પિતાને 'શોલે' ન બતાવી શક્યા તેનો જીવનભરનો વસવસો રહ્યો: અમજદ
- પિતા જયંત તથા ભાઈ ઈમ્તિયાઝ સાથે અમજદ ખાન
બોલીવૂડની ફિલ્મોમાં એક વેળા ખૂનખાર ખલનાયકનો એક દોર ચાલતો. બોલીવૂડમાં એવા કેટલાય કલાકારો આવ્યા, જેમણે ખલનાયક બનીને દર્શકોનો અપાર પ્રેમ જીત્યો છે, ચાહના મેળવી છે. તેમની વિદાય પછી આજે પણ તેમની ફિલ્મોએ તેમને અમર કરી દીધા છે. અહીં એવા જ એક વિલનની વાતો કરવી છે, જેણે તેના સંઘર્ષ થકી આ ઇન્ડસ્ટ્રીમાં તેની ઓળખ બનાવી છે.
'યહૉં સે પચાસ-પચાસ કોસ ગાંવ મેં, જબ બચ્ચા રાત કો રોતા હૈ, તો મા કહતી હૈ, બેટે સો જા સો જા નહીં તો ગબ્બર આ જાયેગા...' 'શૉલે'નો આ ડાય્લોગ આજે પણ દર્શકોના હોઠો પર રમે છે અને એ જ કારણ છે કે ફિલ્મમાં ગબ્બરની ભૂમિકા ભજવનારો અમજદ ખાન આજે પણ પોતાની ફિલ્મોને કારણે ફેન્સના દિલોમાં ધબકે છે. ચાલો, જાણીએ આ અભિનેતાની જિંદગી સાથે સંકળાયેલા કેટલાંક રસપ્રદ કિસ્સા...
અમજદ ખાનનો જન્મ ૧૨ નવેમ્બર, ૧૯૪૦ના રોજ પેશાવરમાં થયો. આ અભિનેતા એક ફિલ્મી પરિવાર સાથે સંકળાયેલા છે. અમજદ ખાનને બાળપણથી જ અભિનયમાં ગજબની રૂચિ હતી. અભિનય પ્રત્યેની તેમની રૂખને કારણે તેમણે માત્ર ૧૭ વર્ષની વયે જ 'અબ દિલ્હી દૂર નહીં' (૧૯૫૭)માં કામ કર્યું હતું. બોલીવૂડમાં દરેક વ્યક્તિ હીરો બનવાના સ્વપ્ન સાથે આવે છે, પણ અમજદ ખાન તો બોલીવૂડના એવા હીરો બની ગયા, જેમને તેમની ખલનાયિકી માટે પસંદ કરવામાં આવે છે.
દરેક હસતી-મુસ્કુરાતી વ્યક્તિની પાછળ એક ઊંડુ દુ:ખ છુપાયેલું હોય છે. આવી જ સ્થિતિ અમજદ ખાનની પણ હતી. તેમની જિંદગીમાં એક એવી નિરાશા હતી, જેમાંથી તેઓ કદી બહાર આવી શક્યા જ નહોતા. અમજદ ખાન એવું ઇચ્છતા હતા કે તેમના પિતા જયંત ફિલ્મ 'શોલે'માં તેનું કામ નિહાળે, પણ 'શોલે'ની રિલિઝ પહેલા જ તેમના પિતાનું નિધન થઈ ગયું. 'શોલે' ૧૫ ઓગસ્ટ, ૧૯૭૫ના રોજ રિલિઝ થઈ જ્યારે અમજદ ખાનના પિતાનું નિધન બીજી જૂન, ૧૯૭૫ના રોજ થઈ ગયું.
અમજદ ખાન ઇચ્છતા હતા કે તેમના પિતા જયંત ફિલ્મ 'શોલે'માં તેમનું કામ નિહાળે, પણ કિસ્મતને એ મંજૂર નહોતું. 'શોલે' રિલિઝ થઈ તેના અઢી મહિના પહેલા જ તેમના પિતા જયંતનું નિધન થઈ ગયું. અમજદ ખાનની આ તમન્ના હંમેશ માટે અધુરી રહી. આ ગમ તેઓ જીવનભર ઝીલતા રહ્યા. અમજદ ખાન તેમના અંતિમ દિવસોમાં બેહદ તકલીફમાં રહેતા હતા. એક્સિડન્ટને કારણે તેમની ૧૩ પાંસળી તૂટી ગઈ હતી. વ્હીલચેર પર લાંબો સમય રહેવાને કારણે તેમનું વજન પણ ખૂબ વધી ગયું હતું. વધતા વજનને કારણે તેઓ ઘણીવાર કોમામાં પણ જતાં રહેતા અને પછી ભાનમાં આવતા હતા.
એવું કહેવાય છે કે અમજદ ખાન ભયંકર પીડાતા હતા. વ્હીલચેરમાં બેસીને તેમનું વજન વધી ગયું અને પછી હૃદય રોગનો હુમલો થયો અને નિધન થઈ ગયું. આજે અમજદ ખાન આપણી વચ્ચે નથી, પણ ફેન્સના દિલમાં તો હજુય ધબકી રહ્યા છે.
અમજદ ખાનની લવસ્ટોરી
અમજદ ખાનની લવ-સ્ટોરી પણ જાણવા જેવી છે. અમજદ ખાનની લવ-સ્ટોરી પણ એક અનોખી લવસ્ટોરી છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તેઓ એવી છોકરીના પતિ બન્યા હતા, જે તેમને ભાઈ કહીને બોલાવતી હતી.
૧૯૭૨માં અમજદના લગ્ન થયા
અમજદ ખાનના લગ્ન ૧૯૭૨માં શૈલા ખાન સાથે થયા હતા, પણ તેઓ તો શૈલાને તે વખતે જ દિલ દઈ ચુક્યા હતા, જ્યારે તે માત્ર ૧૪ વર્ષની હતી. આ વાતનો ખુલાસો ખુદ શૈલા ખાને કર્યો હતો. તેમણે એક મુલાકાતમાં આ જણાવ્યું હતું.
અમજદને ભાઈ કહેતી હતી શૈલા
શૈલાએ ફિલ્મફેરને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે હું અને અમજદ મુંબઈના બાન્દ્રામાં એકબીજાના પાડોશી હતા. તેઓ અમજદને જયંત અંકલના પુત્ર તરીકે ઓળખતી હતી. તે વેળા શૈલા માત્ર ૧૪ વર્ષની હતી અને સ્કૂલમાં ભણતી હતી અને અમજદ ખાન કૉલેજમાં જતા હતા. બંને એકબીજાની સાથે બેડમિંટન રમતા હતા તે વેળા શૈલા અમજદ ખાનને ભાઈ કહેતી હતી.
અમજદ ખાને પ્રપોઝ કર્યું
ભાઈ શબ્દ સાંભળીને અમજદ નારાજ થઈ ગયા હતા. તેમણે શૈલાને કહ્યું હતું કે મને ભાઈ નહીં કહે. એક દિવસ જ્યારે શૈલા સ્કૂલથી આવી રહી હતી ત્યારે અમજદ ખાને તેને રસ્તામાં અટકાવી દીધી હતી અને કહ્યું હતું કે જલ્દીથી મોટી થઈ જા. હું તારી સાથે લગ્ન કરીશ. આટલું બોલ્યાને થોડા દિવસમાં જ અમજદે શૈલાના ઘરે લગ્ન માટે કહેણ મોકલ્યું હતું. તે સમયે શૈલાની ઉંમર નાની હતી. તેથી તેના પિતાએ ઈનકાર કર્યો હતો, પણ બંનેની પ્રેમ-લાગણી વધવા માંડી. આથી અંતે ૧૯૭૨માં બંનેએ લગ્ન કરી લીધા. તેમના ત્રણ સંતાનો થયા. અમજદના મોટા પુત્ર શાબાદ ખાને 'રાજા કી આયેગી બારાત' ફિલ્મથી બોલીવૂડમાં પદાર્પણ કર્યું.