દીપિકા પાદુકોણ યોગ અને માતૃયોગ .

Updated: Jul 19th, 2024


Google NewsGoogle News
દીપિકા પાદુકોણ યોગ અને માતૃયોગ                                   . 1 - image


અ ભિનેત્રી દીપિકા પાદુકોણ આજકાલ બે બાબતોનો આનંદ લઈ રહી છે. એક તો, પોતાની ગર્ભાવસ્થાનો અને બીજો, એની લેટેસ્ટ ફિલ્મ 'કલ્કિ ૨૮૯૮ એડી' ફિલ્મની સુપર સક્સેસનો. 'કલ્કિ'ની પ્રમોશનલ ઇવેન્ટ્સમાં તેમજ તાજેતરમાં અનંત અંબાણીનાં લગ્નમાં આપણે દીપિકાને એના મોટા ઉદર સાથે જોઈ. પોતાની પ્રેગનન્સીને એ ખૂબ શાલીનતાપૂર્વક હેન્ડલ કરી રહી છે. સપ્ટેમ્બરમાં એના સંતાનની આ દુનિયામાં પધરામણી થશે. એ ખુદની જ નહીં, ગર્ભસ્થ શિશુની પણ ભરપૂર કાળજી લઈ રહી છે. હમેશા વર્કઆઉટ કરવા ટેવાયેલી દીપિકા ગર્ભાવસ્થામાં પણ પગ વાળીને બેસી રહેતી નથી. એ ચોક્કસ પ્રકારના યોગાસન કરે છે. 

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં દીપિકાએ પોતાનો વિપરિત કરણી આસન કરતો ફોટો પોસ્ટ કર્યો હતો. એણે  નીચે કેપ્શનમાં લખ્યું હતું, 'આ મહિનો 'સેલ્ફ કેર મંથ' છે, એટલે કે આ પોતાની કાળજી લેવાનો મહિનો છે. મને કસરત કરવાનું ગમે છે. હું સુંદર દેખાવા માટે નહીં પણ સ્વસ્થ રહેવા વ્યાયામ કરું છું. વ્યાયામ શરુઆતથી જ મારી દિનચર્યાનો એક મહત્ત્વનો ભાગ રહ્યો છે. હું જ્યારે રુટિન એક્સરસાઇઝ કરી શકતી નથી ત્યારે પાંચ મિનિટ વિપરિત કરણી આસન કરી લઉં છું. હું વર્કઆઉટ ન કરી શકું તોય આ યોગાસન તો અચૂક કરું જ છું. તમે પ્લેનમાં પ્રવાસ કરીને આવો ત્યારે જેટલેગ અને સ્ટ્રેસ ઓછો કરવા માટે પણ આ આસન ઉપયોગી  બને છે.'

દીપિકા આ આસન શી રીતે કરવું તેનું વર્ણન કરે છે. એ કહે છે, 'યોગા મેટ પર ચત્તા સૂઈને ભીંત પર તમારા આખા પગ સીધા ઊંચા ટેકવો. આ રીતે સુવાથી શારીરિક અને માનસિક સ્તરે રાહત મળે છે, તમારા સ્નાયુઓ મજબૂત બને છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. પ્રાચીન યોગ આપણી રોજિંદી ભાગદોડભરી જીવનશૈલીમાં ખૂબ લાભકારક બની રહે છે. હા, એટલું હું જરૂર કહીશ કે આ અથવા કોઈ પણ આસન કરતાં પહેલાં એક્સપર્ટની યા તો ડોક્ટરની સલાહ ભૂલ્યા વગર લેવી. જેમને ગ્લુકોમા અથવા હાઈ બ્લડ પ્રેશરની તકલીફ હોય તેમણે આ આસન ન કરવું.'

શરીરમાં જો કોઈ બીમારી ન હોય તો સામાન્ય સંજોગોમાં વિશેષજ્ઞાની સલાહ એવી જ હોવાની કે ગર્ભાવસ્થામાં વિપરિત કરણી યોગાસન કરવાથી સ્નાયુઓ અને સાંધાના દુખાવામાં રાહત મળે છે. સાથે સાથે બંને પગના નળામાં આવી ગયેલા સોજા પણ ઉતરે છે. જોકે દીપિકા કહે છે તેમ, વિપરીત કરણી આસન કરતા પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લેવી. 

દીપિકા જે પણ કોઈ કામ હાથમાં લે છે એમાં એ ઊંડી ઉતરે છે. એને ઉપરછલ્લું કશું ગમતું નથી. પછી એ ફિલ્મો હોય કે વ્યક્તિગત સંબંધો. દીપિકા પોતાના માતા તરીકેની અસલી ભૂમિકાને પણ અત્યંત ગંભીરતાથી લેશે તે વાતે કોઈને શંકા નથી. અર્થાત્ આવનારા ઘણા મહિનાઓ સુધી દીપિકા કોઈ ફિલ્મ સેટનું પગથિયું નહીં ચડે. એ 'કલ્કિ' પછી 'કલ્કિ-ટુ'માં દેખાશે જ, રોહિત શેટ્ટીની 'સિંઘમ અગેન'માં પણ દેખાશે. ખેર, ફિલ્મો તો થયા કરશે. હાલ તો એની પ્રેગનન્સી અને પ્રસૂતિ હેમખેમ પાર પડે એટલે ભયો ભયો.  


Google NewsGoogle News