દિલજીતનો હુંકાર દોસાંજવાલા હું, ઐસે નહીં હટુંગા!
એક જમાનામાં ભારતમાં ઇંગ્લિશ ગીતોને સ્ટેજ પરથી ગાવામાં આવે એટલે એ પોપ મ્યુઝિક ગણાય એવી સમજ પ્રવર્તતી હતી. તેમાં પણ આ પ્રકારના જલસા મહાનગરોમાં જ થતા હતા. નાનાં શહેરોમાં તો પોપ મ્યુઝિકની કોન્સર્ટ યોજવાનું કોઇને સૂઝતું પણ નહોતું. હવે જમાનો બદલાયો છે. હવે તો ભારતની પ્રાદેશિક ભાષાઓમાં પોપ સંગીત લોકપ્રિય બની રહ્યું છે. અને કમાલની વાત એ છે કે આ સંગીતને ફિલ્મોની કાખઘોડીની જરૂર રહી નથી. ભારતમાં આજે દિલજીત દોસાંજ પોપ મ્યુઝિકનો નવો હીરો છે. તેની ભારતના દસ શહેરોની ટૂર દિલ લુમિનાટી સુપરહીટ નીવડતાં આજકાલ દિલજીત સાતમા આસમાનમાં છે.
દિલજીત એવો પંજાબી બંદો કોઇની શેહમાં આવતો નથી. અનંત અંંબાણીના વનતારા ખાતે યોજાયેલાં સંગીત જલસામાં રિહાન્નાએ પોતાની કળાના કામણ પાથર્યા તે પછી દિલજીતની એન્ટ્રી થઇ. અને તેણે હાજર રહેલાં દરેક જણને થીરકતાં કરી દઇ પોતાની પ્રતિભા દર્શાવી હતી.
રસપ્રદ બાબત એ છે કે દિલજીત પંજાબી છે અને તે પંજાબી અને હિન્દીમાં પોતાના ગીતો રજૂ કરે છે. સામાન્ય રીતે હિન્દી ગીતો રજૂ કરનારા ગાયકોની પહોંચ ઉત્તર ભારત પૂરતી મર્યાદિત રહેતી હતી, પણ દિલજીતે તેની દિલ લુમિનાટી ટુર હૈદરાબાદ, અમદાવાદ ,ઇન્દોર, જયપુર, કોલકાતા અને ગોહાટી જેવાં પ્રાદેશિક શહેરોમાં કરી પુરવાર કર્યું છે કે સંગીતને ભાષાના કોઇ સીમાડા નડતાં નથી. કમાલની વાત તો એ છે કે જ્યાં પણ તેનો કાર્યક્રમ થાય ગણતરીની મિનિટોમાં જ તેની તમામ ટિકિટો વેચાઇ જાય છે. મુંબઇ જેવા શહેરમાં તેની કોન્સર્ટની ટિકિટનો દર પાંચ હજાર રૂપિયાથી તો શરૂ થાય છે. જે ગુજરાતીઓ ગરબા સિવાય બીજા કોઇ તાલમાં નાચે નહીં તેમણે પણ દિલજીતની અમદાવાદની કોન્સર્ટમાં જે ધસારો કર્યો હતો તે અભૂતપૂર્વ હતો.
દિલજીત પોતાની કોન્સર્ટમાં મેં હું પંજાબનો નારો લગાવે જ છે. તેને કારણે એક પ્રકારનો માહોલ બની જાય છે. દિલજીત તેના દર્શકો સાથે બહું સરળતાથી જોડાઇ શકે છે. પંજાબી અને પીવાની વાત ન હોય એવું તો બને જ નહીં. અમદાવાદમાં તેણે લાક્ષણિક રીતે પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું, જે દિવસે ભારતમાં દારૂબંધી લાગુ પડશે એ દિવસે હું દારૂના ગીતો ગાવાના બંધ કરી દઇશ! ચંદીગઢના એક આસિસ્ટન્ટ પ્રોફેસરે તેની સામે દારૂના ગુણગાન ગાવા બદલ ફરિયાદ નોંધાવી હતી. રસપ્રદ બાબત એ છે કે દિલજીત સામે ફરિયાદ થઇ તેના આગલા દિવસે જ તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. વડાપ્રધાને પણ નાનકડા ગામનો છોકરો ઇન્ટરનેશનલ સ્તરે ચમકે ત્યારે ગર્વ થાય જ એમ જણાવી તેની સિદ્ધિને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે બહુમુખી પ્રતિભા ધરાવતાં દિલજીતમાં કળા અને પરંપરાનો સંગમ થયો છે. વેલડન,પંજાબ દા પુત્તર!