Get The App

દિશાની દશા: સોશિયલ મીડિયા ઝિંદાબાદ....

Updated: Apr 25th, 2024


Google NewsGoogle News
દિશાની દશા: સોશિયલ મીડિયા ઝિંદાબાદ.... 1 - image


- 'આપણે પ્રેમને આપણી તાકાત બનાવીએ છીએ કે કમજોરી તે આપણા પર નિર્ભર રહે છે. દરેક વ્યક્તિની પર્સનાલિટી અલગ અલગ હોય છે એમ એના પ્રેમની અભિવ્યક્તિ પણ જુદી જુદી હોય છે'

કો ણે કહ્યું ન્યુઝમાં ચમકતા રહેવા માટે હિટ ફિલ્મોમાં કામ કરવું અનિવાર્ય છે? દિશા પટણીને જ જોઈ લો. (એ ખુદ ભલે કાલી કાલી ભાષામાં 'પટાની' બોલે, પણ અટક તો 'પટણી' જ.) દિશા પોતાના અભિનય  કરતાંય  ખાસ તો બોલ્ડ  ફોટોશૂટ  માટે હેડલાઈન્સમાં  ચમકતી રહે છે. એક જમાનામાં ચળકતાં ગ્લેમર મેગેઝિનોનાં મુખપૃ પર ફોટો છપાય તો મોટો મીર માર્યો હોય એમ ગણાતું. આજે આ ગ્લોસી મેગેઝિનો ખુદ અપ્રસ્તુત બની ગયા છે. વેલ, ઓલમોસ્ટ. આ સોશિયલ મીડિયાના ડિજિટલ યુગમાં જનતા સામે ખુદને પ્રદશત કરવા માટે સ્ટારલોકોને મેગેઝિનોની કશી ગરજ રહી નથી. એક પણ પૈસો ખર્ચ્યા વગર બની જતું એક ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પૂરતું છે! જો તમે સેલિબ્રિટી કે કોન્ટેન્ટ ક્રિયેટર હો તો ઇન્સ્ટાગ્રામ (કે યુટયુબ કે ફેસબુક) દ્વારા અઢળક રૂપિયા રળી શકો છો. દિશા સોશિયલ મીડિયાની આ ગેમમાં ઉસ્તાદ થઈ ગઈ છે.   

દિશાની ફિલ્મોની વાત કરવી જ હોય તો કહી શકાય કે એણે 'એમ.એસ. ધોની - ધ અનટોલ્ડ સ્ટોરી'થી બોલિવુડમાં  કરીઅરની શરૂઆત કરી હતી. 'બાગી-૨', 'ભારત', 'મલંગ', 'એક વિલન રિટર્ન્સ' જેવી  ફિલ્મોમાં  કામ કરનાર દિશા છેલ્લે 'યોદ્ધા'માં નજરે પડી હતી,  જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને રાશિ ખન્ના એના કો-એક્ટર્સ છે.

પોતાના મોડેલિંગના દિવસોને મમળાવતાં એ કહે છે, 'જો આજે મને એવું લાગતું હોય કે હું એક અભિનેત્રી છું તો તેનું કારણ કરણ જોહર છે.  બોલિવુડના એ પહેલા માણસ છે, જેમણે મારી નોંધ લીધી હતી. એ વખતે હું માંડ અઢાર વર્ષની હતી ને મોડેલિંગ કરતી હતી. જો કરણની નજર મારા પર ન પડી હોત તો આજે હું જ્યાં છું એ પોઝિશન પર ન હોત.'

સોશિયલ મીડિયા ભૂલી જઈને માત્ર અભિનયયાત્રાની વાત કરીએ તો દિશા પોતાનામાં કેવું પરિવર્તન નિહાળે છે? 'આઇ ડોન્ટ નો,' એ કહે છે, 'મને તો અત્યારે પણ દરેક ફિલ્મમાં કામ કરતી વખતે એવું જ ફીલ થાય છે જાણે આ મારી પહેલી ફિલ્મ છે. મારી કોઈ પણ ફિલ્મના શૂટિંગની  શરૂઆત થાય ત્યારે મારા પેટમાં ગલગલિયા થવા લાગે છે. હું મારા એકેએક દિવસનો હિસાબ લઉં છું. બાકી અભિનયયાત્રા ને એવા બધા વિશે હું કંઈ એક ખૂણામાં બેસીને વિચારતી નથી. મારે મારું પાત્ર કેવી રીતે નિભાવવાનું છે તેના પર જ મારું ધ્યાન હોય છે.'

અભિનય ઉપરાંત દિશાને ડાન્સ અને માર્શલ આર્ટ્સમાં પણ બહુ રસ છે. ડાન્સ તો જાણે બરાબર છે, પણ માર્શલ આર્ટ્સ? દિશા કહે છે, 'મારી મોટી બહેન, જે અત્યારે લશ્કરમાં છે, તે સારી ડાન્સર પણ છે. હું બાળપણમાં થોડી શરમાળ હતી એટલે ખૂલીને નાચી નહોતી શકતી. મુંબઈ આવ્યા પછી મને ડાન્સ શીખવાનો મોકો મળ્યો. હું જેકી જેનની બહુ મોટી ફેન હતી. આજેય છું. મારે માર્શલ આર્ટ્સ શીખવી હતી. મને એ વાતનો આનંદ છે કે ફિલ્મોમાં  આવ્યા પછી હું આ બન્ને બાબતો  શીખી શકી છું. મેં તાઇક્વોન્ડોની તાલીમ લીધી છે. શૂટ ન હોય ત્યારે મોટે ભાગે હું ઘરમાં જ હોઉં છું. મારા આ શોખને જ હું વધુ સમય આપવાનું પસંદ કરું છું.' 

દિશા પટણીનું નામ તો લાંબા સમયથી ટાઈગર શ્રોફ સાથે જોડાતું રહ્યું  છે. જોકે બંનેએ ક્યારેય મગનું નામ મરી પાડયું નથી. હવે એવું પણ કહેવાય છે કે બન્ને વચ્ચે પહેલાં જેવું રહ્યું નથી. હવે તેમની વચ્ચે રોમાન્ટિક રિલેશનશીપ નથી, હવે તેઓ ફક્ત 'વેરી ગુડ ફ્રેન્ડ્ઝ' જ છે.

'પ્રેમની વ્યાખ્યા દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે,' દિશા કહે છે, 'આપણે પ્રેમને આપણી તાકાત બનાવીએ છીએ કે કમજોરી તે આપણા પર નિર્ભર રહે છે. દરેક વ્યક્તિની પર્સનાલિટી અલગ અલગ હોય છે એ જ રીતે એના પ્રેમનું સ્વરૂપ પણ જુદું જુદું હોય છે.' 

દિશા હવે ત્રણ ફિલ્મોમાં દેખાવાની છે. એક છે પ્રભાસ, અમિતાભ બચ્ચન, દીપિકા પદુકોણને ચમકાવતી 'કલ્કિ ૨૮૯૮ એડી'. આ ફિલ્મના ટીઝરમાં દિશા પણ આંખના પલકારા જેટલા સમય માટે દેખાય છે. એની 'કંગુવા' નામની તમિળ ફિલ્મનું શૂટિંગ ઓલરેડી ચાલી રહ્યું છે. આ સિવાય કોમેડી ફિલ્મ 'વેલકમ'ની નવી સિક્વલ 'વેલકમ ટુ ધ જંગલ'ની તોસ્તાનછાપ કાસ્ટમાં એક નામ દિશાનું પણ છે.

દિશાને સોશિયલ મીડિયાને કારણે જેટલું અટેન્શન મળે છે એના કરતાં અનેક ગણું વધારે અટેન્શન એની ફિલ્મોને કારણે મળે ત્યારે એ સાચી!   


Google NewsGoogle News