમ ટીનેજર્સ પણ હતા. ટ્વિટર પર સોનુની ટ્વિટના અસંખ્ય પ્રતિભાવ પ્રગટ થયા. 

હું મારા મંતવ્યને વળગી રહ્યો છું, કોઇના પર આ રીતે ધામકતા ઠોકી બેસાડાય નહીં, સોનુએ વળતા સંદેશમાં લખ્યું. એણે ઉમેર્યું કે મુહમ્મદ પયગંબરે ઇસ્લામની સ્થાપના કરી ત્યારે માઇક્રોફોન હતા કે? સાચા નમાઝીને નમાઝના સમયની જાણ હોય છે. માઇકમાં અઝાન પોકારવાની જરૂર નથી. હું કોઇ પણ મંદિર કે ગુરુદ્રારમાં પણ ઇલેક્ટ્રિસિટીનો વિરોધ કરું છું. જે લોકો તમારો ધર્મ પાળતા નથી એમને અઝાન દ્વારા શા માટે ઊઠાડો છો? આ તો એક પ્રકારની ગુંડાગીરી છે, બસ. આ ટ્વિટના પણ ઉગ્ર પ્રતિભાવ પડયા.

દરમિયાન, ઉત્તરપ્રદેશના એક ગરમ મિજાજના ગણાતા મૌલાનાએ ફતવો બહાર પાડયો કે સોનુનું માથું મૂંડી લાવે એને એક લાખ રૂપિયા ઇનામ રૂપે આપીશ. સોનુએ તરત પોતાના ઘુંઘરાળા વાળ કપાવી નાખ્યા અને પેલા મૌલાનાને કહ્યું કે લો, મારું માથું મૂંડાઇ ગયું. એક લાખ રૂપિયા મોકલી આપો. થોડો સમય આ રીતે સામસામા શાબ્દિક પ્રહારો થતા રહ્યા. પછી કેટલાક ડાહ્યા માણસોની સમજાવટથી બંને પક્ષે શાંતિ સ્થપાઇ.

ત્યારબાદ સોનુ અને એક ટીવી ચેનલ વચ્ચે વિવાદ સર્જાયો. સોનુ ઇન્ડિયન આઇડલના જજ તરીકે સેવા આપી રહ્યો હતો. એણે મીડિયા સમક્ષ કરેલા આક્ષેપ મુજબ સંબંધિત ટીવી ચેનલ એને દરેક સ્પર્ધકના ખોટેખોટા વખાણ કરવાની ફરજ પાડી રહી હતી. એણે કહ્યું, તમે કોઇને જજ બનાવો ત્યારે એની જજ તરીકેની સ્વતંત્રતા ન જળવાય તો જજ તરીકે સેવા આપવાનો કશો અર્થ રહેતો નથી. હું પૈસા કમાવાના હેતુથી જજ બન્યો નથી. હું મારા પરિવારના નિર્વાહ માટે પૂરતું કમાઇ લઉં છું. સતત સ્પર્ધકોના ખોટા વખાણ કરીને હું કંટાળેલો એટલે મેં એ પ્રોગ્રામ છોડી દીધો.

અન્ય એક પ્રસંગે પણ સોનુ વિના કારણે વિવાદમાં સંડોવાઇ ગયો. આ વિવાદ ગીતોની રોયલ્ટીનો હતો. જે મ્યુઝિક કંપનીઓ સોનુનાં ગીતો રેકોર્ડ કરતી હતી એની સાથે સોનુ રોયલ્ટીના મુદ્દે બાખડી પડયો. આવું જો કે મનોરંજન ઉદ્યોગમાં પહેલીવાર નથી બન્યું. ૧૯૫૦ના દાયકામાં સ્વરકિન્નરી લતા મંગેશકરે આ મુદ્દો હાથ ધર્યો હતો. એ સમયે મુહમ્મદ રફી અને લતા વચ્ચે વિસંવાદ સર્જાયો હતો. મુહમ્મદ રફી માનતા હતા કે એકવાર તમે ગીત રેકોર્ડ કર્યું અને એનું મહેનતાણું તમને મળી ગયું એટલે વાત પૂરી. લતા માનતી હતી કે એનાં ગાયેલાં ગીતો જેટલીવાર ઇલેક્ટ્રોનિક મિડિયા પર રજૂ થાય ત્યારે દરેક વખતે ગાયક-ગાયિકાને એની રોયલ્ટી મળવી જોઇએ. આ મુદ્દે થોડો સમય લતા અને મુહમ્મદ રફી સાથે ગાતાં અટકી ગયાં હતાં. પાછળથી આ મુદ્દે સમાધાન થયું હતું. રફીને એમના સંતાનોએ સમજાવી લીધા હતા..

મ્યુઝિક કંપનીઓ સાથેના રોયલ્ટીના વિવાદના પગલે મ્યુઝિક કંપનીઓએ સોનુનો બોયકોટ કર્યો. ૨૦૧૨થી ૨૦૧૫ સુધીના સમયગાળામાં સોનુને કામ મળતું બંધ થઇ ગયેલું. એટલું જ નહીં, અમુક મ્યુઝિક કંપનીઓએ સોનુનાં ગાયેલાં ગીતો અન્ય ગાયકોના કંઠે ડબ કરીને માર્કેટમાં મૂક્યાં હતાં. જોકે આ વખતે પણ સોનુ પોતાના વલણમાં મક્કમ રહ્યો હતો. આખરે એને ફિલ્મ ઉદ્યોગમાં ફરી માનભર્યું સ્થાન મળ્યું. એ. આર. રહેમાન અને શંકર અહેસાન લોય જેવા સંગીતકારોએ સોનુની તરફેણ કરી. એ પછી બીજા સંગીતકારોએ પણ સોનુ પાસે ગવડાવવા માંડયું. મ્યુઝિક કંપનીઓએ પણ સોનુ સાથે સમાધાન કરી લીધું.  


Google NewsGoogle News