Get The App

ક્રાઇમ થ્રિલર જોનરની ફિલ્મ વિશ્વનાથમાં રાગ આધારિત ગીતો પણ હિટ નીવડયાં

Updated: Mar 14th, 2024


Google NewsGoogle News
ક્રાઇમ થ્રિલર જોનરની ફિલ્મ વિશ્વનાથમાં રાગ આધારિત ગીતો પણ હિટ નીવડયાં 1 - image


- ઘણીવાર એવું બનેલું કે પુરુષ કંઠે ગવાયેલું ગીત સરસ હોય તો લતા ફિલ્મ સર્જકને કે સંગીતકારને દબાણ કરતી કે આ ગીત મારે પણ ગાવું છે. ૧૯૫૦ અને '૬૦ના દાયકામાં લતાનો સૂરજ સોળે કળાએ તપતો હતો. એટલે ફિલ્મ સર્જક અને સંગીતકારે નમતું જોખવું પડતું. ફિલ્મ 'વિશ્વનાથ'માં પણ એક ગીત એવું છે. આ ગીત ખરેખર તો કિશોર કુમારે વિશિષ્ટ રીતે જમાવ્યું છે.

- વિશ્વનાથ

પ્ર કાશ મહેરાની ફિલ્મ 'ઝંઝીર'થી એંગ્રી યંગ મેનનો યુગ શરૂ થયો. એનાં પગલે અન્ય ફિલ્મ સર્જકો પણ એક્શન ફિલ્મો તરફ વળ્યા. કોઇએ સંજય દત્તને એંગ્રી યંગ મેન બનાવ્યો તો કોઇએ સની દેઓલને અજમાવ્યો. કોઇએ અનિલ કપૂર પાસે ઢિશૂમ ઢિશૂમ કરાવ્યું તો કોઇએ સલમાન ખાન પાસે એક્શન કરાવી. અમિતાભ જેવી અને જેટલી સફળતા બધાંને ન મળી પણ વહેતા પાણીમાં હાથ બોળી લેવાની તક કોઇએ જતી ન કરી. એવી થોડી ફિલ્મો સુભાષ ઘાઇએ પણ કરી. શત્રુઘ્ન સિંહાને લઇને સુભાષ ઘાઇએ પહેલાં 'કાલીચરણ' ફિલ્મ બનાવી. એ હિટ નીવડી એટલે શત્રુને લઇને બીજી ફિલ્મ 'વિશ્વનાથ' બનાવી. આ એવા સમયની વાત છે જ્યારે શત્રુઘ્ન સિંહા અને રીના રોયની જોડી હિટ ગણાતી હતી. આ બંનેએ સાથે ડઝનેક ફિલ્મો સાથે કરી. લગભગ એ બધી ફિલ્મોએ એના સર્જકોને ધીકતી કમાણી કરાવી. 

'કાલીચરણ' કે 'વિશ્વનાથ', બંનેની કથામાં કશી નવીનતા નહોતી. 'કાલીચરણ'માં શત્રુઘ્ન ડબલ રોલમાં હતો. એક ઇમાનદાર પોલીસ ઇન્સ્પેક્ટરની વિલન દ્વારા હત્યા થઇ જાય છે. વિલનને જેર કરવા પોલીસ વડા ઇન્સ્પેક્ટર જેવો ચહેરો મહોરો ધરાવતા એક ખૂંખાર કેદીને પોલીસ ઇન્સ્પેક્ટર બનાવે છે. આ નવો પોલીસ ઓફિસર વિલનને ખતમ કરે છે. 'વિશ્વનાથ'માં કથાનાયક એક પ્રતિતિ ધારાશાી છે. વિલન એને ખોટા કેસમાં ફસાવી દે છે. વકીલ જેલભેગો થઇ જાય છે. જેલમાંથી બહાર નીકળ્યા બાદ વિલન સામે બદલો લેવા આ વકીલ  નામચીન ગુંડાઓનો સાથ લે છે. જતે દિવસે એ પોતે સમાજવિરોધી અપરાધી બની જાય છે. દરમિયાન. પ્રિય પાત્રને ગુમાવી દે છે, મા-બહેનને મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકી દે છે.

'કાલીચરણ'માં સુભાષ ઘાઇએ સંગીતકાર કલ્યાણજી-આણંદજીને લીધા હતા. એ ફિલ્મનું સંગીત હિટ નીવડવા છતાં અગાઉ કહેલું એમ ઊગતા સૂર્યને જોઇને સુભાષ ઘાઇએ 'વિશ્વનાથ'માં રાજેશ રોશનને લીધા. અલબત્ત, રાજેશે પણ સરસ સંગીત પીરસ્યું અને પાંચમાંનાં ચાર ગીતો રાગ આધારિત હતાં, જે હિટ નીવડયાં. કથાનો વેગવાન પ્રવાહ અસ્ખલિત ચાલ્યા કરે એટલા માટે ઘાઇએ વધુ ગીતો રાખ્યાં નહોતાં. 'કાલીચરણ'માં પાંચ ગીતો હતાં તો વિશ્વનાથમાં છ ગીતો છે, પરંતુ એક ગીત રિપીટ થાય છે એટલે ખરેખર તો પાંચ ગીતો છે. 'કાલીચરણ'માં એક કરતાં વધુ ગીતકારો હતા. અહીં પણ એક કરતાં વધુ ગીતકારો છે. ચાર ગીતો સોલો છે. માત્ર એક યુગલગીત છે જે લતા મંગેશકર અને કિશોરકુમારે ગાયું છે. બાકીનાં ગીતોમાં એક ગીત આશા ભોંસલેના ફાળે આવ્યું છે. એક ગીત મન્ના ડેના કંઠમાં છે. મન્ના ડે વાળું ગીત જીવનની ફિલસૂફીને રજૂ કરે છે. ગીતમાં થોડો પંજાબી ભાષાનો સ્પર્શ છે- 'હાય જિંદડી વે યારોં, હાય જિંદડી, કૈસા કૈસા રંગ દિખાયે જિંદડી, કભી હંસાયે કભી રુલાયે જિંદડી, આંસુઓં કે પીછે મુસ્કુરાયે જિંદડી...' ભૈરવી રાગિણીમાં સ્વરબદ્ધ આ ગીત તાલ કહેરવામાં છે. આ ગીત વિઠ્ઠલભાઇ પટેલની રચના છે. શબ્દો અને તર્જ દૂઘમાં સાકર ભળે એમ એકરસ થઇ જાય છે.

અહીં એક આડ વાત જાણવા જેવી છે. ઘણીવાર એવું બનેલું કે પુરુષ કંઠે ગવાયેલું ગીત સરસ હોય તો લતા ફિલ્મ સર્જકને કે સંગીતકારને દબાણ કરતી કે આ ગીત મારે પણ ગાવું છે. ૧૯૫૦ અને '૬૦ના દાયકામાં લતાનો સૂરજ સોળે કળાએ તપતો હતો. એટલે ફિલ્મ સર્જક અને સંગીતકારે નમતું જોખવું પડતું. ફિલ્મ 'વિશ્વનાથ'માં પણ એક ગીત એવું છે. આ ગીત ખરેખર તો કિશોર કુમારે વિશિષ્ટ રીતે જમાવ્યું છે. આપણા વિચારકો એક વાત કાયમ કહેતા હોય છે- વક્ત સે પહલે ઔર કિસ્મત સે જ્યાદા કિસી કો ન કુછ મિલતા હૈ, ન મિલેગા... એ વિચારને કેન્દ્રમાં રાખીને વિઠ્ઠલભાઇ પટેલે ગીત રચ્યું છે- 'જબ જબ જો જો હોના હૈ, તબ તબ વો વો  હોતા હે...'  ગીતનો ઉપાડ આ રીતે થાય છે, 'અપના દર્દ છૂપાના હૈ તો ગીત ખુશી કે ગાના હૈ...' રાજેશે ગીતના શબ્દોને જીવંત કરે એવું સંગીત સર્જ્યું છે. છ માત્રાના દાદરા તાલમાં આ ગીત પણ ભૈરવી પર આધારિત છે.

એક ગીત એમ. જી. હસ્મતની રચના છે. એને લતાનો કંઠ સાંપડયો છે. પ્રિય પાત્ર સાથે પરિચય કે મુલાકાત થયા પછીની સંવેદના આ ગીતમાં પ્રગટ થઇ છે. 'હવા સે હલકી હું આજ, હુઈ જો ઉન સે મુલાકાત, ચલી રે ચલી મૈં તો, હુયી જો ઉન સે મુલાકાત...' અહીં રાજેશે પહેલાં ભૈરવી અને ત્યારબાદ કર્ણાટક સંગીતના અતિ મધુર રાગ કીરવાણી અજમાવ્યા છે. નાજુક સંવેદનાને સરસ રીતે પ્રગટ કરી છે.

લતા અને કિશોર કુમારના કંઠે રજૂ થતું એક ગીત પરદા પર જુદી સિચ્યુએશનમાં ફિલ્માવાયું હતું. નાયક-નાયિકા બંનેના દિલનું દર્દ આ ગીતમાં છે. 'દુનિયા ને મુઝે તડપાયા, કિસ્મત ને મુઝે ઉલઝાયા, મેરે પ્યાર ને મુઝ કો સતાયા, મેરે પ્યાર ને મુઝ કો રુલાયા...'

આશા ભોંસલેના ફાળે જે ગીત આવ્યું છે એ વિલનના અડ્ડામાં કે ક્લબમાં ગવાતું હોય એવાં તર્જ-લય ધરાવે છે. જોકે એક પ્રયોગરૂપે રાજેશે અહીં રોમાન્સરંગી રાગ પહાડી અજમાવ્યો છે. 'બિબાશા આજ કરેગી મનમાની, હો ઓ હોગા તમાશા બેતહાશા, છેડેગી ઐસી કહાની...' નાયિકા આંસુભરી આંખે આ ગીત ગાતી દેખાડાઇ છે. પ્રિય પાત્ર ખોટે માર્ગે ચડી ગયું એનો વસવસો એના હૈયાને પજવે છે.

સડસડાટ વહ્યે જતી ક્રાઇમ થ્રિલર જેવી કથા હોવા છતાં રાજેશે મોટા ભાગનાં ગીતો રાગ આધારિત સર્જ્યાં. એના આ પ્રયોગને સારી સફળતા મળી. સંગીત હિટ નીવડયું. બોક્સ ઓફિસ પર વિશ્વનાથે સારી કમાણી કરી હતી. રાજેશને પણ ધાર્યા કરતાં વધુ યશ મળ્યો હતો.  


Google NewsGoogle News