દીપિકા પદુકોણ : ટ્રિપલ ધમાકા .
દીપિકા પદુકોણ જીવનના શ્રેષ્ઠતમ તબક્કામાંથી પસાર થઈ રહી છે એમાં બેમત નથી. જુઓને, હજુ આઠમી સપ્ટેમ્બરે એણે સુંદર મજાની દીકરીને જન્મ આપ્યો. એની પહેલાં દીપિકાની છેલ્લી ફિલ્મ 'કલ્કિ ૨૮૯૮ એડી' જબરદસ્ત સફળતાને વરી. આટલું જાણે ઓછું હોય તેમ તાજેતરમાં ઘોષિત થયેલાં એક સર્વેનાં તારણો અનુસાર, દીપિકાએ દેશની સૌથી લોકપ્રિય અભિનેત્રી છે. આ બિરૂદ એણે સતત બીજી વાર હાંસલ કર્યું છે. ૨૦૨૩માં તેને ૨૩.૮ ટકા મત મળ્યા હતા જ્યારે આ વર્ષે ૨૪.૭ ટકા મત મળ્યા છે. એટલે કે ભારતની નંબર વન એક્ટ્રેસ તરીકે દીપિકાની લોકપ્રિયતા માત્ર જળવાઈ રહી નથી, તે વધી રહી છે!
છેલ્લાં કેટલાક વર્ષોથી દીપિકાની ફિલ્મો જે રીતે બિઝનેસ કરી રહી છે તે જોઈને લોકોની આંખો પહોળી થઈ ગઈ છે. 'પઠાન' (૧૦૫૦.૩ કરોડ), 'જવાન'(૧૧૫૦ કરોડ), 'ફાઈટર' (૩૩૭.૨ કરોડ) અને 'કલ્કી ૨૮૯૮ એડી'(૧૨૦૦ કરોડ) જેવી ફિલ્મોએ વિશ્વભરમાં કુલ ૩,૬૮૦ કરોડથી વધુની કમાણી કરી નાખી છે. આ ખરેખર ભવ્યાતિભવ્ય આંકડા છે. સારી અભિનેત્રી હોવું અને બોક્સઓફિસ પર સતત સફળતા મેળવવી આ બન્ને જુદી જુદી બાબતો છે. દીપિકાના કેસમાં આ બન્નેનું કોમ્બિનેશન થયું છે અને તેથી એ એક અલગ જ વર્ગમાં સ્થાન આપે છે.
દીપિકાનો પ્રભાવ રૂપેરી પડદાથી પણ આગળ વધે છે. આંતરરાષ્ટ્રીય મંચો પર એણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. એણે હોલિવુડમાં 'ટ્રિપલ એક્સ: રિટર્ન ઓફ ઝેન્ડર કેજ' (૨૦૧૭) જેવી મેઇનસ્ટ્રીમ કમર્શિયલ ફિલ્મમાં કામ કર્યું હતું. મનોરંજન ઉદ્યોગમાં આમેય સીમાડા ક્યાં હોય છે? દીપિકાનો દેખાવ એવો વિશિષ્ટ છે કે જો એ પ્રિયંકા ચોપડાની જેમ હોલિવુડ પર ફોકસ કરે - અને નસીબ સાથ આપે તો - એ ગ્લોબલ કરીઅર બનાવી શકે છે.
દીપિકાનું અંગત જીવન પણ સ્થિર અને સુખી છે. પતિદેવ રણવીર સિંહ, કે જે ખુદ બોલિવુડનો સુપરસ્ટાર છે, એ દીપિકાને કેટલી તીવ્રતાથી પ્રેમ કરે છે એ આખી દુનિયા જાણે છે. અનેક વર્ષોના ડેટિંગ પછી તેમણે ૨૦૧૮માં લગ્ન કર્યાં હતાં. ગર્ભાવસ્થાની જાહેરાત કર્યા પછી દીપિકા પાદુકોણને વિચિત્ર ટીકાઓનો સામનો કરવો પડયો હતો. એેનું બેબી બમ્પ બનાવટી હોવાની અફવા સુધ્ધાં વહેતી થઈ હતી, બોલો! પણ દીપિકાએ ક્યારેય આવી નઠારી કમેન્ટ્સને પ્રતિક્રિયા આપી નહીં. એણે સતત પોતાની ગરિમા જાળવી રાખી. પ્રસૂતિના થોડા દિવસો પહેલાં એણે પોતાના વિશાળ ઉદર સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને ભારે ગર્વથી પોતાનું બેબી બમ્પ પ્રદર્શિત કર્યું હતું. આ તસવીરોમાં એની ફેશન અને સ્ટાઇલ સ્ટેટમેન્ટ જોઈને લોકો હેરત પામી ગયા હતા.
માતૃત્વને કારણે દીપિકાનો ચાર્મ વધ્યો છે, ઘટયો નથી. એની આગામી ફિલ્મ રોહિત શેટ્ટીની 'સિંઘમ અગેન' છે. અલબત્ત, અત્યારે તો દીપિકાનું સંપૂર્ણ ધ્યાન સ્વાભાવિકપણે જ પોતાની નવજાત બેબલી પર છે. એ ફરી ક્યારે કામે ચડશે તે વિશે માત્ર અટકળો જ થઈ શકે છે.
દીપિકા રોક્સ... રિઅલી!
દીપિકાની ફિલ્મો જે રીતે બિઝનેસ કરી રહી છે તે જોઈને લોકોની આંખો પહોળી થઈ ગઈ છે.
'પઠાન' (૧૦૫૦.૩ કરોડ), 'જવાન'(૧૧૫૦ કરોડ),
'ફાઈટર' (૩૩૭.૨ કરોડ) અને
'કલ્કી ૨૮૯૮ એડી'
(૧૨૦૦ કરોડ) જેવી ફિલ્મોએ વિશ્વભરમાં કુલ ૩,૬૮૦ કરોડથી વધુની કમાણી કરી નાખી છે.