દેવ આનંદે દેશ પરદેશ હિટ જતાં રાજેશ રોશનને વધુ એક ફિલ્મ આપી - લૂટમાર

Updated: Mar 28th, 2024


Google NewsGoogle News
દેવ આનંદે દેશ પરદેશ હિટ જતાં રાજેશ રોશનને વધુ એક ફિલ્મ આપી - લૂટમાર 1 - image


- રાજેશ રોશન

- લૂટમાર

- 'મારો સ્ટુડિયો, બંગલો, કાર્સ, વિદેશોમાં ફ્લેટ્સ... બધું ફિલ્મોએ આપ્યું છે. અત્યાર સુધી ઓડિયન્સને ગમે એવી ફિલ્મો બનાવી. હવે મને ગમે એવી ફિલ્મો બનાવું છું. બોક્સ ઓફિસ પર ન ચાલે તો વાંધો નહીં. મને ક્રિયેટીવ કામ કર્યાનો આનંદ મળે છે' : દેવ આનંદ

'સ ર, આપ ૧૯૫૨-૫૨થી સતત હિટ ફિલ્મો આપતાં રહ્યા છો. છેલ્લા થોડા સમયથી તમારી ફિલ્મો બોક્સ ઓફિસ પર ધાર્યો પ્રતિસાદ આપતી નથી, છતાં તમારા ઉત્સાહમાં ઓટ આવી લાગતી નથી. તમે નવી નવી ફિલ્મો બનાવવાની ઘોષણા કરતા રહો છો... એ વિશે કંઇ કહેશો ?' ટોચના અભિનેતા-ફિલ્મ સર્જક દેવ આનંદ સાથે વાતચીત થઇ રહી હતી. ઇન્ટરવ્યૂ સરસ રીતે ચાલી રહ્યો હતો. આ પ્રશ્ન પૂછયો ત્યારે દેવ આનંદ નારાજ થશે એવો ડર હતો. પરંતુ એમણે તો પોતાનું મેગ્નેટિક સ્માઇલ વેર્યું. પછી પૂરેપૂરી સ્વસ્થતાથી આ લખનારને કહ્યું, 'હું લાહોરથી આવ્યો ત્યારે ઇંગ્લિશ લિટરેચર સાથે બી.એ. ઓનર્સ થયો હતો. મારાં ખિસ્સાં એ સમયે ખાલી હતાં. બ્રિટિશ આર્મીના એક વિભાગમાં સેન્સરમાં માંડ માંડ નોકરી મળી હતી... આજે મારી પાસે જે કંઇ છે એ ફિલ્મોએ મને આપ્યું છે. મારો સ્ટુડિયો, બંગલો, કાર્સ, વિદેશોમાં ફ્લેટ્સ.. બધું ફિલ્મોએ આપ્યું છે. અત્યાર સુધી ઓડિયન્સને ગમે એવી ફિલ્મો બનાવી. હવે મને ગમે એવી ફિલ્મો બનાવું છું. બોક્સ ઓફિસ પર ન ચાલે તો વાંધો નહીં. મને સર્જનાત્મક કામ કર્યાનો આનંદ મળે છે. ફિલ્મોએ મને જે આપ્યું એ હું હવે ફિલ્મોને પાછું આપી રહ્યો છું. મને એનો કોઇ વસવસો નથી...'

આજે કલ્ટ અને ક્લાસિક ગણાતી ફિલ્મ 'દેશ પરદેશ' ૧૯૭૮માં રજૂ થઇ ત્યારે ચાલી નહોતી. એવું જ કેટલેક અંશે આજે જે ફિલ્મનાં ગીતોની વાત કરવાની છે એ 'લૂટમાર' ફિલ્મ સાથે શરૂઆતમાં થયેલું. 'દેશ પરદેશ'માં સંગીતકાર રાજેશ રોશને આપેલા સંગીતથી સંતુષ્ટ થયેલા દેવ આનંદે રાજેશને પોતાની  બીજી ફિલ્મ 'લૂટમાર' માટે પસંદ કર્યો.  

અહીં એક આડવાત. દિલીપકુમાર અને રાજ કપૂરની જેમ દેવ આનંદ પણ સંગીતની ઊંડી સૂઝ ધરાવતા હતા. લાહોરમાં ભણતા હતા ત્યારે કોલેજના એન્યુઅલ ડેમાં કે. એલ. સાયગલનાં ગીતો ગાતાં. વચ્ચે થોડો સમય વાયોલિન વગાડવાની તાલીમ પણ લીધી. રાજ કપૂરે આરકેના લોગોમાં વાયોલિન સાથે નાયક અને કમરેથી ઝૂકેલી નાયિકાનું ચિત્ર પસંદ કર્યું એ પછી દેવ આનંદે વોયલિનના વર્ગો પડતા મૂક્યા. થોડો સમય પિયાનો પણ શીખ્યા, પરંતુ પછી ફિલ્મોમાં હીરો તરીકે વ્યસ્ત થઇ જતાં એ પણ રહી ગયું. છતાં એક બાબતે સજાગ હતા. પોતે હીરો હોય એવી અન્યની ફિલ્મ કે નવકેતનના નેજા હેઠળ બનતી ફિલ્મોનું સંગીત મેલોડીપ્રધાન અને કર્ણપ્રિય હોય એનું ધ્યાન દેવ આનંદ ખાસ રાખતા.

'લૂટમાર' ફિલ્મ મારધાડની કે ક્રાઇમ થ્રિલર ટાઇપની ફિલ્મ હતી. એની સ્ટારકાસ્ટ પણ જોરદાર હતી. દેવ આનંદ, ટીના મુનીમ, મહેમાન ભૂમિકામાં રાખી ગુલઝાર, પ્રેમ ચોપરા, શક્તિ કપૂર, અમજદ ખાન, કાદર ખાન, નિરુપા રોય, ડિમ્પલની બહેન સિમ્પલ કાપડિયા, ડોક્ટર શ્રીરામ લાગુ, મહેમૂદ વગેરે. ગીતો અમિત ખન્નાનાં હતાં. આ ફિલ્મમાં રાજેશ રોશને એક તરફ શાીય સંગીતના રાગ વાપર્યા છે તો બીજી તરફ ઇસ્ટ-વેસ્ટ ફ્યુઝન જેવો પ્રયોગ પણ કર્યો છે. સંગીત હિટ નીવડયું હતું. 

નાનામોટા સૌને ગણગણવું ગમે એવું ગીત કિશોરકુમાર, આશા ભોંસલેની પુત્રી વર્ષા ભોંસલે (જેણે પાછળથી આત્મહત્યા દ્વારા જીવન ટૂંકાવ્યું હતું) અને મંગેશકર પરિવારના કઝિન કોલ્હાપુરે પરિવારની (પદ્મિની કોલ્હાપુરેની બહેન) શિવાંગીના કંઠમાં છે. જીવનમાં ગમે તેવા સંજોગોમાં હસતાં રહેવું એવો સંદેશો આપતા એ ગીતનું મુખડું હતું, 'હસ તુ હરદમ, ખુશિયાં યા ગમ, કિસી સે ડરના નહીં, ડર ડર કે જીના નહીં...' બીજી વાર આ ગીત એકલી લતાના કંઠમાં સાંભળવા મળે છે.

એક સરસ ક્લબસોંગ આશા ભોંસલેના કંઠમાં છે. રોમાન્સરંગી રાગ પહાડીમાં આ ગીતનું મુખડું છે- 'જબ છાયે મેરા જાદુ, કોઇ બચ ના પાયે હૈં, ફૂલોં કી નરમી હું મૈં, શોલોં કી ગરમી હું મૈં...'

દેવ આનંદે આ ફિલ્મમાં ભારતીય હવાઇ દળના પાયલટનો રોલ કર્યો છે એટલે કદાચ દેશભક્તિનું લાગે એવું એક ગીત પણ મૂક્યું  છે- 'પિયા હમ સબ મુલ્ક કા પાની, સબ સે મીઠા હિન્દુસ્તાની...' પહેલીવાર આ ગીત ફક્ત કિશોરકુમારના કંઠમાં છે. બીજીવાર કિશોર સાથે મહેમૂદ જોડાય છે. હલકીફૂલ તર્જ અને રમતિયાળ લયથી આ ગીત માણવા જેવું બન્યું છે.

નાયક-નાયિકાના લવ ડયુએટ જેવી એક રચના લતા અને કિશોર કુમારના કંઠે રજૂ થઇ છે- 'આજ કા દિન કોઇ ભૂલે ના, ના સપના મેરા, કૌન હૈં હમ પૂછો જરા...'

શબ્દોની નજાકતથી હૃદયસ્પર્શી બનેલું એક ગીત છે- 'પાસ હો તુમ, મગર કરીબ નહીં, ખૈદ કહીં ઔર નસીબ કહીં...' લતા અને કિશોરકુમારે ગાયેલા આ ગીતમાં રાજેશે છાયાનટ, માંઝ ખમાજ અને અલ્હૈયા બિલાવલ એમ ત્રણ રાગનો કુશળતાથી ત્રિવેણી સંગમ કર્યો છે. ગીત ખૂબ મધુર બન્યું છે.   

લતાના કંઠે રજૂ થતું ગીત 'મૈં ઔર તૂ કર લે દોસ્તી આજા...' પરદા પર વધુ જામ્યું હતું. આમ વધુ એક વખત રાજેશ રોશને દેવ આનંદ અને દેવ આનંદના ચાહકોને ગમે એવું હિટ સંગીત પીરસ્યું હતું. અંગ્રેજીમાં કહે છે ને નથીંગ સક્સીડ લાઇક સક્સેસ... રાજેશનો એ અનુકૂળ સમય હતો. એનું કામ વખણાયું હતું. આજની પેઢીના ફિલ્મ રસિયાને એનો પરિચય ઋતિક રોશનના કાકા તરીકે આપવો પડે એટલી હદે આજે સંજોગો પલટાઇ ગયા છે.  


Google NewsGoogle News