ક્રિકેટપ્રેમી શ્રેયસ તલપડેને રૂપેરી પડદે સૂર્યકુમાર યાદવ બનવું છે
- 'પુષ્પા'માં અલ્લુ અર્જુનના પાત્ર માટે હિન્દીમાં ડબિંગ કર્યા પછી શ્રેયસ તલપડેને ડબિંગની સંખ્યાબંધ ઑફરો મળી. શ્રેયસે એક પણ સ્વીકારી નહીં.
અત્યાર સુધી કૉમેડી રોલ કરવા જાણીતા અભિનેતા શ્રેયસ તલપડેને 'પુષ્પા' ફિલ્મ ફળી છે. આ મૂવીમાં શ્રેયસે પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે અત્યંત મહત્વની ભૂમિકા ભજવી છે. કહેવાનો અર્થ એ છે કે શ્રેયસે 'પુષ્પા'માં અલ્લુ અર્જુનના પાત્ર માટે હિન્દી ડબિંગ કરીને દર્શકો તેમ જ ફિલ્મ સર્જકોના દિલ જીતી લીધાં છે. આ કામ કર્યા પછી શ્રેયસને થ્રિલર, ફેમિલી ડ્રામા, તેમ જ ગંભીર ફિલ્મો કરવાની તક મળી રહી છે. અભિનેતાએ ક્રિકેટ પર આધારિત ફિલ્મ 'ઈકબાલ' અને ક્રિકેટર પ્રવિણ તાંબેની બાયોપિકમાં પોતાનો આ ખેલ પ્રત્યેનો લગાવ છતો કર્યો છે. જોકે આ રમત પ્રત્યેનું શ્રેયસનું આકર્ષણ હજી પણ યથાવત્ છે. તેને હવે સૂર્યકુમાર યાદવની બાયોપિકમાં કામ કરવાના ઓરતા છે.
અભિનેતા કહે છે કે મને સૂર્યકુમાર યાદવ અત્યંત પ્રિય છે. તેણે અનેક વખત પોતાની કાબેલિયતનો પરચો આપ્યો છે. હા, દરેક વ્યક્તિના જીવનમાં ચડાવ-ઉતાર અચૂક આવવાના. સૂર્યકુમાર પણ તેમાંથી બાકાત શી રીતે રહી શકે? શ્રેયસ વધુમાં કહે છે કે સચિન તેંડુલકરે પણ ક્યાં ઓછો સંઘર્ષ કર્યો છે. જીવનમાં ચોક્કસ મુકામ સુધી પહોંચવા ઝઝૂમવું તો પડે જ. શ્રેયસ માને છે કે મોટાભાગે આ પ્રકારના પાત્રો અદા કરવા યુવાન કલાકારો પર પસંદગીનો કળશ ઢોળવામાં આવતો હોય છે, પરંતુ મને સૂર્યકુમાર બાયોપિકમાં કામ કરવાનો મોકો મળશે તો હું પળનોય વિલંબ કર્યા વિના એ તક ઝડપી લઈશ. શ્રેયસ ઉમેરે છે કે સૂર્યકુમારે સ્વયં એક ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે એમ કહ્યું હતું કે હું તેની બાયોપિકમાં કામ કરું ત્યારે મારી છાતી ગજ ગજ ફૂલી હતી.
થોડા સમય પહેલા જ શ્રેયસે તેની ફિલ્મ 'જિંદગી નમકીન હૈ'નું શૂટિંગ પૂરું કર્યું. આ મૂવીમાં શ્રેયસે શેફનો રોલ અદા કર્યો છે. શ્રેયસ પોતાની આ ફિલ્મ વિશે કહે છે કે તેમાં પતિ-પત્નીની નાજુક પ્રેમ કહાણી વણી લેવામાં આવી છે. બંને વચ્ચે બધું સમુંસુતરું ચાલતું હોય છે, પણ પછીથી કાંઈક એવું બને છે કે તેમના જીવનમાં ઉથલપાથલ મચી જાય છે. આ મુશ્કેલીનો સામનો તેઓ શી રીતે કરે છે એ જ આ મૂવીનો સૂર છે.
અભિનેતાએ આ મૂવીમાં ભલે શેફનો રોલ અદા કર્યો છે. પરંતુ શું તેને વાસ્તવિક જીવનમાં રાંધતા આવડે છે ખરૃં? આના જવાબમાં શ્રેયસ કહે છે કે ના, બિલકુલ નહીં. હા, મેં એકાદ વખત સારી ખિચડી બનાવી હતી. બાકી મારી પત્ની તો મને રસોડામાંથી બહાર જ તગેડી મૂકે. જોકે મેં આ ફિલ્મની ભૂમિકા માટે રાંધવાની થોડી પ્રેક્ટિસ કરી હતી એ જુદી વાત છે.
શ્રેયસને લાગે છે કે પારિવારિક ફિલ્મો વધુ બનવી જોઈએ. આનો અર્થ એવો નથી કે તે અન્ય કોન્ટેન્ટનો વિરોધ કરે છે, પરંતુ તે કહે છે કે એક તબક્કે કૌટુંબિક ફિલ્મો વધુ બનતી. ટીવી પર પણ એવી ધારાવાહિકો આવતી કે સમગ્ર કુટુંબ સાથે બેસીને તે જોઈ શકતું. પણ બદલાતા સમય સાથે મનોરંજન જગતમાં પણ આમૂલ પરિવર્તન આવ્યું છે. આજે મોટાભાગે બધા પાસે સ્માર્ટફોન છે તેથી તેઓ જ્યારે જે ઇચ્છે તે જોઈ શકે છે. ઓટીટી પર તો વૈવિધ્યનો ખજાનો છે. આમ છતાં આ મંચ પર કંઈ પણ જોવા બેસતાં પહેલાં તમારે ઘરમાં નજર નાખી લેવી પડે કે તમારી આસપાસ કોણ છે.
અભિનેતાએ 'પુષ્પા'માં અલ્લુ અર્જુનના પાત્ર માટે હિન્દીમાં ડબિંગ કર્યું ત્યાર પછી તેને ડબિંગની સંખ્યાબંધ ઑફરો આવી. પરંતુ શ્રેયસે તે બધી પાછી વાળી દીધી. લક્ષ્મી ચાંદલો કરવા આવી ત્યારે શ્રેયસને મોઢું ધોવા જવાની શી જરૂર એવો પ્રશ્ન થવો સહજ છે. જોકે આ કલાકાર ચોક્કસ બાબતોને વળગી રહેવાનું હોય ત્યારે નાણાકીય લાભને ગૌણ ગણે છે. આ કારણે જ તેણે ડબિંગનું અન્ય કામ ન સ્વીકાર્યું. શ્રેયસ કહે છે કે હું ઇચ્છું છું કે આ મૂવીમાં મેં કરેલા કામની વિશિષ્ટતા જળવાઈ રહે. તે વધુમાં કહે છે કે મેં માત્ર ડબિંગની ઑફરો જ પાછી વાળી છે, ફિલ્મોની નહીં. હવે મને વૈવિધ્યસભર ફિલ્મો મળી રહી છે, મારી કૉમેડિયન તરીકેની છબિ બદલાઈ રહી છે તેનાથી રૂડું શું? તમને જાણીને આશ્ચર્ય થશે કે મેં હમણાં મારી ત્રણ ત્રણ ફિલ્મોનું શૂટિંગ લખનઉમાં કર્યું છે. તાજેતરમાં મેં અહીં 'જિંદગી નમકીન હૈ'નું શૂટિંગ પૂરું કર્યું. તેનાથી પહેલા મેં લખનઉમાં જ 'સરકાર કી સેવા મેં' અને 'સિંગલ સલમા'ના શૂટિંગ કર્યાં હતાં. મઝાની વાત એ છે કે દર વખતે મને લખનઉનું જાણે કે નવું રૂપ જોવા મળ્યું.