દિયા મિરઝા : ઇકો-ફ્રેન્ડલી એક્ટ્રેસ .
- 'શહેરી નિવાસીઓ તરીકે આપણે આપણા ભોગવાદ વિશે વિચારવું જોઈએ. આપણી જુદી જુદી પ્રવૃત્તિઓ સજીવસૃષ્ટિને અમાપ નુકસાન અને પીડા આપી રહી છે.'.
વિ ખ્યાત અભિનેત્રી અને પર્યાવરણવાદી દિયા મિરઝા એવી જૂજ અભિનેત્રીઓ પૈકી એક છે જેની વય વધવા સાથે સૌંદર્ય પણ વધતું જાય છે. હજી પણ તે બે દાયકા અગાઉ જાહેર થયેલી બ્યુટી ક્વીન જેવી જ દેખાય છે. તેના ચહેરા પરની ચમક હજી પણ ઓછી નથી થઈ.દિયા મિરઝા લાઈફ સ્ટાઈલ અને ફેશન સહિત વિવિધ ક્ષેત્રમાં પર્યાવરણ અનુરૂપ વ્યવહારની ભલામણ કરવા માટે જાણીતી છે.
દિયા મિરઝાની તાજેતરમાં જ ઓટીટી પર રજૂ થયેલી ફિલ્મ 'ધક ધક' એક મજાની મોટિવેશનલ ફિલ્મ છે જેના માટે તેની પ્રશંસા કરવામાં આવી રહી છે. દિયા 'ધક ધક'ને તેની અત્યાર સુધીની સૌથી મહત્ત્વની ફિલ્મ માને છે. આ ફિલ્મ માટે દિયા કહે છે કે સૌથી મહત્ત્વનું છે. મહિલા કલાકારોને પોતાની વયને અનુરૂપ રોલ મળ્યા છે. પાત્ર જો 'ધક ધક' જેવું મહત્ત્વનું હોય તો તેવા રોલ કરવામાં કોઈ શરમ નથી.
ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર સહકલાકારો રત્ના પાઠક શાહ, ફાતિમા સના શેખ અને સંજના સંઘી સાથેનો અનુભવ શેર કરતા દિયા કહે છે કે આ ફિલ્મે રૂઢીચુસ્ત ધારણાઓને ફગાવી છે અને ભયથી મુક્ત થવા માગતી મહિલાઓની વાર્તા રજૂ કરી છે.
દિયા કહે છે કે 'ધક ધક'ની સૌથી મહત્વની બાબત છે કે તે કોઈ બોધ નથી આપતી. જ્યારે કોઈ મહિલા કેન્દ્રિત ફિલ્મ હોય ત્યારે લોકો માની લે છે કે તેમાં ક્રોધિત, ક્રાંતિકારી, ગાળો બોલતી અથવા દારૂ પીવાની આદતવાળી મહિલાઓની વાત હશે. પણ આ ફિલ્મમાં એવું કંઈ નથી. તે માત્ર એક સુંદર વાર્તા છે. અને છતાં અત્યાર સુધીની તમામ મહિલા કેન્દ્રિત ફિલ્મોમાં આ સૌથી સુંદર છે.
આ વયે બાઈક ચલાવવાના અનુભવ વિશે દિયા મિરઝા યાદ કરે છે કે જ્યારે હું યુવાન હતી ત્યારે મારા પિતાજી બાઈક ચલાવતા. એની પાસે બે બુલેટ હતી. એમની પાછળ બાઈકમાં બેસીને સવારી કરવી મારી સૌથી વિસ્મરણીય યાદો પૈકીની એક છે. ત્યારથી હું પણ કલ્પના કરતી કે ક્યારેક હું પણ બાઈક ચલાવીશ. પણ ભયને કારણે મારે એ ઈચ્છા દબાવી રાખવી પડી.
જ્યારે 'ધક ધક' ઓફર થઈ ત્યારે રોલ ઉપરાંત તેમાં બાઈક ચલાવવાની હોવાથી ખાસ મેં આ ફિલ્મ સ્વીકારી. બાઈક ચલાવવાનો અનુભવ મુક્તિ, સશક્તિકરણની લાગણી જન્માવતો તેમજ અદ્ભૂત હતો. પુત્ર અયાનના જન્મ પછી સાતમાં મહિને હું બાઈક ચલાવતા શીખી.
ગયા વર્ષે દિયાને તેની કળા અને પર્યાવરણ વિષયી પ્રવૃત્તિને કારણે અપાર સમર્થન મળ્યું હતું. દિયાને ખુશી છે કે ભીડ, મેડ ઈન હેવન, ગ્રે અને ધક ધક જેવી ફિલ્મોએ લોકોના હૃદયમાં સ્થાન બનાવ્યું અને પોતાના અંતરાત્માને ખુશ કરે તેવી ફિલ્મોમાં કામ કરવાની તેને વધુ પ્રેરણા આપી.
'રહના હૈ તેરે દિલમેં' ફિલ્મની આ અભિનેત્રી કહે છે કે સ્ક્રિપ્ટ પસંદ કરવામાં વાર્તા કહેવાની પ્રક્રિયા પર વધુ મહત્વ આપે છે. દિયાના મતે ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ જવાથી તેનું મૂલ્ય ઘટી નથી જતું.
આજે જ્યારે મોટાભાગની હિરોઈનો કારકિર્દી માટે લગ્ન અને માતૃત્વથી દૂર રહે છે ત્યારે દિયા કહે છે કે માતા બન્યા પછી તેના અભિગમનો વ્યાપ વધ્યો છે. હવે તે તમામ ઘટના, અનુભવ અને સમાચારને એક માતાની નજરથી ચકાસે છે. એક માતા અને એક એક્ટર તરીકે તે બંને ફરજો વચ્ચે સંતુલન જાળવી રહી છે અને સુનિશ્ચિત કરે છે કે બાળકો સાથે તેનો મહત્વનો સમય પસાર કરે.
દિયા ગર્વપૂર્વક કહે છે કે છેલ્લા બે દાયકા કરતા વધુ સમયથી તે પર્યાવરણ અને વન્યજીવન સુરક્ષાના કાર્યોને સમર્થન આપતી રહી છે. માનવ આરોગ્ય, પ્રગતિ અને સુખાકારી તેમજ સમાનતા તમામ હવામાન સાથે સંકળાયેલા છે. આપણે જ્યારે જળવાયુ પરિવર્તનની વાતો કરી રહ્યા છીએ પણ આપણી પ્રવૃત્તિ જૈવવિવિધતાને અમાપ નુકસાન અને પીડા આપી રહી છે. શહેરી નિવાસીઓ તરીકે આપણે આપણા ભોગવાદ વિશે વિચારવું જોઈએ. આપણે જે ખોરાક ખાઈએ છીએ, ઘરની સાફસફાઈ માટે જે કેમિકલોનો ઉપયોગ કરીએ છીએ, જે પોષાક ધારણ કરીએ છીએ, તે તમામની અસર પર્યાવરણ પર પણ પડે છે. ભારત તો સદીઓથી કુદરતને આદર અને પ્રેમ આપવાના મહત્ત્વને સમજી ચુક્યું છે. આથી આવી પ્રવૃત્તિ આપણા માટે નવી નથી.
વેલ સેઇડ, દિયા.