દિયાનો પર્યાવરણ પ્રેમ એને યુએન સુધી દોરી ગયો

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
દિયાનો પર્યાવરણ પ્રેમ એને યુએન સુધી દોરી ગયો 1 - image


- 'અમુક ફિલ્મોના નસીબમાં બૉક્સ ઑફિસનો બિઝનેસ નહિ, પણ લોકોનો પ્રેમ લખાયો હોય છે. 'ભીડ'માંથી શીખવા જેવું ઘણું છે અને એ એક ઉમદા ઉદ્દેશ્ય સાથે બનાવાઈ છે. '

બોલિવુડ સુખ-સમૃદ્ધિમાં આળોટતી અને નરી ભૌતિકતામાં રાચતી દુનિયા છે. બહુ ઓછા એવા એક્ટરો છે જેઓ પર્યાવરણ સાથે નિસ્બત રાખે છે અને પર્યાવરણની જાળવણીમાં નક્કર યોગદાન આપે છે. બ્યુટી ક્વિન દિયા મિર્ઝા એમાંની એક છે. એક સારી અભિનેત્રી હોવા ઉપરાંત દિયા સમાજના હિતમાં કામ કરતી વ્યક્તિ પણ છે. એ એક એક્ટિવિસ્ટ તરીકે વરસોથી પર્યાવરણની સુધારામાં પોતાનું યોગદાન આપતી આવી છે. એની વૈશ્વિક સ્તરે નોંધ લેવાઈ છે અને દિયાને સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભા (યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી)ની બેઠકમાં યુએન ગુડવિલ એમ્બેસેડર તરીકે ભાગ લેવા આમંત્રણ અપાયું છે. આ બેઠકમાં દિયાની હાજરી એટલા માટે મહત્ત્વની બની રહે છે કે યુએનજીએની આંતરરાષ્ટ્રી મુદ્દાઓ પર પોલિસી મેકિંગમાં મહત્ત્વની ભૂમિકા હોય છે. યુએનની બેઠકમાં હાજરી આપવા રવાના થતા પહેલાં મિર્ઝાએ મીડિયા સાથે વિવિધ વિષયો પર વાતચીત કરી હતી.

પત્રકારો સાથેના ઇન્ટરએક્શન દરમિયાન દિયાને વિવિધ વિષયો પર પ્રશ્નો કરાયા હતા. દેખીતી રીતે પહેલો સવાલ પર્યાવરણ સંબંધી હતો, 'વરસોથી તમે પર્યાવરણ ક્ષેત્રે કામ કરી રહ્યા છો. શું તમને લાગે છે કે કોવિડ પછી લોકોમાં પર્યાવરણ માટે વધુ જાગરૂકતા આવી છે?' એકટ્રેસના જવાબમાં એનો પોઝિટીવ એટિટયુટ જોઈ શકાય છે, 'બદલાવ તો ચોક્કસ આવ્યો છે. શિક્ષિત લોકો હવે સમજવા લાગ્યા છે કે કુદરતનું, પ્રકૃતિનું કેટલું મહત્ત્વ છે અને ક્લાઇમેટ ચેન્જના કેવાં માઠાં પરિણામો આવી શકે છે. લોકો માત્ર બદલાઈ નથી રહ્યા, પણ ઋતુપરિવર્તન જેવી બાબતો માટે કામ પણ કરી રહ્યા છે. આ એક એવો મુદ્દો છે જેમાં સામાન્ય માનવીથી લઈ સમાજના ક્રિમી લેયરના મહાનુભવો સુધીના બધાએ જોડાવું પડશે. આર્થિક વિકાસનો હાલ જે કોન્સેપ્ટ છે એ બદલવો પડશે. સ્કૂલોના બાળકો માટે પર્યાવરણનો અભ્યાસ ફરજિયાત કરવો જોઈએ. કચરાના નિકાલ માટે તાકીદે કામે લાગવું પડશે. તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાના ૫૦ સૌથી વધુ પ્રદુષિત શહેરોમાંથી ૪૦ એકલા ભારતમાં છે.'

બીજા પ્રશ્નમાં પૂછાય છે, 'તમે યુએનજીએની મિટિંગમાં યુએન ગુડવિલ એમ્બેસેડર અને યુએન સેક્રેટરી-જનરલના એડવોકેટ તરીકે ભાગ લેવા જઈ રહ્યા છો ત્યારે મનમાં કેવા વિચારો રમી રહ્યા છે?' દિયાના ઉત્તરમાં ઉત્સાહ વર્તાય છે, 'સર, મને એ વાતની ખુશી છે કે કોવિડ કાળ પછી મને આ બેઠકમાં ભાગ લેવાની તક મળી છે. જી-૨૦ સમિટ પછી પર્યાવરણ માટે ભારત અને વિશ્વના બીજા દેશોની પ્રતિબદ્ધતા વધી છે. આપણી યુવા પેઢીના એન્વાયર્નમેન્ટ માટે જે વિચારો અને કામ છે એની ગૌરવ-ગાથા સાથે લઈને જઈ રહી છું. મારા ભાથામાં એ લોકોના કારનામા છે જેમણે સમુદ્ર તટોને કચરામુક્ત કરી સુંદર બનાવ્યા છે. આ ઉપરાંત વાઇલ્ડલાઇફ માટે પણ ઘણું કામ થયું છે. યુએનની મિટિંગમાં મારું ફોકસ સોલ્યુશન પર રહેશે.'

પર્યાવરણ પછી દિયાના પ્રોફેશનની વાત નીકળે છે અને એને પૂછાય છે કે સમીક્ષકોએ તમારી ફિલ્મ 'ભીડ'ને ઘણી વખાણી પણ એ બૉક્સઑફિસ પર ચાલી નહિ. તમારા મતે એનું શું કારણ હોઈ શકે? એકટ્રેસ એનો શાંતિથી જવાબ આપે છે, 'તમે સૌ જાણો છો કે અમુક ફિલ્મોના નસીબમાં બૉક્સ ઑફિસનો બિઝનેસ નહિ, પણ લોકોનો પ્રેમ લખાયો હોય છે. મેં 'ભીડ'ના પ્રમોશન દરમિયાન કહ્યું હતું કે આ ફિલ્મ લોકોનાં દિલોને સ્પર્શી જશે અને એમાં પોતાનું સ્થાન બનાવશે. આ ફિલ્મમાં શીખવા જેવું ઘણું છે અને એ એક ઉમદા ઉદ્દેશ્ય સાથે બનાવાઈ છે. એમાં બેમત ન હોઈ શકે.'

સમાપનમાં એક ઓપચારિક પૃચ્છા, 'તમારા આગામી પ્રોજેક્ટ્સ શું છે?' દિયા એનો શોર્ટ એન્ડ સ્વીટ ઉત્તર આપતા કહે છે, 'મને હમણાં જ જાણવા મળ્યું છે કે મારી ફિલ્મ 'ધકધક' રિલીઝ માટે તૈયાર છે એટલે હું યુએનની મિટિંગમાંથી પાછા ફર્યા બાદ એના પ્રમોશનમાં લાગી જઈશ. વેબ સીરિઝ 'મેઇડ ઈન હેવન' માટે પણ મને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. એ ઉપરાંત પણ મારી પાસે બીજા કેટલાંક પ્રોજેક્ટ્સ છે.' 


Google NewsGoogle News