'દેવદાસે' શાહરૂખ ખાનને ખરેખર શરાબી બનાવી દીધો!
- 'પાત્રમાં વાસ્તવિકતા લાવવા મેં શૂટિંગ વખતે ખરેખર શરાબ ઢીંચવાનું શરૂ કરી દીધું હતું. મારા અંગત જીવન પર એની માઠી અસર થઈ હતી...'
દરેક કલાસિક મૂવી પાછળ કોઈકની અંગત કહાણી જોડાયેલી હોય છે. પછી એ ડિરેકટરની પર્સનલ સ્ટોરી હોય કે એક્ટરની. 'મુગલ-એ- આઝમ' અને 'મધર ઈન્ડિયા'ના મેકિંગ પાછળ આવી ઘણી સ્ટોરીઝ આપણે સાંભળી છે. શાહરૂખ ખાને ૨૦૦૨માં સંજય લીલા ભણસાલીની ભવ્યાતિભવ્ય 'દેવદાસ' કરી એની સાથે પણ ઈન્ટરેસ્ટિંગ વિગતો જોડાયેલી છે. આ વાતો ખુદ શાહરૂખે બાવીસ વરસ બાદ શેર કરી છે. એસઆરકે એક પોડકાસ્ટમાં કહે છે...
'ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મારા ઘણા સિનિયર એક્ટર્સે મને 'દેવદાસ'નો રોલ ન કરવાની સલાહ આપી હતી. છતાં મેં એવું વિચારીને ફિલ્મ કરી કે મારી અમ્મીજાન (મમ્મી) જન્નતમાંથી મને બિરદાવશે. 'દેવદાસ'ની ઘણી આવૃત્તિઓ ભૂતકાળમાં બની છે અને હિટ થઈ છે. મારાં માતા-પિતા અને એમની પેઢીના લોકોને 'દેવદાસ'નું દરેક વર્ઝન ગમ્યું હતું. કે.એલ. સાયગલ, દિલીપકુમાર અને ઉત્તમકુમાર જેવા મહાન કલાકારોએ દેવદાસની ભૂમિકા કરી છે. મને નથી લાગતું કે દેવદાસનું મારું વર્ઝન એટલું ગ્રેટ હોય. સિનિયર એકટર્સની સલાહ અવગણીને હું મારી માને એવું કહેવા માગતો હતો કે જુઓ અમ્મીજાન, તમે જે જોઈ છે એ 'દેવદાસ'ના એક વર્ઝનમાં મેં પણ અભિનય કર્યો છે.
હું ફિલ્મોમાં આવ્યો એ પહેલાં મારા પેરેન્ટસ ગુજરી ગયા હતા. મને હંમેશા એવું લાગ્યું છે કે મારે મોટી ફિલ્મો કરવી જોઈએ જેથી મૉમ અને ડેડ એ જન્નતમાંથી જોઈ શકે. હું આજે પણ એવું માનં છું કે મારી મા એક સ્ટાર (તારો) બની ગઈ છે. એ ક્યો સ્ટાર બની ગઈ છે એની પણ મને ખબર છે, પણ મને થયું કે હું 'દેવદાસ'માં કામ કરીશ તો એને એ ગમશે.
શરદબાબુએ સર્જેલો નાયક અઠંગ શરાબી છે. આ પાત્રને ન્યાય આપવા મેં મેથડ એક્ટિંગ કરી હતી એટલે કે પાત્રમાં વાસ્તવિકતા લાવવા મેં શૂટિંગ વખતે ખરેખર શરાબ ઢીંચવાનું શરૂ કરી દીધું હતું. મારા અંગત જીવન પર એની માઠી અસર થઈ હતી. મેથડ એક્ટિંગને લીધે કદાચ મારું પરફોર્મન્સ વધુ અસરકારક બન્યું હશે, પણ ફિલ્મનું શૂટિંગ પૂરું થયા પછી પણ મારૃં શરાબ પીવાનું બંધ ન થયું. 'દેવદાસ' ફિલ્મની આ કાયમી અસર મારા જીવનમાં રહી ગઈ છે...'
આને કહેવાય મેથડ એક્ટિંગની અળવીતરી અસર!