દીપક તિજોરી 'જો જિતા વોહી સિકંદર'ના અવિસ્મરણીય અનુભવો મમળાવે છે...
મન્સુર ખાનની સુપરહીટ ફિલ્મ 'જો જિતા વોહી સિકંદર'ને રિલિઝ થયાને આ મે મહિનામાં ૩૨ વર્ષ પૂરા થાય છે. આ ફિલ્મ ખૂબ જ સારી બની હતી અને તેને સફળતા પણ એવી જ મળી હતી. આ ફિલ્મમાં આમિર ખાન, આયેશા ઝુલ્કા, દીપક તિજોરી જેવા કલાકારો હતા. આ ફિલ્મની જૂની અવિસ્મરણીય વાતો વાગોળતા દીપક તિજોરી કહે છે, 'આ ફિલ્મ માટે તો- તેની પટકથાની માગ મુજબ તો મેં ગાંડાની જેમ સાઇકલ ચલાવી હતી.'
આ ફિલ્મમાં દીપક તિજોરીએ શેખર મલ્હોત્રાની ભૂમિકા ભજવી હતી, જે નાયકનો વિરોધી હતો. દીપક તિજોરી વધુમાં કહે છે, 'આ એક નવી શૈલી, નવી પરિકલ્પના અને મારા માટે તો એક નવો જ વિષય હતો. ફિલ્મનો આખો સેટઅપ અને સ્ટાઇલ તો દિગ્દર્શક મન્સુર ખાનની હતી, જે અનન્ય હતી.'
આ ફિલ્મમાં આમિર સાથે કામ કરવાના અનુભવની વાત કરતા દીપક તિજોરીએ જણાવ્યું, 'આમિર મને ઓળખતો હતો. તેથી તેની સાથે કામ કરવું એ કોઈ સ્ટાર સાથે કરવું એવું મારા માટે નહોતું. આનું બીજું કારણ એ છે કે અમે બંને એક જ કૉલેજમાં ભણતા હતા અને અમે બંનેએ અગાઉ સાથે કામ કર્યું હતું.'
ફિલ્મમાં આમિર ખાન સામે દીપક તિજોરીએ તેની કૉલેજમાં સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં હિસ્સો લીધો હતો. આ ફિલ્મમાં આયેશા ઝુલ્કા અને પૂજા બેદી પણ હતા. ફિલ્મમાં સાઇક્લિંગ સિકવન્સીસની વધુ વાત કરતાં દીપક તિજોરીએ એમ પણ જણાવ્યું હતું કે 'આ ફિલ્મમાં મેં ગાંડાની જેમ સાઇકલ ચલાવી હતી. મને પહેલો દિવસ બરાબર યાદ છે. આમિર ખાન, મન્સુર ખાન અને તમામ રાષ્ટ્રીય સાઇકલ સ્પર્ધા વિજેતાઓ મારા કારણે આઘાત પામી ગયા હતા, કેમ કે સાઇક્લિંગ સાથે મારે કશી લેવાદેવા નહોતી. પછી મને ટ્રેનિંગ આપવામાં આવી. તે પછી તો હું કાં તો જીમમાં હોઉં યા તો સાઇકલ ચલાવતો હોઉં. આ બે સિવાય ત્રીજં કોઈ કામ હું કરતો નહોતો.'
આ સાથે જ દીપક તિજોરીએ ઉમેર્યું, 'જો જિતા વોહી સિકંદર' સાથે મને એક અભિનેતા તરીકે એક નવો અનુભવ મળ્યો અને મેં શેખર મલ્હોત્રાનું પાત્ર ભજવ્યું, જે મને હજુ પણ યાદ છે. આ સાથે ફિલ્મ માટે મારી ભલામણ કરવા બદલ આમિરનો પણ આભાર.'
આ ફિલ્મ આપણા સૌની ફેવરિટ છે, ખરું?